• Home
  • News
  • ભારતના નિકાસ પ્રતિબંધ પછી વિશ્વમાં ઘઉંમાં વિક્રમી ઉછાળો: ઘરઆંગણે ભાવ તૂટયા
post

વૈશ્વિક ફુગાવા વચ્ચે નિકાસ પર અંકૂશને પગલે વિવિધ દેશો દ્વારા ભારતની ટીકા

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 10:40:38

મુંબઈ : ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયા બાદ વિશ્વ બજારમાં ઘઉંના ભાવ વધીને નવી ઊંચી સપાટીએ પહોંચ્યાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાઈ રહ્યું છે. હીટવેવ્સને કારણે ઘરઆંગણે ઘઉંના ઉત્પાદન પર અસર પડતા સરકારે તાત્કાલિક ધોરણેથી અમલ થાય તે રીતે ઘઉંની નિકાસ પર અંકૂશ મૂકી દીધા છે. ઘરઆંગણે ભાવ નરમ પડયા હતા. 

યુરોપની બજારો ખૂલતા ઘઉંના ભાવ પ્રતિ ટન સાતથી આઠ ટકા વધી ૪૫૩ ડોલર આસપાસ પહોંચી ગયા હતા. શિકાગો વાયદો  ૬ ટકા જેટલો વધી પ્રતિ બશેલ ૧૨.૪૭ ડોલર બોલાતો હતો.રશિયા દ્વારા યુક્રેન પરના આક્રમણ બાદ વિશ્વ બજારમાં ઘઉંના ભાવ ઊંચકાયા હતા. ઘઉંની વૈશ્વિક નિકાસમાં યુક્રેનનો હિસ્સો ૧૨ ટકા જેટલો છે. 

 

ઘરઆંગણે સ્થાનિક દાણાબંદરમાં  ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૦૦થી રૂપિયા ૧૫૦ જેટલા નરમ પડયાના અહેવાલ હતા. મિલ કવોલિટીના ભાવ ઘટી મુંબઈ પહોંચ રૂપિયા ૨૪૦૦ બોલાતા હતા. લોકવન ટૂકડી મીડિયમ ઘઉં રૂપિયા ૨૬૦૦થી રૂપિયા ૨૮૦૦ જ્યારે સારા માલના ભાવ ઘટીને રૂપિયા ૩૦૦૦થી રૂપિયા ૩૨૦૦ મુકાતા હતા. 

ખાતરની અછત તથા નબળા પાકે વૈશ્વિક સ્તરે ફુગાવો પણ વધાર્યો છે. ગયા સપ્તાહના અંતે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ વિશ્વ બજારો આજે ખુલતાવેત ઊંચકાઈ ગઈ હતી. ઘરઆંગણે નીચા ઉત્પાદનનને કારણે ફૂડ સિક્યુરિટીની સમશ્યા ઊભી થવાનો પણ ભારત સરકારને ભય સતાવી રહ્યો હતો. પ્રતિબંધ પહેલા જે નિકાસ કરાર થઈ ગયા છે, તે ઘઉં રવાના કરી શકાશે. ઘઉંની નિકાસ પર અચાનક પ્રતિબંધથી વિશ્વના દેશો તરફથી ભારતની ટીકા થઈ રહ્યાના પણ અહેવાલ હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post