• Home
  • News
  • પ્રદૂષણ ઇફેક્ટ : દિલ્હીથી મુંબઈની ફ્લાઈટનું ભાડું રૂ. 58 હજારે પહોંચ્યું, બજેટ એરલાઈન્સનાં ભાડાં રૂ. 15 હજારની ઊંચાઈએ
post

પ્રદૂષિત રાજધાનીમાંથી થોડા દિવસ બહાર નીકળવા ધનવાનો બેતાબ, ગરીબો બેહાલ

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 09:27:42

અમદાવાદ: નવી દિલ્હીના આકાશમાં છવાયેલા સ્મોગના કારણે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિતના એર ટ્રાફિકને પણ અસર થઈ છે. રાજધાનીમાં પ્રદૂષણના કારણે રોજેરોજ અનેક ફ્લાઈટ ડાઈવર્ટ થયાના અહેવાલો છે, ત્યારે કેટલાક લોકો કેટલાક દિવસ માટે દિલ્હી છોડીને ભાગી રહ્યા છે. આ સ્થિતિમાં દિલ્હીથી અન્ય શહેરોની ફ્લાઈટના ભાડા ફક્ત ધનવાનોને જ પોસાય એવી રૂ. 58 હજારની ઊંચાઈએ પહોંચી ગયા છે.



દિલ્હી-મુંબઈની સૌથી સસ્તી નોન-સ્ટોપ ફ્લાઈટનું ભાડું રૂ. 14,575 હતું :
ઓનલાઈન ટિકિટ બુક કરતી વેબસાઈટો પર નજર કરીએ તો હાલ દિલ્હીથી મુંબઈની ફ્લાઈટોનું વન-વે ભાડું સૌથી વધારે છે. ગુરુવારે દિલ્હી-મુંબઈ ફ્લાઈટનું સૌથી સસ્તું ભાડું 15 હજારે પહોંચ્યું હતું, જ્યારે એ પછીના દિવસનું ભાડું 14થી 58 હજાર વચ્ચે હતું. બુધવારે તો દિલ્હીના પ્રદૂષણની સાથે ફ્લાઈટના ભાડાનો આંકડો પણ 58 હજારે પહોંચી ગયો હતો. એવી જ રીતે, દિલ્હીથી અમદાવાદની ફ્લાઈટનો મહત્તમ ભાવ પણ રૂ. 48 હજાર હતો. ગો-આઈબિબોએ ગુરુવારે સાંજે ઓફર કરેલી દિલ્હી-મુંબઈની સૌથી સસ્તી નોન-સ્ટોપ ફ્લાઈટનું ભાડું રૂ. 14,575 હતું, જ્યારે મેક માય ટ્રીપ પર સૌથી સસ્તી ફ્લાઈટ સ્પાઈસ જેટની હતી. તેનું ભાડું રૂ. 26 હજારથી વધુ હતું. એ પછીના દિવસે, શુક્રવારે મેક માય ટ્રીપ પર દિલ્હીથી મુંબઈની સૌથી મોંઘી ફ્લાઈટ એર એશિયાની હતી, તેનું ભાડું રૂ. 24,898 હતું. આ ઉપરાંત ગો-આઈબિબો પર દિલ્હી-મુંબઈની સૌથી મોંઘી ફ્લાઈટ રૂ. 30,112 ભાડું ધરાવતી એર ઈન્ડિયાની હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ફ્લાઈટનો હૈદરાબાદમાં આશરે નવ કલાકનો લે-ઓવર હોવા છતાં તેનું ભાડું આટલું ઊંચુ હતું. સામાન્ય રીતે દિલ્હીથી મુંબઈ ફ્લાઈટનું ભાડું સરેરાશ રૂ. 3000ની આસપાર હોય છે, જે દર્શાવે છે કે રાજધાનીમાં પ્રદૂષણ સહિતના અનેક કારણસર ફ્લાઈટના ભાડામાં ઊછાળો આવ્યો છે.



ફ્લાઈટના ભાડામાં 20થી 40 ટકાનો જંગી વધારો :
નોંધનીય છે કે, જેટ એરવેઝના રકાસ પછી ડીજીસીએએ તમામ એરલાઈન્સને ફ્લાઈટના ભાડા સંતુલિત રાખવાનો નિર્દેશ કર્યો હતો. જોકે, એ પછી ભારતીય એરટ્રાફિકની ક્ષમતા ઓછી થતાં ફ્લાઈટના ભાડામાં 20થી 40 ટકાનો જંગી વધારો નોંધાયો છે.



દિલ્હીથી ભારતનાં શહેરો કરતાં બેંગકોક જવું વધારે સસ્તું :
દિલ્હીથી મુંબઈ સહિતના ભારતના શહેરોના હવાઈ ભાડા આસમાને છે, ત્યારે દિલ્હીથી બેંગકોક જવું વધારે સસ્તું છે. ઓનલાઈન બુકિંગ વેબસાઈટ્સ પ્રમાણે, ગુરુવારે સાંજે દિલ્હીથી બેંગકોકની ફ્લાઈટનું ભાડું રૂ. 30 હજાર હતું, જ્યારે એ પછીના દિવસે દિલ્હીથી બેંગકોકની ફ્લાઈટનું ભાડું માંડ રૂ. 12 હજાર હતું.



દિલ્હીથી ગોવા, જયપુર અને કોલકાતાની વન-વે ફ્લાઈટનાં ભાડાં પણ આસમાને :

·         દિલ્હીથી ગોવાનું ગુરુવારે મહત્તમ ભાડું રૂ. 34 હજાર, જ્યારે એ પછીના દિવસે રૂ. 40 હજારથી વધુ

·         દિલ્હીથી બેંગલુરુનું ગુરુવારે મહત્તમ ભાડું રૂ. 34 હજારથી વધુ, જ્યારે શુક્રવારે રૂ. 28 હજારથી વધુ

·         દિલ્હીથી જયપુરનું શુક્રવારે મહત્તમ ભાડું રૂ. 44 હજારથી વધુ, જ્યારે શનિવારે રૂ. 36 હજારથી વધુ

·         દિલ્હીથી કોલકાતાનું શુક્રવારે મહત્તમ ભાડું રૂ. 28 હજારથી વધુ, જ્યારે શનિવારે રૂ. 23 હજારથી વધુ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post