• Home
  • News
  • પાઇલટ CM બનવાની રેસમાં યથાવત્:વિવાદથી સૌથી વધુ લાભ થયો, જાણો સચિનના પોલિટિકલ કરિયરની સંભાવના
post

સમગ્ર ઘટનાથી અશોક ગેહલોતની છબીને નુકસાન પહોંચ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 18:21:51

રાજસ્થાનના રાજકીય ક્રિકેટ મેચમાં હવે તમામની નજર સચિન પાઇલટ પર છે. અશોક ગેહલોત અને તેમના દળ તરફથી એક યોર્કર પણ ફેંકવામાં આવ્યો છે અને એક ગૂગલી પણ. એ જ સમયે સચિન પાઇલટે હજુ સુધી બેટિંગ શરૂ કરી નથી. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા અને રાજકીય વિશ્લેષક સાથે વાત કરી. તેમનું કહેવું હતું કે ભલે સચિને હજુ સુધી બેટિંગ શરૂ નથી કરી, પરંતુ આ રાજકીય મેચમાં સૌથી વધુ રન તેમની ટીમે જ બનાવ્યા છે. આ મેચ બાદ સચિન પાઇલટનું રાજકીય ભવિષ્ય શું હશે એ ભાસ્કરે જાણ્યું. વાંચો સંપૂર્ણ અહેવાલ..

પહેલી સંભાવના- સચિન પાઇલટ મુખ્યમંત્રી બને
સચિન પાઇલટની મુખ્યમંત્રી બનવાની સંભાવના છે, કારણ કે પ્રભારી અજય માકનના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાઈકમાન્ડ રવિવારે થયેલી સમગ્ર ઘટનાથી નારાજ છે. જેમાં પાઇલટને આડકતરો લાભ મળશે. સંભાવના છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ ઘટના પછી કોંગ્રેસ પાર્ટીના CMના ચહેરા તરીકે સચિન પાઇલટની પસંદગી કરે. ઘણા ધારાસભ્યો પાર્ટી સામે બળવો કરવા માંગતા નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર પાઇલટની તરફેણમાં સમીકરણો બની શકે છે.


બીજી સંભાવના- પીસીસી પ્રમુખ અને આગામી ચૂંટણી માટે ચહેરો
સમગ્ર વિવાદનું નિરાકરણ લાવવા અને કોંગ્રેસને નુકસાનથી બચાવવા હાઈકમાન્ડ સચિન પાઇલટને PCCના ચીફ પણ બનાવી શકે છે. ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી બની રહે અને રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ બીજા બને. 2023ની ચૂંટણી માટે પાઇલટને ફ્રી હેન્ડ આપવામાં આવે, પરંતુ આની સંભાવના ખૂબ ઓછી લાગી રહી છે, કારણ કે પાઇલટ આ વાત માટે માને એવું લાગી રહ્યું નથી અને બીજી સમસ્યા એ છે કે તેમના નેતૃત્વમાં પાર્ટી હારી જાય તો તેમના માટે એ નુકસાનકારક થાય.


ત્રીજી સંભાવના- પાઇલટ દિલ્હીની રાજનીતિ કરે
રાજસ્થાનની વિકટ પરિસ્થિતિ જોઈ હાઈકમાન્ડ તેમને દિલ્હી બોલાવી શકે છે. સંભાવના છે કે તેમને સંગઠનમાં મહત્ત્વનું પદ આપવામાં આવે, પરંતુ આ સંભાવના પણ ઓછી લાગી રહી છે, કારણ કે પાઇલટ રાજસ્થાનમાં જ પોતાનું રાજકીય કરિયર બનાવવા માગે છે.

ચોથી સંભાવના- પાઇલટ ભાજપમાં જોડાય અથવા પોતાની પાર્ટી બનાવે
ચર્ચા એવી પણ થઈ રહી છે કે પાઇલટ ભાજપમાં જોડાઈ શકે છે. પાઇલટ ધારાસભ્યોને પોતાની સાથે જોડી ભાજપ સાથે સરકાર બનાવી શકે છે અથવા પોતાની અલગ પાર્ટી બનાવી શકે છે, પરંતુ આ સંભાવના ઓછી છે.

પાઇલટ પાસે ધારસભ્યોની સંખ્યા ઓછી છે. તેઓ જે પ્રકારની રાજનીતિ કરે છે તેની સાથે ભાજપમાં રહેવું મુશ્કેલ છે. બીજી તરફ ભાજપમાં CM પદના ઘણા દાવેદાર છે. પોતાની પાર્ટી બનાવીને પણ પાઇલટને બે ચૂંટણી સુધી સંઘર્ષ કરવો પડશે. એવામાં પાઇલટ કોંગ્રેસમાં રહીને પોતાનું ભવિષ્ય મજબૂત કરવા પ્રયાસ કરશે.

સમગ્ર ઘટનાથી અશોક ગેહલોતની છબીને નુકસાન પહોંચ્યું
રવિવારે થયેલી ઘટના પર કોંગ્રેસના ઘણા નેતાઓનું કહેવું છે કે અશોક ગેહલોતની છબિને નુકસાન પહોંચશે. અશોક ગેહલોતની અત્યારસુધી ગાંધી પરિવાર સાથે વફાદારી અને કોંગ્રેસના સાચા સિપાહીની છબિ હતી. કહેવામાં આવતું હતું કે ગેહલોત ક્યારે પણ ગાંધી પરિવારના નિર્ણયનો વિરોધ ન કરે, પરંતુ રવિવારે જે બન્યું તે કોંગ્રેસના નેતા ગેહલોત દ્વારા આત્મઘાતી ગોલ માનવામાં આવી રહ્યો છે. નેતાઓનું માનવું છે કે આ ઘટના બાદ અશોક ગેહલોતની છબિને નુકસાન થશે. ગાંધી પરિવાર પછી જે રીતે તેઓ કોંગ્રેસમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા હતા એ રીતે તેમનું કદ ઘટશે. ઘણા નેતાઓ એવું પણ કહે છે કે આ ઘટના પછી શક્ય છે કે ગેહલોત હવે પ્રમુખ ન બને, સાથે જ તેમની પાસેથી મુખ્યમંત્રીની ખુરસી પણ છીનવી લેવાય.

અજય માકનનું નિવેદન ઘણું બધું કહી જાય છે
આ સમગ્ર ઘટના બાદ રાજસ્થાનના પ્રભારી અજય માકને નિવેદન આપ્યું હતું કે ધારાસભ્યોના આ કૃત્યને અનુશાસનહીન માનવામાં આવી રહ્યું છે. માકને કહ્યું હતું કે ધારાસભ્યોએ પ્રસ્તાવ મૂક્યો કે 19 ઓક્ટોબર પછી જ રાજ્યમાં મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવે, પરંતુ તે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હશે, કારણ કે જો તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાય છે, તો અશોક ગેહલોત કેવી રીતે પોતાનો નિર્ણય લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post