• Home
  • News
  • સિક્કો નાખો ને સેનિટરી પેડ મેળવો:ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીના મહિલા ટોઇલેટમાં મુકાયું ફ્રી સેનિટરી પેડ મશીન, કોઈના સંપર્ક વિના જ મળશે પેડ
post

અત્યારસુધી 300 જેટલાં પેડ આપ્યાં છે અને હજુ પણ રોજ મશીનમાં પેડ મૂકવામાં આવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-20 10:52:07

અમદાવાદ: માસિક ધર્મમાં સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે, પરંતુ ઘણીવાર બહેનોને પ્રાથમિક કહી શકાય એવા પ્રકારની સગવડ પણ મળતી નથી, જેને કારણે તેઓ મજબૂરી વશ કાગળ કે ગંદા કપડાનો વપરાશ કરવો પડે છે. એને કારણે તેમનું આરોગ્ય જોખમાય છે. એમાં પણ અભ્યાસ કરતી કે નોકરી કરતી મહિલાઓ માટે ક્યારેક માસિક સમસ્યા બની જાય છે. ઓચિતું માસિક આવે ત્યારે મહિલાઓ ચિંતામાં મુકાય છે, જેને લઈને ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જેમાં લાઇબ્રેરીમાં આવતી વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે મશીન દ્વારા જ સેનિટરી પેડ આપવામાં આવે છે.

પેડ માટે એક ડિસ્ટ્રોય મશીન પણ મૂક્યું
ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીમાં સેનિટરી પેડનું મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીન યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં મહિલાઓના ટોઇલેટમાં જ મૂકવામાં આવ્યું છે. આ મશીનમાં સિક્કો નાખવાથી વિદ્યાર્થિનીઓને તરત સેનિટરી પેડ મળી શકશે. કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવ્યા વિના જ વિદ્યાર્થિની સેનિટેરી પેડ મેળવી શકે છે. આ ઉપરાંત પેડના ઉપયોગ બાદ એ પેડ માટે એક ડિસ્ટ્રોય મશીન પણ રાખવામાં આવ્યું છે, જેથી જરા પણ ગંદકી કે કચરા વિના પેડનો તાત્કાલિક મશીનમાં જ નાશ થઈ જાય છે.

એક મશીનમાં એકસાથે 25 પેડ મૂકવામાં આવે છે
મહિલાઓના ટોઇલેટમાં મૂકવામાં આવેલા આ મશીનમાં જમણી તરફ સિક્કો નાખવાનો રહે છે. સિક્કો નાખ્યા બાદ બાજુનું બટન 2 વાર ફેરવવાથી મશીનની અંદર સ્પ્રિંગ દબાતાં પેડ બહાર આવે છે. એક મશીનમાં એકસાથે 25 પેડ મૂકવામાં આવે છે. પેડ પૂરાં થાય તો મશીનમાં દેખાય છે, જેથી અન્ય પેડ મૂકી શકાય છે. સિક્કા ના હોય તો લાઇબ્રેરીમાંથી જ મહિલા કર્મચારી સિક્કા પણ આપે છે.

મહિલા સ્ટાફ સંકોચ વિના સેનિટરી પેડ મેળવી શકે છે
ગુજરાત યુનિવર્સિટીના લાઇબ્રેરિયન ડૉ. યોગેશ પારેખે જણાવ્યું હતું કે માસિક આવે ત્યારે વિદ્યાર્થિનીઓ મૂંઝવણમાં મુકાય છે અને શરમના કારણથી કોઈને કહી શક્તી નથી, મારે પણ દીકરી છે, જેથી હું અન્ય દીકરીઓની તકલીફ સમજુ છું. તેને જ ધ્યાનમાં રાખીને એક મશીન વસાવ્યું છે, જે એકદમ કોન્ટેક્ટલેસ છે અને લાઇબ્રેરીમાં આવતી વિદ્યાર્થિનીઓ કે અન્ય મહિલા સ્ટાફ કોઈપણ સંકોચ વિના મશીનનો ઉપયોગ કરીને સેનિટરી પેડ મેળવી શકે છે અને તેનો નાશ પણ કરી શકે છે. અત્યારસુધી 300 જેટલાં પેડ આપ્યાં છે અને હજુ પણ રોજ મશીનમાં પેડ મૂકવામાં આવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post