• Home
  • News
  • ગદ્દારીની સજાઃ MI-8 હેલિકોપ્ટર સાથે યુક્રેન ભાગી ગયેલા રશિયન પાયલોટની સ્પેનમાં હત્યા
post

યુક્રેન તરફથી તેને પાંચ લાખ ડોલરનુ ઈનામ અપાયુ હતુ. યુક્રેને આ ઘટનાનો વિડિયો પણ રિલિઝ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-20 17:57:24

રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં રશિયન હેલિકોપ્ટર પાયલોટ મેક્સિમ કુઝમિનોવે રશિયા સાથે ગદ્દારી કરી હતી. તે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાના હેલિકોપ્ટર સાથે યુક્રેન ભાગી ગયો હતો. આ ગદ્દારીની કિંમત તેને પોતાનો જીવ ગુમાવીને ચુકવવી પડી છે. મેક્સિમ કુઝમિનોવનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ સ્પેનમાં મળી આવ્યો છે. તેણે યુક્રેનની જાસૂસી એજન્સી સાથે હાથ મિલાવી લીધા હતા અને રશિયન સેનાનુ એમઆઈ 8 હેલિકોપ્ટર સાથે તે યુક્રેન પહોંચી ગયો હતો. આ દરમિયાન તેણે પોતાના બે સાથીદારોને પણ મરાવી નાંખ્યા હતા.

યુક્રેન તરફથી તેને પાંચ લાખ ડોલરનુ ઈનામ અપાયુ હતુ. યુક્રેને આ ઘટનાનો વિડિયો પણ રિલિઝ કર્યો હતો અને તેના કારણે રશિયાનો ભારે ફજેતો પણ થયો હતો. જોકે પુતિને આ પાયલોટને માફ કર્યો નહોતો અને તેને મોતની સજા મળશે તેવુ એલાન કર્યુ હતુ.

રશિયાની જાસૂસી સંસ્થા સતત તેની શોધમાં હતી. હવે તેનો મૃતદેહ સ્પેનમાંથી મળ્યો છે. મેક્સિમ કુઝમિનોવને પાંચ ગોળીઓ મારવામાં આવી હતી. જે સંજોગોમાં તેની હત્યા થઈ છે તે જોતા રશિયન જાસૂસી સંસ્થાના એજન્ટોએ આ મિશન પાર પાડ્યુ હોવાનુ દેખાઈ રહ્યુ છે. આ હત્યાથી યુરોપમાં ખળભળાટ મચી ગયો છે. તેના કારણે સ્પેન અને રશિયા વચ્ચે પણ ભારે વિવાદ સર્જાઈ શકે છે. કારણકે આ પાયલોટની હત્યા સ્પેનની ધરતી પર થઈ છે.