• Home
  • News
  • હજયાત્રીઓએ હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા:દેશના અન્ય એરપોર્ટ કરતાં અમદાવાદ એરપોર્ટથી અંતર ઓછું છતાં 68થી 70 હજાર રૂપિયા ભાડું, હાઇકોર્ટે ખુલાસો આપવા નોટિસ ફટકારી
post

તેમનું કહેવું છે કે મુંબઈથી હજયાત્રા કરવા જતા હાજીઓ કરતા ગુજરાતના હાજીઓએ 68 હજાર રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-30 17:42:11

હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાંથી 1,75,000 જેટલા હાજીઓને હજયાત્રા પર લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હજયાત્રા માટે ગુજરાતમાંથી પણ લકી ડ્રો મારફત આશરે 10,000 જેટલા હાજીઓની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ કરતાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ એમ ત્રણ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું ઓછું અંતર હોવા છતાં ગુજરાત રાજ્યમાંથી હજયાત્રાએ જઈ રહેલા હાજીઓ પાસેથી અંદાજે 68000થી 70000 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે. અગાઉ આ તફાવત 2થી 5 હજાર રૂપિયાનો જ હતો. એને લઈને હજ યાત્રીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. આજે સુનાવણી હાથ ધરાતાં હાઈકોર્ટે ખુલાસો આપવા નોટિસ ફટકારી છે.

આગામી સુનાવણી 2 જૂને થશે
જ્યારે આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના હાજીઓ પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે? એ અંગે ખુલાસો કરવા માટે નોટિસ જારી કરી છે. ઉપરાંત આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયાલ કેમ નથી આપવામાં આવી રહ્યા? એવો પ્રશ્ન પણ હાઇકોર્ટે કર્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 2 જૂને થશે.

2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ
વર્ષ 2023ની પોલિસીમાં ગત વર્ષ સુધી જે હાજીઓ હજ પઢવા જતા હતા તેમને તેમના દ્વારા ભરવામાં આવેલી રકમમાંથી હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી 2100 સાઉદી રિયાલ જેદ્દાહ અથવા મદીના શરીફમાં ચૂકવવામાં આવતા હતા. જેથી તેઓ હજ દરમિયાન ખાવા-પીવાની જરૂરિયાતો પૂર્ણ કરી શકતા હતા, પરંતુ આ વર્ષે 2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ રાખવામાં આવ્યું છે.

દેશનાં ચાર એરપોર્ટનું અલગ અલગ ભાડું અમદાવાદ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું અંતર 3430 કિલોમીટર છે અને ભાડું 3,72,824 રૂપિયા વસૂલવામાં આવે છે. જ્યારે બેંગલુરુ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટનું અંતર 4173 કિલોમીટર અને ભાડું 3,03,921 રૂપિયા છે. હૈદરાબાદ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટનું અંતર 4132 કિલોમીટર અને ભાડું 3,05,173 રૂપિયા છે. મુંબઈ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધી અંતર 3515 કિલોમીટર અને ભાડું 3,04,893 રૂપિયા છે. આમ, અમદાવાદ સિવાયનાં અન્ય ત્રણેય એરપોર્ટથી જેહાદ્દ સુધીનું અંતર વધુ છે અને ભાડું પણ ઓછું છે. જ્યારે અમદાવાદ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું અંતર ઓછું હોવા છતાં ભાડું વધુ વસૂલાઇ રહ્યું છે.

અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
અગાઉ એડવોકેટ શમશાદખાન પઠાણ અને ગુજરાતમાંથી હજયાત્રાએ જઈ રહેલા હાજીઓ દ્વારા હજ કમિટી ઓફ ઈન્ડિયાને ગુજરાત હજ કમિટી મારફત કેટલીક માગણીઓને લઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

મુખ્ય માગણીઓ
ઉપરોક્ત ઇમ્બારેક્શન પોઈન્ટ ઉપરથી હાજીઓને લઈ જવા માટે સાઉદી એરલાઇન્સ અથવા વિસ્તારા એરલાઇન્સ કંપનીના વિમાનથી હાજીયોને હજ પર આવવા-જવા માટે વ્યવસ્થા કરવામાં આવે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીઓને 2100 સાઉદી રિયાલ ચૂકવવામાં આવે. ભારત દેશમાંથી હજયાત્રા માટે જતા તમામ યાત્રીઓ માટે એકસમાન રકમ નક્કી કરવામાં આવે અથવા અમદાવાદથી જતા હાજીઓ પાસેથી મુંબઈ, બેંગલુરુ અથવા હૈદરાબાદ જેટલી રકમ લેવામાં આવે.

સર્ક્યુલરને ગેરબંધારણીય, ગેરકાયદે ગણાવ્યો
આ મુદ્દે ગુજરાતના લઘુમતી સમુદાય દ્વારા હાઈકોર્ટનાં દ્વારા ખખડાવવામાં આવ્યાં હતાં. જેમણે ભારતની હજ કમિટી તરફથી જાહેર કરાયેલો પરિપત્ર રદ કરવા માગ કરી હતી. તેમનું કહેવું છે કે મુંબઈથી હજયાત્રા કરવા જતા હાજીઓ કરતા ગુજરાતના હાજીઓએ 68 હજાર રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. આ અરજીમાં ભારત સરકારના લઘુમતી મંત્રાલય, હજ કમિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારને પ્રતિવાદી પક્ષ બનાવવામાં આવ્યા હતા. અરજદારોએ કોર્ટને હજ કમિટી ઓફ ઇન્ડિયાના સર્ક્યુલરને ગેરબંધારણીય, ગેરકાયદે અને ભેદભાવ પૂર્ણ જણાવી રદ કરવા માગણી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post