• Home
  • News
  • વરસાદ-ભૂસ્ખલનના કારણે મહારાષ્ટ્રમાં 136 લોકોના મોત, 6 જિલ્લામાં રેડ અલર્ટ, જાણો ક્યાં કેટલું થયું નુકસાન
post

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. આ કહેર વચ્ચે રાહત અને બચાવ કામગારી તેજીથી ચાલી રહી છે. વરસાદથી પેદા થયેલી વિકટ સ્થિતિ અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 136 લોકોના મોત થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-24 13:07:42

મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. આ કહેર વચ્ચે રાહત અને બચાવ કામગારી તેજીથી ચાલી રહી છે. વરસાદથી પેદા થયેલી વિકટ સ્થિતિ અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 136 લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે પુણે મંડળમાં 84,452 લોકોને શુક્રવારે સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા. મહારાષ્ટ્રના પુણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિના કારણે 84,452 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા.

સાંગલી-સતારામાં તબાહી
જે લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા તેમાંથી 40 હજારથી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ કોલ્હાપુર શહેર પાસે પંચગંગા નદી વર્ષ 2019માં આવેલા પૂરના સ્તરથી પણ ઉપર વહી રહી છે. પુણે અને કોલ્હાપુરની સાથે જ મંડલમાં સાંગલી અને સતારા જિલ્લા પણ આવે છે. સતારા પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. 

ભૂસ્ખલન બાદ 30 લોકો ગૂમ
State Disaster Management Department
ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ મૃતકોમાંથી 38 લોકોના મોત રાયગઢ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનના કારણે થયા. આ બધા વચ્ચે દેશના હવામાન ખાતાએ શુક્રવારે સતારા જિલ્લા માટે નવી રેડ અલર્ટ જાહેર કરીને આગામી 24 કલાકમાં જિલ્લાના પર્વતીય ઘાટ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યાં ભૂસ્ખલન બાદ હજુ પણ 30 લોકો ગૂમ છે. 

પોલીસે જણાવ્યું કે શુક્રવારે સવારે કોલ્હાપુર જિલ્લામાં એક બસ નદીમાં વહી જવાના બરાબર  પહેલા તેના પર સવાર આઠ નેપાળી શ્રમિકો સહિત 11 લોકોને બચાવવામાં આવ્યા હતા. 

હવામાન ખાતાની ચેતવણી
રાજ્યમાં લોકોને વરસાદથી કોઈ રાહત મળે તેવા સંકેત નથી. કારણ કે ભારતના હવામાન ખાતાએ છ જિલ્લા માટે રેડ અલર્ટ જાહેર કરી છે. જે પહેલેથી જ વરસાદથી બેહાલ છે. આઈએમડીએ 'ભારે વરસાદ'નું પૂર્વાનુમાન કર્યું છે અને સુરક્ષા ઉપાયોની ભલામણ કરી છે. આગામી 24 કલાક માટે કાંઠાના કોંકણ વિસ્તારમાં રાયગઢ, રત્નાગિરી, અને સિંધુદુર્ગ જિલ્લાઓની સાથે જ પશ્ચિમી મહારાષ્ટ્રના પુણે, સતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે. 

પુરના પાણીમાં વહી ગયા લોકો
અધિકારીએ કહ્યું કે મોટાભાગના મોત રાયગઢ અને સતારા જિલ્લામાં થયા છે. તેમણે કહ્યું કે ભૂસ્ખલન ઉપરાંત અનેક લોકો પાણીમાં વહી ગયા. અધિકારીઓએ પશ્ચિમી મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં વિભિન્ન ઘટનાઓમાં મૃતકોની સંખ્યા 27 ગણાવી. રાયગઢ જિલ્લામાં ગુરુવારે સાંજે મહાડ તહસીલના તલાઈ ગામ પાસે ભૂસ્ખલન થયું. મહાડમાં એનડીઆરએફની ટીમો અને સ્થાનિક અધિકારી બચાવકાર્યમાં લાગ્યા છે.

અનેક લોકો કાટમાળમાં ફસાયાની આશંકા
સતારા ગ્રામીણના પોલીસ અધિક્ષક અજયકુમાર બંસલે કહ્યું કે અંબેધર અને મીરગાંવ ગામડાઓમાં ગુરુવારે રાતે ભૂસ્ખલનમાં કુલ આઠ મકાન જમીન દોસ્ત થયા. પરંતુ સ્થાનિક અધિકારીઓ તરફથી હજુ સુધી બંને ઘટનાઓમાં કોઈ મોતની પુષ્ટિ થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં સતત ભારે વરસાદના કારણે રત્નાગિરી જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ 10 લોકો કાટમાળમાં ફસાયાની આશંકા છે. 

ઓપરેશન વર્ષ 21ની શરૂઆત
અધિકારીઓએ કહ્યું કે કોલ્હાપુર પાસે પંચગંગા નદી 2019માં પૂર વખતે જોવા મળી હતી તેના કરતા વધુ જોખમી સ્તરે વહી રહી હતી. NDRF ટીમો, SDRF ની ટીમો, પોલીસ, અને જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેના અને નેવીની છ ટીમો શનિવારે બચાવ કાર્યમાં સામેલ થાય તેવી આશા છે. પૂરથી 54 ગામ પ્રભાવિત  થયા છે. જ્યારે 821 ગામ આંશિક રીતે પ્રભાવિત થયા છે. 

હાઈવે બંધ
કોલ્હાપુર જિલ્લામાં પૂરના કારણે 10 સ્ટેટ હાઈવે સહિત ઓછામાં ઓછા 39 રસ્તા પર ટ્રાફિક અટકી ગયો છે. NDRF ની 3 ટીમો બચાવ કાર્યમાં લાગી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા  લોકોના પરિજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. 

રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીએ જતાવી સંવેદના
સ્થાનિક  પોલીસે શનિવારે જણાવ્યું કે સતત વરસાદ બાદ પુણે જિલ્લાના ભીમાશંકર મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાઈ ગયા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિ પર રાષ્ટ્રપતિ- પ્રધાનમંત્રી સહિત દેશની પ્રમુખ હસ્તીઓએ ચિંતા વ્યક્ત કરતા મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જ્યારે રાહત માટે વળતરની પણ જાહેરાત કરી છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post