• Home
  • News
  • કોરોના દુનિયામાં:સ્પેનમાં ફરી એક વખત ઇમર્જન્સી લગાવવામાં આવી, પહેલો દેશ જ્યાં 10 લાખથી વધારે સંક્રમિત; વિશ્વમાં 4.30 કરોડ કેસ
post

અમેરિકામાં 88.87 લાખથી વધારે સંક્રમિત, 2.30 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 09:27:52

સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજે દેશમાં ફરી એક વખત દેશમાં ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે. હવે દેશમાં કર્ફ્યુ અને અન્ય પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. દેશમાં અત્યારસુધીમાં બે વખત પ્રતિબંધ લગાવવામાં આવી ચૂક્યો છે. ગયા સપ્તાહે સ્પેન પહેલો યુરોપિયન દેશ બની ગયો હતો, જ્યાં સંક્રમણના કેસ 10 લાખથી વધારે થઈ ગયા છે. અમે મુશ્કેલ સ્થિતિમાં જીવી રહ્યા છીએ. છેલ્લી અડધી સદીમાં સૌથી ગંભીર પરિસ્થિતિ છે, એમ સ્પેનિશ PMએ જણાવ્યું હતું.

બીજી બાજુ, મલેશિયાના કિંગ અલ-સુલ્તાન અબ્દુલ્લાએ ઈમર્જન્સી લગાવવાની દરખાસ્તને નકારી દીધી છે. પ્રધાનમંત્રી મુહિદીન યાસિને ઈમર્જન્સી લગાવવાની વાત કહી હતી, પણ કિંગ અલ-સુલ્તાને કહ્યું હતું કે એની કોઈ જરૂર નથી. મલેશિયામાં અત્યારસુધીમાં 26,565 કેસ મળ્યા છે. રવિવારે 865 કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યારસુધીમાં કુલ 229 લોકોનાં મૃત્યુ થયાં છે.

દુનિયામાં કોરોના સંક્રમિતોના કેસ 4.30 કરોડથી વધારે થઈ ગયા છે. 3 કરોડ 17 લાખ 24 હજાર 4 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 11.56 લાખથી વધારે દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. ફ્રાંસમાં તમામ પ્રયત્ન બાદ સરકાર સંક્રમણના વધી રહેલા કેસો અથવા બીજી લહેર પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ સાબિત થતી હોય તેમ જોવા મળે છે. બ્રિટનમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. અહીં ક્રિસમસ અગાઉ હેલ્થ વર્કર્સને વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો દાવો કર્યો છે.

ફ્રાંસમાં સરકારી પ્રયાસો અસરકારક રહ્યા નથી
ફ્રાંસમાં શનિવારે 45 હજાર 422 નવા કેસ સામે આવ્યા. શુક્રવારે આ આંકડો 42 હજારથી વધારે હતો. એકંદરે દેશમાં અત્યારસુધીમાં 11 લાખ સંક્રમિત મળ્યા છે. હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા ઝડપભેર વધી રહી છે. એટલું જ નહીં, સરકારે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે અપેક્ષા પ્રમાણેનાં પરિણામો મળી રહ્યાં નથી. જેથી નવી રણનીતિ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. સંભવતઃ બેલ્જિયમની માફક અહીં સમગ્ર દેશમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવશે. જોકે સરકારને એ વાતનો ડર છે કે અગાઉની માફક લોકો એનો વિરોધ કરવા માર્ગો પર ઊતરી ન આવે. ઈટાલીમાં પણ શનિવારે 20 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા હતા.

બીજી બાજુ, દુનિયાના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. એની સૌથી વધુ અસર ફ્રાંસ અને અમેરિકામાં જોવા મળી રહી છે. અહીં એક્ટિવ કેસોમાં પણ ઝડપ આવી છે. હવે દરરોજ લગભગ 20થી 25 હજાર નવા એક્ટિવ કેસ વધી રહ્યા છે. એનાથી ઊલટું, ભારતમાં રોજ 10થી 20 હજાર વચ્ચે એક્ટિવ કેસ ઓછા થઈ રહ્યા છે. જોકે નિષ્ણાતો માને છે કે ફેસ્ટિવ સીઝન અને ઠંડીની મોસમમાં ભારતના આંકડાઓમાં પણ વધારો જોવા મળી શકે છે.


બ્રિટનમાં વેક્સિન માટે તૈયારી
બ્રિટન સરકારે નિર્ણય લીધો છે કે દેશના હેલ્થ નેટવર્ક, જેને NHH કહેવામાં આવે છે, તેના તમામ વર્કર્સને ક્રિસમસ અગાઉ જ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે આ અંગે હજુ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. NHHના ટ્રસ્ટ ચીફે કહ્યું હતું કે સંપૂર્ણ જવાબદારી છે કે ક્રિસમસ અગાઉ અમારી પાસે એક સારી વેક્સિન હોય. જોકે એ સૌપ્રથમ NHHના ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે. અમેરિકામાં પણ ત્રીજા તબક્કાની વેક્સિનની ટ્રાયલ શનિવારે શરૂ થઈ છે.

યુરોપમાં નાઈટ કર્ફ્યુ, લોકોએ વિરોધ કર્યો
યુરોપના 44 દેશમાં કોરોનાની બીજી લહેર આવી ચૂકી છે. લેટિન અમેરિકા પછી અઢી લાખ મોતની સંખ્યા પાર કરનાર યુરોપ દુનિયાનો બીજો મહાદ્વીપ બની ગયો છે. આ કારણથી 1થી વધુ દેશોમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ લગાવાયાં છે, પરંતુ ગંભીર હાલત પછી પણ લોકો એના વિરોધમાં દેખાવો કરી રહ્યા છે. શુક્રવારે મોડી રાતે કેટલાંક શહેરોમાં લોકોએ આગજની જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. બાર અને રેસ્ટોરાં ચલાવવા લોકડાઉન હટાવવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ લોકડાઉનના કારણે અમારે ભૂખે મરવાની નોબત આવી શકે છે. રિપોર્ટ અનુસાર, યુરોપમાં અઢી લાખ મોતમાં બે તૃતીયાંશ હિસ્સો બ્રિટન, ઈટાલી, ફ્રાંસ, રશિયા, બેલ્જિયમ અને સ્પેનનો છે.

બેલ્જિયમમાં હવે અત્યંત કડક લોકડાઉન થશે
કોરોના વાઇરસ શરૂ થયા પછી બેલ્જિયમ સરકાર બીજીવાર નેશનલ લોકડાઉન લગાવવા જઈ રહી છે. આ વખતે લોકડાઉન અગાઉની તુલનામાં વધુ આકરું હશે. સરકારે હાલ હોસ્પિટલોને એલર્ટ પર રાખી છે. તેની સાથે જ નોન અર્જન્ટ સર્જરીઝ ટાળવાનો નિર્ણય પણ લીધો છે. એનો હેતુ હોસ્પિટલોમાં ભીડ ઓછી કરવાનો અને બેડ ખાલી રાખવાનો છે.

નવા વડાપ્રધાન એલેક્ઝાન્ડર ડી ક્રૂએ કહ્યું, આ ઉપરાંત કોઈ રસ્તો પણ નથી. આપણે આપણી સિસ્ટમને ખૂબ ઝડપથી ઠીક કરવી પડશે. તમામ પ્રકારની ઈવેન્ટ્સ રદ કરી દેવાઈ છે. પાર્કને બંધ કરી દેવાયા છે. કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ જારી કરાયા છે. તમામ પ્રકારની હોટલ, બાર અને રેસ્ટોરાં પણ બંધ છે.

અમેરિકામાં વધી શકે છે મોત
એક નવા સ્ટડીમાં કહેવાયું છે કે અમેરિકામાં ફેબ્રુઆરી સુધીમાં સંક્રમણથી મોતની સંખ્યા પાંચ લાખને પાર થઈ શકે છે. અમેરિકન ચૂંટણીમાં આ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આના માટે દબાણમાં છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના એક રિસર્ચમાં કહેવાયું છે કે બીજી લહેર પર અંકુશ નહીં મેળવાય તો પાંચ લાખ 11 હજાર લોકોના જીવ જઈ શકે છે. સ્ટડી અનુસાર, જો સાવધાની નહીં રખાય અને રસી નહીં આવે તો ત્રણ લાખ વધુ લોકો જીવ ગુમાવી શકે છે અને એવું બનવામાં માંડ ચાર મહિના લાગશે.

ફ્રાંસમાં બીજી લહેર વધુ ઘાતક સાબિત થશે
ફ્રાંસના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર અગાઉના મુકાબલે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનો સામનો કરવા માટે ઈમર્જન્સી પ્લાન તૈયાર કરાયો છે. તેના ઉપરાંત હોસ્પિટલો માટે એલર્ટ જારી કરાયું છે. દેશનાં 9 શહેરમાં અગાઉથી જ નાઈટ કર્ફ્યુ હતો. હવે તેને કેટલાંક અન્ય ક્ષેત્રોમાં લગાવવાની તૈયારી પણ કરી લેવાઈ છે. શુક્રવારે અહીં 43 હજાર નવા કેસ મળ્યા હતા. શનિવારે આ આંકડો થોડો ઓછો થઈને 41 હજાર પર આવી ગયો. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

સ્પેનમાં 34 હજાર લોકોનાં મોત
પશ્ચિમી યુરોપમાં સ્પેન એવો પ્રથમ દેશ છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા હવે 10 લાખથી વધુ થઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે બીજી લહેર વધુ ઘાતક સાબિત થવાની આશંકા છે, આથી આકરા પ્રતિબંધો લગાવાશે. બીજી તરફ, ફ્રાંસમાં પણ આ જ સ્થિતિ છે. અહીં પણ 10 લાખથી વધુ કેસો સામે આવી ચૂક્યા છે. 34 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. 9 શહેરમાં કર્ફ્યુ લગાવાયા પછી સ્થિતિ કંઈક સુધરી છે. અગાઉ એક દિવસમાં લગભગ 40 હજાર સુધી કેસો સામે આવ્યા હતા. બુધવારે અહીં 25 હજાર નવા કેસો સામે આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post