• Home
  • News
  • કોરોનાની ચેઇન તોડવા રાજકોટ પોલીસે 10 કલાકમાં જ 758 વાહન ડિટેન કર્યા
post

શહેર પોલીસે તા.25 થી 5 સુધીમાં જાહેરનામા ભંગના 728 કેસ કરી 828 સામે ગુના નોંધી 1582 વાહનો જપ્ત કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:28:29

રાજકોટ: લોકડાઉન હોવા છતાં કોઇને કોઇ બહાના કાઢી ઘરની બહાર નીકળતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે, રવિવારે શહેરના મુખ્ય ચોકમાં પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા અને 10 કલાકમાં જ 758 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શનિવારે સ્કૂટરમાં ડબલસવારી પર પ્રતિબંધ લાદી દીધો હતો, અને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપી દીધો હતો. રવિવારે સવારે ડીસીપી ઝોન1 રવિ સૈની, ડીસીપી ઝોન2 મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સહિતનો કાફલો જુદા જુદા વિસ્તારોમાં ગોઠવાયો હતો અને પસાર થતાં પ્રત્યેક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બાઇક, સ્કૂટર અને કારમાં નીકળેલા લોકોને પોલીસે અટકાવીને પૂછપરછ કરતાં લોકોએ હોસ્પિટલે, દવા લેવા, સેવા કરવા અને ફેક્ટરી કે વાડીએ જતા હોવાનું કહ્યું હતું, કેટલાકે હોસ્પિટલની ફાઇલ તો કેટલાકે દવાના પ્રિસ્ક્રિપ્શન પણ બતાવ્યા હતા.

828 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો
પોલીસે સવારના 10થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 758 વાહનો જપ્ત કર્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં એક વૃદ્ધા તેના પરિવારજન સાથે હોસ્પિટલે જવા નીકળ્યા હતા, પોલીસે તે વૃદ્ધાને પોલીસવાનમાં બેસાડી હોસ્પિટલે પહોંચાડ્યા હતા, એક શખ્સ પોતાની કારમાં કેરીના બોક્સ લઇને નીકળ્યો હતો તેની કાર જપ્ત કરાતા એ વ્યક્તિએ કારમાંથી તમામ બોક્સ ઉતારી લીધા હતા અને ઘરે પરત જવામાં તેની હાલત કફોડી બની હતી, કેટલાક લોકો કારમાં આંટા મારવા નીકળ્યા હતા અને કાર જપ્ત થતાં ચાલીને ઘરે જવાની વેળા આવી હતી. લોકડાઉન જાહેર થયા બાદ તા.25 માર્ચથી તા.5 એપ્રિલના બપોરના 12 વાગ્યા સુધીમાં શહેર પોલીસે 728 કેસ કરી 828 લોકો સામે ગુના નોંધી 1582 વાહનો જપ્ત કર્યા હતા. જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી ઘરની બહાર નીકળનારા સામે સખત કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનરે નિર્દેશ આપ્યો હતો.

જુઠ્ઠા કારણો ન ચાલ્યા, 129 શખ્સ સામે નોંધ્યા 94 ગુના
સાહેબ, દૂધ લેવા જાઉં છું, દવા લેવા જાઉ છું, લોકડાઉનમાં બહાર નીકળતા લોકોના આવા કારણો હવે પોલીસ પાસે નથી ચાલતા. છેલ્લા બાર-બાર દિવસથી લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવા છતાં લોકો પોલીસ તંત્રે બહાર પાડેલા જાહેરનામાનો બેરોકટોક ભંગ કરી રહ્યાં છે. જેને કારણે પોલીસે લોકો સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યુ છે. ત્યારે લોકડાઉનના બારમા દિવસે પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જાહેરનામાનો ભંગ કરનાર 129 શખ્સ સામે કુલ 94 જુદા જુદા ગુના નોંધી કાર્યવાહી કરી છે. જેમાં બાઇક લઇ ફરવા નીકળેલા, બગીચામાં બેઠેલા, ચારથી વધુ એકઠા થયેલા, દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓનો સમાવેશ થાય છે. જ્યારે બહાર નીકળેલા લોકોના યોગ્ય કારણ જાણ્યા બાદ પોલીસે તે વ્યક્તિનાં વાહન નંબર, નામ સહિતની યાદી નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post