• Home
  • News
  • દિલ્હીમાં જાન્યુ.માં વરસાદે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડયો, ઠંડીથી ૧૦૬નાં મોત
post

ઉત્તર ભારતમાં વરસાદ, હિમવર્ષા, ઠંડીની ત્રેખડથી જનજીવન પર અસર

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-24 10:20:20

નવી દિલ્હી:
ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીએ સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છ જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ અને ઠંડા પવનની ત્રેખડે સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. જાન્યુઆરીમાં ઠંડીમાં ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. દિલ્હીમાં જાન્યુઆરી ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૮૮ મીમી વરસાદ પડયો છે, જેણે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. અગાઉ ૧૯૯૫ અને ૧૯૮૯માં જાન્યુઆરી મહિનામાં આવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોને હજુ કેટલાક દિવસ ઠંડીથી રાહત મળવાની શક્યતા નથી.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, લોકોએ હાલ ઠંડી અને ધુમ્મસના બેવડા મારનો સામનો કરવો પડશે. દિલ્હીમાં જાન્યુઆરી ૨૦૨૨માં એટલો વરસાદ પડયો છે કે ૧૨૨ વર્ષનો વિક્રમ તૂટી ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં ૮૮ મીમી વરસાદ પડયો છે, જે વર્ષ ૧૯૦૧ પછી હવામાન અંગેના ડેટાબેઝ મુજબ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ પહેલા ૧૯૯૫ અને ૧૯૮૯માં જાન્યુઆરીમાં આટલો વરસાદ નોંધાયો હતો. વર્ષ ૧૯૯૫માં જાન્યુઆરીમાં ૬૯ મીમી વરસાદ થયો હતો જ્યારે ૧૯૮૯માં ૭૯ મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડીનો સ્પેલ સૌથી લાંબો ચાલ્યો છે. આવા સમયે એક એનજીઓ સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ (સીએચડી)એ દાવો કર્યો હતો કે દિલ્હીમાં જાન્યુઆરી મહિનામાં ૧૦૬ લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં મોટભાગે બેઘર લોકોનો સમાવેશ થાય છે. જોકે, દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડ (ડીયુએસઆઈબી)એ બધા જ મોત ઠંડીથી થયા હોવાનો ઈનકાર કર્યો છે.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજધાનીમાં વરસાદ અને ઠંડીના મિશ્ર હવામાને ફરી એક વખત લોકોને હાડ થીજાવતી ઠંડીમાં રહેવા મજબૂર કરી દીધા છે. વરસાદની સાથે તીવ્ર ગતિએ પવન ફૂંકાવાથી મહત્તમ તાપમાન સાત ડિગ્રી સુધી ગગડી ગયું હોવાનું નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આગામી બે દિવસમાં ઠંડીની સાથે ધુમ્મસની બેવડી અસર જોવા મળશે. ૨૬મી જાન્યુઆરીએ પણ હવામાન વિભાગે કોલ્ડ વેવની એલર્ટ જાહેર કરી છે.


ઉત્તર પ્રદેશમાં બે દિવસથી નિયમિત સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારમાં કરાંવૃષ્ટિની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં ૩૦મી જાન્યુઆરી સુધી સતત ઠંડી વધવાની અને વરસાદ પડવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.


ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા બંને ચાલુ છે. અહીં આગામી ત્રણ દિવસ હિમવર્ષા અને વરસાદ પડવાનો હવામાન વિભાગે અંદાજ વ્યક્ત કર્યો છે. આખા રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે પર્વતીય વિસ્તારોમાં અત્યાર સુધીમાં ચાર ફૂટ જેટલી હિમવર્ષા થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં માત્ર એક દિવસમાં હળવા સુધારા પછી શનિવારે પર્વતીય વિસ્તારોમાં ફરી હિમવર્ષા થઈ હતી અને નીચાણવાળા ક્ષેત્રોમાં વરસાદ પડયો હતો. માતા વૈષ્ણોદેવી ભવન, આદ્યકુંવારી, સાંઝી છતમાં અડધો ફૂટ, ભૈરવ ઘાટીમાં એક ફૂટ અને માતાના ત્રિકૂટા પર્વત પર બેથી અઢી ફૂટ હિમવર્ષા નોંધાઈ હતી. કાશ્મીરમાં ઠંડીનો સૌથી કાતિલ સમય ગણાતો ૪૦ દિવસનો ચિલ્લઈકલાં ૩૧મી જાન્યુઆરીએ પૂરો થશે. પહેલી ફેબુ્રઆરીથી ઓછી તીવ્રતાવાળો ઠંડીનો ૨૦ દિવસનો ચિલ્લેખુર્દ સમય શરૂ થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post