• Home
  • News
  • ટી20 વર્લ્ડકપ માટે પ્રાઇઝ મની જાહેર, જીતનારી ટીમને 16 લાખ અમેરિકન ડોલર
post

ટી20 વર્લ્ડ કપ માટે ICC એ પ્રાઇઝ મની જાહેર કરી, કુલ 56 લાખ ડોલર ફાળવાયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 10:47:20

ભારતની યજમાની હેઠળ યોજાનારા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે દિવસો ગણાઇ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઈસીસી)એ રવિવારે ટી20 વર્લ્ડ કપ માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી હતી. આઈસીસીએ આ લોકપ્રિય ટૂર્નામેન્ટ માટે કુલ 56 લાખ અમેરિકન ડોલર (લગભગ રૂ. 42 કરોડ) ફાળવ્યા છે. પાંચ વર્ષ બાદ રમાઇ રહેલાં વિશ્વ કપની વિજેતા ટીમ ઉપર આ વર્ષે ધનવર્ષા થશે. વર્લ્ડ કપ જીતનારી ટીમને 16 લાખ અમેરિકન ડોલર એટલે કે આશરે 12 કરોડ રૂપિયા મળશે અને રનર્સ-અપ ટીમને તેનાથી અડધા આઠ લાખ ડોલર(લગભગ છ કરોડ રૂપિયા) મળશે. ટી20 વિશ્વ કપની સેમિફાઇનલમાં પરાજિત થનારી ટીમોને લગભગ ત્રણ કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત આઈસીસી સુપર 12 સ્ટેજમાં દરેક મુકાબલો જીતનારી ટીમને બોનસ પણ મળશે. જાહેરાત અનુસાર 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઇના સ્ટેડિયમ ઉપર 16 ટીમો વચ્ચે વિશ્વ કપ માટેનો જંગ શરૂ થઇ રહ્યો છે ત્યારે તમામ ટીમોને 56 લાખ ડોલરમાંથી તેમનો હિસ્સો મળશે.

પાકિસ્તાન સામેની મેચથી ભારત શરૂઆત કરશે

નોંધનીય છે કે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઓમાનનો સામનો પાપુઆ ન્યૂ ગિની સામે થશે. જ્યારે વિશ્વ કપની ફાઇનલ 14 નવેમ્બરે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. યજમાન ટીમ ભારતનો પ્રથમ મુકાબલો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 24 ઓક્ટોબરે યોજાશે. આ પછી ભારતીય ટીમ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને પછી ત્રણ નવેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે. ભારતને આ વર્ષે ગ્રૂપ-2મા રાખવામાં આવ્યું છે.

સુપર 12 ચરણમાં મેચ જીતનારી દરેક ટીમને બોનસ મળશે

વિશ્વ કપ ટૂર્નામેન્ટ દરમિયાન સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ જનારી દરેક આઠ ટીમને 70 હજાર ડોલર એટલે કે લગભગ 52.5 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ જનારી ટીમોને દરેકને 40 હજાર ડોલર એટલે કે લગભગ 30 લાખ રૂપિયા મળશે. 2016માં રમાયેલા ટી20 વિશ્વ કપની જેમ આ ટૂર્નામેન્ટમાં પણ સુપર 12 ચરણમાં મેચ જીતનારી દરેક ટીમને બોનસ રકમ પણ આપવામાં આવશે. આ તબક્કામાં કુલ 30 મેચ રમાડવામાં આવશે. આ દરેક મેચના વિજેતાને ઇનામ તરીકે 40 હજાર ડોલર આપવામાં આવશે.

દરેક મેચમાં વચ્ચે બે વાર ડ્રિન્ક બ્રેક આવશે

વિશ્વ કપની દરેક મેચની વચ્ચે બે વાર ડ્રિન્ક્સ બ્રેક આવશે. આ બ્રેક દરેક ઇનિંગની વચ્ચે લેવામાં આવશે અને તે અઢી મિનિટનો હશે. આ સત્તાવાર બ્રેકની શરૂઆતથી મેચના પ્રસારણ દરમિયાન વધારાની પાંચ મિનિટની જાહેરાત મારફત નાણા એકત્ર કરી શકાશે. વિવિધ તબક્કાની મેચીસ માટે જાહેરાતના દર અલગ હોઇ શકે છે અને ભારતની મેચો માટેના જાહેરાતના દર વધારે ઊંચા રહેવાની અપેક્ષા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post