• Home
  • News
  • પંજાબમાં તમામ ૧૧૭ અને ઉત્તર પ્રદેશમાં ૫૯ બેઠકો પર કાલે મતદાન
post

રાજ્યમાં હાલ તમામ બુલડોઝર રિપેરિંગ માટે મોકલાયા છે, ૧૦મી પછી ફરી કામે લાગી જશે : યોગી આદિત્યનાથનો દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 15:15:16

લખનઉ:
ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ૨૦મી ફેબુ્રઆરીએ યોજાનારા મતદાન માટે શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ૧૬ જિલ્લાની ૫૯ વિધાનસભા બેઠકો પર જ્યારે પંજાબમાં તમામ ૧૧૭ બેઠકો પર રવિવારે મતદાન થશે. દરમિયાન ગૂનેગારો સામે કાર્યવાહી મુદ્દે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, હાલ તમામ બુલડોઝર રીપેરિંગ માટે મોકલાયા છે. ૧૦મી માર્ચ પછી તે ફરીથી કામે લાગી જશે. બીજીબાજુ અખિલેશ યાદવે કહ્યું કે, પીએમ મોદી અને યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતાં કહ્યું કે પરિવાર ના હોય તેવા લોકો પરિવારનું દુઃખ સમજી શકતા નથી.


દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાં રવિવારે ત્રીજા તબક્કા હેઠળ કન્નૌજ, ઈટાવા, ઓરૈયા, હાથરસ સહિત ૧૬ જિલ્લાની ૫૯ બેઠકો પર મતદાન થશે. આ મતદાનમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી એસ.પી. સિંહ બઘેલ, શિવપાલ સિંહ યાદવ, યોગી સરકારના મંત્રી સતીશ મહાના, નીલિમા કટિયાર, રામ નરેશ અગ્નિહોત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદનાં પત્ની લુઈસ ખુરશીદ જેવા દિગ્ગજોના ભાવી સીલ થશે.


ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આ જિલ્લાઓમાંથી સપાને માત્ર આઠ બેઠક મળી હતી. બીજીબાજુ ભાજપને ૪૯ બેઠકો મળી હતી. ૨૦૧૨માં સપાને અહીં ૩૭ બેઠકો અને ભાજપને ૮ બેઠકો મળી હતી.


પંજાબમાં રવિવારે તમામ ૧૧૭ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. કરુણા રાજીએ મતદાન માટે અનેક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જે મુજબ બહારના ક્ષેત્રોમાંથી ચૂંટણી પ્રચાર માટે આવેલા નેતાઓ અને કાર્યકરોએ જે-તે વિસ્તાર છોડવા પડશે. શુક્રવારે સાંજે છ વાગ્યાથી મતદાન પૂરું થવા સુધી દારૂની દુકાનો પણ બંધ રહેશે.
દરમિયાન ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાના દિવસે મૈનપુરીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ગૂનેગારો સામે તેમની સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, હાલ રાજ્યમાં બધા જ બુલડોઝર રીપેરિંગ માટે મોકલાયા છે અને ૧૦મી માર્ચ પછી તે ફરીથી કામ શરૂ કરશે. સમાજવાદી પક્ષના એક નેતાએ વિધાનસભા ચૂંટણીના સમયમાં પણ બુલડોઝર ચાલે છે કે કેમ તેવો યોગી આદિત્યનાથને સવાલ કરતાં તેમણે જવાબ આપ્યો હતો. યુપી સરકાર ગૂનેગારોની ગેરકાયદે મિલકતો તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરે છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજ્યમાં અનેક ગુનેગારો સાડા ચાર વર્ષથી છુપાઈ ગયા હતા, તે ચૂંટણી જાહેર થતા જ બહાર આવ્યા છે. આ ગૂનેગારોને ઓળખી કઢાયા છે અને ૧૦મી માર્ચ પછી તેમના પર બુલડોઝર ચલાવવાનું કામ ફરી શરૂ થશે.


બીજીબાજુ પરિવારવાદના રાજકારણ પર ભાજપ સતત આક્રમક રહ્યું છે ત્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે શુક્રવારે જાલૌનમાં જણાવ્યું હતું કે, જેને પરિવાર હોય તેવી વ્યક્તિ જ પરિવારનું દુઃખ અને જવાબદારી સમજી શકે છે. તેઓ મને 'ઘોર પરિવારવાદી' ગણાવે છે. પરંતુ ભાજપના નેતાઓને પરિવાર જ નથી. તેથી તેઓ પરિવારની પીડા કેવી રીતે સમજી શકે?

adv

Related News

post
post
post
post
post
post
post