• Home
  • News
  • PM મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી:દિલ્હી-મુંબઈ સહિત 8 શહેરમાં આજથી એરટેલની 5G સર્વિસ, Jio ડિસેમ્બર સુધીમાં દેશભરમાં 5G આપશે
post

પહેલો ફાયદો એ થશે કે યુઝર્સ ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 16:38:18

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબર શનિવારના રોજ 5G સર્વિસ લોન્ચ કરી છે. ભારતને નવી ભેટ મળી છે. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 5G સર્વિસ લોન્ચ કરી છે. આની શરૂઆત એરટેલ વારાણસીથી અને જિયો અમદાવાદના એક ગામથી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. 5G સર્વિસ લોન્ચ કરતાં ભારત ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ્યું છે.

આજથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ટેલિકોમ ઉદ્યોગની એક ઈવેન્ટ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિ શરૂ થઈ રહી છે, જે 4 દિવસ સુધી ચાલશે. આ ઈવેન્ટમાં પીએમ મોદીએ 5જી સર્વિસ લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી, સુનીલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી હતી.

મુકેશ અંબાણીએ કહ્યું- 5G ડિજિટલ કામધેનુ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે 5G ડિજિટલ કામધેનુ છે. આ ટેક્નોલોજી ભારતીયોના જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ લાવશે. આનાથી સારી આરોગ્ય સેવા પૂરી પાડવાનું શક્ય બનશે. અંબાણીએ કહ્યું હતું કે Jio દ્વારા ડિસેમ્બર સુધીમાં દેશના દરેક ખૂણે 5G સેવા પહોંચાડવામાં આવશે. જ્યારે ભારતી-એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે દિલ્હી, મુંબઈ અને વારાણસી સહિત દેશનાં આઠ શહેરમાં આજથી 5G સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે.

પ્રથમ તબક્કામાં 13 શહેરમાં સર્વિસ ઉપલબ્ધ થશે
ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું હતું કે 13 શહેરમાં રહેતા યુઝર્સને સૌથી પહેલા 5G સર્વિસનો લાભ મળશે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ચંદીગઢ, બેંગલુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનઉ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર સામેલ છે. આ શહેરો બાદ વર્ષના અંત સુધીમાં અન્ય મોટાં શહેરોમાં પણ 5G સર્વિસ સાથે જોડાયેલ નેટવર્ક તૈયાર થઈ જશે અને યુઝર્સને એનો લાભ મળશે.

5G: નવી ટેક્નોલોજી, નવો પ્રોબ્લેમ
અત્યારે આપણા સ્માર્ટફોનમાં જે સેલ્યુલર બ્રોડબેન્ડ નેટવર્ક આવી રહ્યું છે એ 4G યાને કે ફોર્થ જનરેશન એટલે કે ચોથી પેઢીનું છે. મોબાઇલ કમ્યુનિકેશન્સની દરેક નવી જનરેશન સામાન્ય રીતે દર 10 વર્ષે બદલાય છે. દરેક નવી પેઢી વધુ મોટા અને પહોળા ફ્રિક્વન્સી બેન્ડનો ઉપયોગ કરે છે અને એટલે જ વધુ માહિતીનું વહન કરી શકે છે. 4G કરતાં 5G ટેક્નોલોજી એકસાથે 100 ગણા વધારે યુઝર્સને એકસાથે સર્વિસ પૂરી પાડી શકે છે. 5G સર્વિસનું ઇન્ટરનેટ પણ 50 Mbpsથી 1,000 Mbpsની ગંજાવર સ્પીડ આપે છે.

પીએમ મોદીએ 5Gનો ઉપયોગ કેવી રીતે જોયો

·         જિયોએ તેના ડેમોમાં 4 શાળાઓને એકસાથે કનેક્ટ કરી. મુંબઈની એક શાળાના શિક્ષકે ત્રણ અલગ-અલગ જગ્યાના વિદ્યાર્થીઓને ભણાવ્યા. PMએ અમદાવાદની રોપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સાથે વાત કરી હતી.

·         વોડાફોન આઈડિયાએ 5G ની મદદથી દિલ્હી મેટ્રોની નિર્માણાધીન ટનલમાં કામદારોની સલામતીના ઉપયોગના કેસનું નિદર્શન કર્યું. પીએમ મોદીએ ટનલમાં કામ કરી રહેલા લોકો સાથે પણ વાત કરી.

·         એરટેલે તેના ડેમોમાં ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓને સામેલ કર્યા હતા. વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી સોલાર સિસ્ટમ વિશે શીખવવામાં આવ્યું હતું. તેઓ સ્ટુડન્ટ હોલોગ્રામ દ્વારા સ્ટેજ પર દેખાયા અને પીએમ સાથે પોતાના શીખવાના અનુભવ શેર કર્યા હતા.

શું કહ્યું પીએમ મોદીએ?

·         5Gએ તકોના અનંત આકાશમાં પ્રવેશ કર્યો છે. હું દરેક ભારતીયને આ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

·         આઝાદીના અમૃત મહોત્સવના આ ઐતિહાસિક સમયગાળામાં 1 ઓક્ટોબર, 2022ની તારીખ ઇતિહાસમાં નોંધાશે.

·         નવું ભારત માત્ર ટેક્નોલોજીનો ઉપભોક્તા જ નહીં રહે, પરંતુ ટેક્નોલોજીના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે.

·         ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજી, તેનાથી સંબંધિત મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન કરવામાં ભારત મુખ્ય ભૂમિકા ભજવશે.

·         આજે, ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ સમજી રહ્યો છે કે 5G ઈન્ટરનેટનું સમગ્ર આર્કિટેક્ચર બદલી નાખશે.

·         2G, 3G, 4G સમયે ભારત ટેક્નોલોજી માટે અન્ય દેશો પર નિર્ભર હતું પરંતુ 5G સાથે ભારતે નવો ઈતિહાસ રચ્યો છે.

·         2014માં જીરો મોબાઈલ ફોનની નિકાસ સાથે, આજે આપણે હજારો કરોડની કિંમતનો મોબાઈલ નિકાસ કરનાર દેશ બની ગયા છીએ.

·         આ તમામ પ્રયાસોની અસર ડિવાઈસની કિંમત પર પડી છે.હવે અમને ઓછા ખર્ચે વધુ સુવિધાઓ મળવા લાગી છે.

·         ઘરે-ઘરે વીજળી, દરેક ઘરે જળ અને દરેક ઘરે ગેસ સિલિન્ડરની જેમ સરકાર બધા માટે ઇન્ટરનેટ પર કામ કરી રહી છે.

·         સરકારે ડિજિટલ પેમેન્ટનો માર્ગ સરળ બનાવ્યો છે. નાનો દુકાનદાર પણ કહે છે, કેશ નહીં, 'UPI'કરી દો.

કોને મળશે 5G સેવા?
5G
નો ઉપયોગ કરવા માટે તમારે અત્યારે નવા સિમ કાર્ડની જરૂર નથી. તમે ફક્ત તમારા જૂના સિમ પર જ નવી સેવાનો ઉપયોગ કરી શકશો. જોકે આ માટે તમારા ફોનમાં 5G સપોર્ટ હોવો જરૂરી છે. માત્ર 5G સપોર્ટ જ નહીં, તેના પર એ બેન્ડ્સ હોવા પણ જરૂરી છે, જેના પર સેવા ઉપલબ્ધ થશે.

ભારતમાં લોન્ચ કરાયેલા ઘણા મોબાઈલ 5G સ્પેક્ટ્રમ હરાજી પહેલાંના છે. આ સ્થિતિમાં તમારે તમારો ફોન ચેક કરવો જોઈએ કે તમારા ફોનમાં કયા- કયા બેન્ડ ઉપલબ્ધ છે અને કયા બેન્ડ પર તમારા ઓપરેટર સેવા આપશે.

Jio, Vodafone અને Airtel લાઈવ ડેમો આપ્યો
ભારતમાં 5G ટેક્નોલોજીની સંભવિતતા દર્શાવવા માટે દેશના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટરો વડાપ્રધાન સમક્ષ એક એક યુઝ કેસનું ડેમોન્સ્ટ્રેશન કર્યું જ્યારે પીએમ મોદી VR અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રિયલ-ટાઇમમાં કામ પર દેખરેખ રાખવા માટે ડાયસથી લાઇવ ડેમો લીધો. ડ્રોન આધારિત ખેતી, સ્વચાલિત માર્ગદર્શિત વાહનો, સ્માર્ટ એમ્બ્યુલન્સ, સ્માર્ટ-એગ્રી પ્રોગ્રામ્સ અને આરોગ્ય નિદાન જેવી બાબતોનું પણ વડાપ્રધાન સમક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

·         રિલાયન્સ જિયો મુંબઈની એક શાળાના શિક્ષકને મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાનાં ત્રણ અલગ-અલગ સ્થળોના વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.. આ દ્વારા જણાવવામાં આવ્યુ કે કેવી રીતે 5G શિક્ષકોને વિદ્યાર્થીઓની નજીક લાવીને, તેમની વચ્ચેના ભૌતિક અંતરને દૂર કરીને શિક્ષણને સરળ બનાવશે.

·         વોડાફોન આઈડિયા દિલ્હી મેટ્રોની નિર્માણાધીન ટનલમાં કામદારોની સુરક્ષાનું ડાયસ પર ટનલના 'ડિજિટલ ટ્વીન'ના નિર્માણ દ્વારા ડેમોન્સ્ટ્રેશન કર્યું. ડિજિટલ ટ્વીન રિમોટ લોકેશનથી કામદારોને રિયલ-ટાઇમમાં સેફ્ટી એલર્ટ પ્રદાન કરવામાં મદદ કરશે.

5G શરૂ થવાથી કયા કયા ફાયદા થશે?

·         પહેલો ફાયદો એ થશે કે યુઝર્સ ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

·         વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે.

·         વીડિયો વિના બફરિંગ અથવા બંધ કર્યા વિના સ્ટ્રીમ કરી શકશે.

·         ઈન્ટરનેટ કૉલ્સમાં અવાજ અટક્યા વિના સ્પષ્ટ રીતે આવશે.

·         2 GB મૂવી 10થી 20 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.

·         કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.

·         મેટ્રો અને ડ્રાઇવર વિનાનાં વાહનો ચલાવવામાં સરળતા રહેશે.

·         વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટ્સનો ઉપયોગ કરવો સરળ બનશે.

5G આવવાથી કામ સરળ બનશે
5G
ઈન્ટરનેટ સેવાની શરૂઆત સાથે ભારતમાં ઘણું બધું બદલાવાનું છે. આ માત્ર લોકોનાં કામને સરળ બનાવાશે નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ થશે. એરિક્સનની કંપની 5G માટે કામ કરે છે, તેનું એવું માનવું છે કે 5 વર્ષમાં ભારતમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ યુઝર હશે.

ઈન્ટરનેટની પાંચમી જનરેશન 5G
ઈન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. તે વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ફ્રીક્વન્સી બેન્ડ છે.

·         લો ફ્રીક્વન્સી બેન્ડ - એરિયા કવરેજમાં શ્રેષ્ઠ, ઈન્ટરનેટ સ્પીડ 100 Mbps, ઈન્ટરનેટ સ્પીડ ઓછી.

·         મિડ ફ્રિકવન્સી બેન્ડ - ઈન્ટરનેટ સ્પીડ લો બેન્ડથી વધુ 1.5 Gbps, વિસ્તાર કવરેજ લો બેન્ડ કરતાં ઓછો, સિગ્નલની દ્રષ્ટિએ સારું.

·         હાઈ ફ્રિકવન્સી બેન્ડ - ઈન્ટરનેટ સ્પીડ મહત્તમ 20 Gbps છે, વિસ્તાર કવર સૌથી ઓછું છે, સિગ્નલની દ્રષ્ટિએ પણ સારું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post