• Home
  • News
  • રમીઝની માએ નફીસાને કહ્યું, 'નદીમાં કૂદ':લાડકી નફીસાની વસમી વિદાય પરિવારને લોહીના આંસુ રડાવે છે, કહ્યું- બિચારીએ દુઃખને લીધે દવા પીધી, નદીમાં પણ કૂદી હતી
post

રમીઝના પરિવારે રમઝાન પૂર્ણ થયા બાદ નફીસા સાથે લગ્નનું વચન આપ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 13:44:15

વડોદરાની નફીસા પણ અમદાવાદની આઇશાની જેમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંતિમ વિડિયો બનાવી મોતને વ્હાલું કરી ચૂકી છે. ફરક એટલો છે કે નફીસા રિવરફ્રંટથી સાબરમતીમાં કૂદી હતી પણ ત્યાં તેને મોત ન મળ્યું. અંતે વડોદરા આવીને નફીસાએ તાંદલજા સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો હતો. નફીસાના કાકી રશીદાબેન ખોખરે આક્ષેપ કર્યો છે કે, રમીઝને મળવા નફીસા અમદાવાદના દાણીલીમડા ગઇ, ત્યારે રમીઝની માતાએ તેને કહ્યું હતું કે "તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો દેખાતો નથી?" આ સાંભળી લાગી આવતા નફીસા સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા માટે કૂદી હતી.

'અમારે રમીઝ સાથે કોઈ લેવાદેવા નથી'
રમીઝના પરિવારે રમઝાન પૂર્ણ થયા બાદ નફીસા સાથે લગ્નનું વચન આપ્યું હતું. અમારી બીજી દીકરી કે, જેના લગ્ન પાદરા નજીક આવેલા ભોજ ગામ ખાતે કર્યાં છે, તેણે રમીઝને ફોન કર્યો હતો. ત્યારે રમીઝના પરિવારજનોએ કહ્યું કે, અત્યારે નફીસાની તબિયત ઠીક નથી, રમીઝ પણ ડિપ્રેશનમાં છે. અમે આવીશું, તમે થોડો સમય આપો. એક અઠવાડિયા પછી ફરી રમીઝના પરિવારજનોને ફોન કર્યો તો તેમણે કહ્યું કે, અમારે રમીઝની સાથે કોઈ લેવાદેવા નથી. તમારે જે રમીઝ સાથે કરવું હોય તે કરો તેમ કહી રમીઝના પિતાએ ફોન બંધ કરી દીધો.

રમીઝની માતાએ નફીસાને મ્હેણા માર્યા
ગત અઠવાડિયે નફીસા અમદાવાદમાં દાણીલીમડા ખાતે આવેલા રમીઝના ઘરે ગઇ હતી અને રમીઝ ક્યાં છે તેમ પુછ્યું હતું, ત્યારે રમીઝની માતાએ ઘરનો અડધો દરવાજો ખોલી જવાબ આપી દીધો હતો કે રમીઝની અમને શું ખબર? તુ જાણે. નફીસાએ જ્યારે કહ્યું કે, રમીઝ ઘરમાં જ છે મને તેની સાથે વાત કરવા દો. તો રમીઝની માતાએ નફીસાને કહ્યું કે, અહીંયા રમીઝ નથી, તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો કંઇ દેખાતો નથી? આવા મ્હેણા સાંભળીને નફીસાએ સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા કરવા ભૂસકો માર્યો હતો. પરંતુ અમદાવાદની પોલીસે નફીસાને ડૂબતા બચાવી લીધી.

અમારી દીકરીને ન્યાય મળવો જોઇએઃનફીસાની કાકી
રસીદાબેને કહ્યું હતું કે, મારી તો એક જ માંગ છે કે, અમારી દીકરીને ન્યાય મળે. આજે જ્યારે અમે નફીસાના સાબરમતી રિવરફ્રન્ટના વીડિયો જોઇએ છીએ, ત્યારે ખૂબ જ દુખ થઇએ છીએ કે, તેને રમીઝે એટલું બધુ પ્રેસર આપ્યું કે, તેને આ પગલું ભરવું પડ્યું. નફીસાના પરિવારમાં તેની ત્રણ બહેનો છે અને બે ભાઇ છે. નફીસાએ નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને ઘરે જ હતી. નફીસા મૂળ વડોદરાના તાંદલજા વિસ્તારની જ રહેવાસી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post