• Home
  • News
  • પોર્ન ફિલ્મ રેકેટ:મોડલનો દાવો, 'લૉકડાઉનમાં વીડિયો કૉલ પર ન્યૂડ ઓડિશન માગ્યું હતું, સામે છેડે ત્રણ લોકો, એમાંથી એક રાજ કુંદ્રા હોવાની આશંકા', શિલ્પા શેટ્ટીના પતિ પર ગંભીર આક્ષેપો
post

સાગરિકા શોના સુમનનો દાવો, વીડિયો કૉલમાં ન્યૂડ ઓડિશન આપવાની ઑફર થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-12 11:02:22

પોર્ન રેકેટ કેસમાં મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત 9 લોકોની ધરપકડ કરી છે, આ નવ લોકોમાં ઉમેશ કામત નામની વ્યક્તિ પણ છે. સાગરિકા શોના સુમન નામની મોડલે ગુરુવાર, 11 ફેબ્રુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ મૂક્યો છે કે પોર્ન ફિલ્મ રેકેટમાં ધરપકડ કરાયેલ ઉમેશ કામત, રાજ કુંદ્રાનો આસિસ્ટન્ટ છે. સાગરિકાનો દાવો છે કે રાજ કુંદ્રાની કંપની તરફથી તેને વેબ સિરીઝની ઑફર કરવામાં આવી હતી અને ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું.

શું કહ્યું સાગરિકાએ?સાગરિકા શોના સુમને કહ્યું હતું, 'લૉકડાઉન દરમિયાન મારી પાસે એક કનેક્ટેડ કૉલ આવ્યો હતો. આ કૉલ ઉમેશ કામતનો હતો. તેણે મને એવું કહ્યું હતું કે તે એક વેબ સિરીઝ બનાવે છે, જેનો માલિક રાજ કુંદ્રા છે. ઉમેશ કામતે એમ પણ કહ્યું હતું કે અમારી સાથે કામ કરવાથી મને બહુ મોટો હાઈક મળશે. આ વેબ સિરીઝ લવ સ્ટોરી પર આધારિત હોવાનું કહેવામાં આવ્યું હતું. ઉમેશ કામતે ગયા વર્ષે 20 ઓગસ્ટ, 2020ના રોજ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને બોલાવી હતી. લૉકડાઉનને કારણે ઉમેશ કામતે વીડિયો કૉલ પર ઓડિશન આપવાનું કહ્યું હતું. વીડિયો કૉલ દરમિયાન ત્રણ લોકો હાજર હતા, જેમાંથી એક વ્યક્તિએ પોતાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. ઉમેશે મને વીડિયો કૉલ પર ન્યૂડ ઓડિશન આપવાની વાત કરી હતી. આ દરમિયાન ઉમેશ કામતે મને અનેક ઑફર આપી પરંતુ મેં ન્યૂડ ઓડિશન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.'

ખરાબ અનુભવ સમજીને બધું જ ભૂલી ગઈ હતી
સાગરિકાએ કહ્યું હતું, 'હું આ ઘટનાને ખરાબ અનુભવ સમજીને ભૂલી ગઈ હતી. જોકે, છેલ્લાં બે ત્રણ દિવસથી મીડિયામાં જે ચાલે છે, તે જોઈને મને લાગ્યું કે મારા સામે આવવું જોઈએ. જેટલી પણ યુવતીઓ છે, તેમના માટે સારું થશે. તેમણે જાહેરમાં આવીને કહેવું જોઈએ કે તમે આ બધામાં ના પડો. આવા રેકેટમાં ના ફસાવ. આનાથી તમારું જીવન બરબાદ થઈ શકે છે.'

ઓડિશન દરમિયાન ત્રણ લોકો હતા
મોડલે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું, 'ઓડિશનના નામ પર વીડિયો કૉલમાં મને ન્યૂડ થવાનું કહેવામાં આવ્યું હતું. ઉમેશ કામતની સાથે ત્રણ લોકો હતાં. એકે ચહેરો છુપાવી દીધો હતો. મને લાગે છે કે તે રાજ કુંદ્રા હતો, કારણ કે ઉમેશ કામત વારંવાર રાજ કુંદ્રાનું નામ લેતો હતો અને કહેતો હતો કે જેટલી પણ સાઈટ્સ ચાલે છે, તેના આ માલિક છે. હું કહેવા માગીશ કે રાજ કુંદ્રાની ધરપકડ કેમ કરવામાં આવી નથી? તેમની અનેક સાઈટ્સ ચાલી રહી છે. મને ક્યાંકને ક્યાંક લાગે છે કે મુખ્ય સૂત્રધાર તે જ છે.' સાગરિકાએ એમ પણ કહ્યું હતું કે ફિલ્મમાં કામ કરવા માગતી યુવતીઓના બોલ્ડ સીન શૂટ કરીને પોર્ન ફિલ્મ બનાવવામાં આવે છે. યુવતીઓને 20-30 મિનિટની પોર્ન ફિલ્મ માટે પૈસા આપવામાં આવે છે. ઉમેશ કામતની ધરપકડ બાદ ખબર પડી કે આ એક મોટું રેકેટ હતું.

સુરતમાંથી તન્વીર હાશ્મીની ધરપકડ થઈ
પોર્ન ફિલ્મના ડિરેક્ટર તન્વીર હાશ્મીની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 40 વર્ષીય તન્વીર છેલ્લાં એક વર્ષથી આ કામમાં સંડોવાયેલો હતો. કોર્ટે તેને 15 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ આપ્યા છે.

ઉમેશ કામત મિડલ મેન તરીકે કામ કરે છે
મુંબઈમાં સોફ્ટ પોર્ન ફિલ્મ શૂટિંગ રેકેટ કેસમાં એક્ટ્રેસ-મોડેલ ગેહના વશિષ્ઠની ધરપકડ 7 ફેબ્રુઆરી, રવિવારના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેશ કામત નામના વ્યક્તિને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ વિદેશમાં આવેલા સર્વર પર પોર્ન વીડિયો અપલોડ કરતો હતો. આ પોર્ન ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થતું હતું અને વિદેશમાં વીડિયો ક્યારે અને કેવી રીતે અપલોડ કરાવવાનો છે, તે જોવાનું કામ ઉમેશ કરતો હતો.

એક વીડિયોમાંથી બેથી અઢી લાખની કમાણી કરતી
પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે ગેહનાને પ્રત્યેક વીડિયો માટે બેથી અઢી લાખ રૂપિયા મળતા હતા, જેમાંથી તે એક લાખ રૂપિયા કલાકારો, એડિટર, કેમેરામેનને આપી હતી. એકથી દોઢ લાખ રૂપિયાનો નફો થતો હતો. ગેહનાએ કથિત રીતે 87 પોર્નોગ્રાફી વીડિયો શૂટ કર્યાં છે.

ગેહનાનો પતિ ફાઈનાન્સ કરતો
ગેહનાની પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે તેનો પતિ શાન બેનર્જી પોર્ન ઈન્ડસ્ટ્રીને ફાઈનાન્સ કરતો હતો. શાન, દિપાંકર ખાસનવિસ તથા ઉમેશ કામતને 15 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના મતે, પોર્ન ફિલ્મ શૂટિંગ રેકેટમાં બોલિવૂડ સાથે જોડાયેલા અન્ય મોટા નામો બહાર આવી શકે છે. આ પહેલાં મુંબઈ પોલીસે પોર્ન ફિલ્મ બનાવનારી એક પ્રોડક્શન કંપનીનો પર્દાફાશ કર્યો હતો. આ કંપની સ્ટ્રગલિંગ એક્ટ્રેસ પાસે શોર્ટ ફિલ્મમાં કામ કરવાનો કોન્ટ્રાક્ટ કરતી હતી. પછી શૂટિંગ દરમિયાન ન્યૂડ થવાનું કહેતા અને જો એક્ટ્રેસ ના પાડે તો કેસ કરવાની ધમકી આપતા. નોંધનીય છે કે ગયા સપ્તાહમાં વિશ્વસનીય માહિતીને આધારે પોલીસે મલાડના મઢ ખાતે બંગલો પર દરોડા પાડ્યા હતા. તે સમયે પૈસાની લાલચ આપીને વેબ સિરીઝમાં કામ અપાવીશું એમ જણાવીને 15 યુવતીઓની પોર્ન ફિલ્મો બનાવનારા બે અભિનેતા સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી.

40 વર્ષીય ફોટોગ્રાફર યાસ્મીન ખાન, ગ્રાફિક્સ ડિઝાઈનર પ્રતિભા નલાવડે સામેલ હતી. પ્રતિભા પોર્ન ફિલ્મ પ્રોડક્શનની ઈન્ચાર્જ પણ છે. ત્રણ પુરુષોમાં મોનુ જોષી કેમેરામેન તથા લાઈટમેનનું કામ કરતો હતો. તો ભાનુ ઠાકુર તથા મોહમ્મદ નાસિક એક્ટિંગ કરતાં હતાં. આ પાંચેયની પૂછપરછના આધારે ગેહનાની ધરપકડ કરવામાં આવી હતી.

36 લાખ રૂપિયા જપ્ત કર્યા
પ્રોપર્ટી સેલના મતે, ફિલ્મ પ્રોડક્શન કંપનીએ એક એપ બનાવીને રાખી હતી, જેમાં તેઓ પોર્ન ફિલ્મ અપલોડ કરતાં હતા. એપ્લિકેશન માટે તેઓ રૂપિયા 2000 સબસ્ક્રિપ્શન ફી લેતા હતા. પોલીસને દરોડા દરમિયાન સ્ક્રિપ્ટની સાથે છ મોબાઈલ ફોન, એક લેપટોપ, લાઈટ સ્ટેન્ડ, કેનન કંપનીનો કેમેરા સહિત કુલ 5 લાખ 68 હજારનો સામાન જપ્ત કર્યો હતો. આ સાથે જ 36 લાખ 60 હજાર રૂપિયા પણ જપ્ત કર્યા હતા.

ગેહના કોરોના પોઝિટિવ
સોફ્ટ પોર્ન ફિલ્મ રેકેટમાં ધરપકડ કરાયેલી એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ કોરોના પોઝિટિવ છે. ગેહનાની પૂછપરછ કરનાર ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલના છ અધિકારીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જોકે, એક્ટ્રેસ સહિત તમામની સ્થિતિ સામાન્ય છે.

adv

Related News

post
post
post
post
post
post
post