• Home
  • News
  • 7 દિવસમાં 108 પર રેકોર્ડબ્રેક 1.83 લાખ લોકોએ મદદ માગી, દર કલાકે 1000 કોલ, 99 ટકા કોલ્સ માત્ર કોવિડના
post

કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે 108 એમ્બ્યુલન્સની ટીમ ખૂબ જ મહત્ત્વની જવાબદારી નિભાવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-22 12:19:22

ગુજરાતમાં કોરોનાના સતત વધતા જતા કેસો જનતા માટે ભયજનક સાબિત થઈ રહ્યા છે. એક તરફ સંક્રમણનું પ્રમાણ અત્યંત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ દર્દીઓને સારવાર આપવા માટે ગુજરાતમાં મેડિકલ સારવાર ખૂટી પડી છે. આ પ્રકારની કપરી સ્થિતિ વચ્ચે હાલમાં 108 એમ્બ્યુલન્સની ટીમ ખૂબ જ મહત્ત્વની જવાબદારી નિભાવી રહી છે. છેલ્લા 7 દિવસમાં જ 108 કોલ સેન્ટર પર રેકોર્ડબ્રેક 1.83 લાખ કોલ્સ આવ્યા છે, જેમાંથી 99 ટકા કોલ્સ માત્ર કોવિડને લગતા આવ્યા છે.

દર કલાકે 1000થી વધુ કોલ્સ આવે છે
ગુજરાતમાં હાલમાં અંદાજે 660 જેટલી 108 એમ્બ્યુલન્સ માત્ર કોવિડ દર્દી માટે કાર્યરત છે, જે સતત 24 કલાક અલગ-અલગ વિસ્તારોમાં દોડાદોડ કરી રહી છે. 108 પર દરરોજ 26 હજારથી વધુ કોલ્સ આવી રહ્યા છે, એટલે કે દર કલાકે 1000થી વધુ લોકો 108 પર કોલ કરી મદદ માગી રહ્યા છે, જેમાં સૌથી વધુ કોલ્સ અમદાવાદમાંથી કરવામાં આવે છે. 108ની ટીમ એકસાથે 100થી 130 જેટલા કોલ્સ અટેન કરે છે.

ટીમ રાઉન્ડ ધ ક્લોકમાં કામ કરે છે
દિવસે દિવસે કોલ્સની સંખ્યામાં વધારો થતાં સ્ટાફની પણ અછત સર્જાઈ રહી છે, જેને કારણે નવા સ્ટાફની પણ ભરતી કરવામાં આવી છે, જેને કારણે હવે સ્ટાફ રાઉન્ડ ધ ક્લોકમાં કામગીરી કરી રહ્યા છે, જેથી અન્યને આરામ મળી શકે. હાલની સ્થિતિ એવી છે એક મિનિટ પણ કોલ્સ બંધ નથી થતા. બીજી તરફ સિવિલ સહિતની હોસ્પિટલોમાં જગ્યાના અભાવે 108ને કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવું પડે છે, જેને કારણે પહેલા કોલ કર્યા ને 5 મિનિટમાં આવતી 108 હવે 2થી 3 કલાકે દર્દીને લેવા માટે આવે છે.

108ના રિસ્પોન્સ ટાઇમમાં ફેરફાર થયો
શહેરમાં રોજ 450થી 500 કોરોના દર્દીને 108 હોસ્પિટલ પહોંચાડે છે, સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગે છે, આથી દર્દી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોવાથી 108નો રિસ્પોન્સ ટાઇમ 3થી 4 મિનિટથી વધીને બે કલાકની આસપાસનો થયાનું 108નાં સૂત્રો જણાવે છે. અગાઉ 108 દ્વારા હેન્ડલ કરાતાં કુલ ઇમર્જન્સી કેસમાં 20 ટકા કેસ કોવિડના હતા, હાલમાં શહેરમાં કોરોના કેસ વધતાં પ્રમાણ 50 ટકા થયું છે. એમાંય 700થી 800 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલોમાં 1 હજાર દર્દી પહોંચાડાતા હોવાથી હોસ્પિટલ દ્વારા દર્દીને દાખલ કરવા માટે વોર્ડમાં વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી અડધોથી પોણો કલાક રાહ જોવી પડે છે, એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગતી હોવાથી બીજા દર્દીને લેવા જવાની સાઈકલ ખોરવાઈ ગઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post