• Home
  • News
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને કોરોનાની કોઈ અસર નહી, પ્રથમ ત્રિમાસિક ગાળામાં RILનો નફો 31% વધીને રૂ. 13,248 કરોડ પર પહોચ્યો
post

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આવક રૂ. 1 લાખ કરોડથી આવક થઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 08:50:46

અમદાવાદ: 30 જુલાઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળા માટેનું પરિણામ જાહેર કર્યું હતું. રિઝલ્ટ જોતા લાગી રહ્યું છે કે, કંપનીને કોરોનાની કોઈ અસર થઇ નથી. ઉલટું તે સમય દરમિયાન કંપનીને ફાયદો વધુ થયો છે. એપ્રિલ-જૂન કવાર્ટરમાં RILનો કંસોલિડેટેડ નફો 31% વધીને રૂ. 13,248 કરોડ થયો છે. ગત વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ. 10,104 કરોડનો નફો કર્યો હતો. જોકે, આ સમય દરમિયાન કંપનીની આવકમાં 42%નો નોંધપાત્ર ઘટાડો થયો છે. રિલાયન્સની આવક ગત વર્ષના રૂ. 1.74 લાખ કરોડથી ઘટીને આ વર્ષે રૂ. 1 લાખ કરોડ થઇ હતી.

અમે કોરોનામાં કંપનીને સામાન્ય સ્થિતિમાં ચલાવી: મુકેશ અંબાણી
આ અંગે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનથી વૈશ્વિક સ્તરે માંગને અસર થઈ છે. તેમ છતાં, અમે કંપની લગભગ સામાન્ય પરિસ્થિતિની જેમ ચલાવી છે અને સારા પરિણામ આપ્યા છે. અમારો ઉપભોક્તા વ્યવસાય વ્યક્તિગત અને વ્યવસાય માટે જીવનરેખા બની ગયો છે. અમારી રિટેલ અને જિઓ ટીમે લાખો આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે.

કુલ નફામાં જિયોનો 19% હિસ્સો
રિલાયન્સે જૂન ક્વાર્ટરમાં જે નફો કર્યો છે તેમાં જિયો પ્લેટફોર્મ્સનો હિસ્સો 19% છે. આ સમયગાળા દરમિયાન જિયોનો ચોખ્ખો નફો 182.8% વધીને રૂ. 2,520 કરોડ થયો હતો, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 891 કરોડ હતો. કોવિડની અસર છતાં ગ્રાહકોમાં 9.9 મિલિયનનો વધારો થયો છે. જિયોએ એપ્રિલથી અત્યાર સુધીમાં અંદાજે 25% હિસ્સેદારી વેચીને રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ મેળવ્યું છે.

ખર્ચમાં 42%નો ઘટાડો થયો
કંપનીના લાભમાં વધારો અન્ય આવકને કારણે થયો છે. તેની અન્ય આવક આ ત્રિમાસિક ગાળામાં 54 ટકા વધીને રૂ. 4,388 કરોડ રહી છે. કંપનીએ આ દરમિયાન તેના કુલ ખર્ચમાં ભારે ઘટાડો કર્યો છે. તેનો ખર્ચ 42 ટકા ઘટીને 87 હજાર 406 કરોડ રહ્યો છે. એક વર્ષ પહેલા તે 1 લાખ 50 હજાર 858 કરોડ રૂપિયા હતો.

સ્ટેન્ડએલોન પ્રોફિટમાં 7.9%નો વધારો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જાહેર કરેલા પરિણામો મુજબ પહેલા ક્વાર્ટર દરમિયાન તેનો અર્નિંગ પર શેર (EPS) 22.1% વધીને શેર દીઠ રૂ. 29.7 હતો. એ જ રીતે, જ્યારે સ્ટેન્ડએલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 9,753 કરોડ થયો છે. તેમાં 7.9%નો વધારો થયો છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન કુલ રૂ. 32,681 કરોડની નિકાસ કરી હતી.

EBITDA રૂ. 21,585 કરોડ રહ્યો
RIL
એ કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેનો EBITDA કંસોલિડેટેડ ધોરણે રૂ. 21,585 કરોડ રહ્યો છે. પરિણામો અનુસાર, ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ રોકડ નફા રૂપે રૂ. 18,893 કરોડ મેળવ્યા છે, જે વર્ષ અગાઉના ક્વાર્ટર કરતા 16.7% વધારે છે.

નિષ્ણાતોની આગાહી ખોટી પડી
રિલાયન્સના પરિણામો અંગે શેરબજાર તેમજ મોટા બ્રોકરેજ હાઉસે નકારાત્મક પરિણામોની આગાહી કરી હતી. તેનાથી વિપરીત કંપનીના પરિણામો વધારે પ્રોફિટ સાથે જાહેર થયા હતા. જોકે જિયો અંગે નિષ્ણાતોના અનુમાનો સાચા પડ્યા છે. જિયો પ્લેટફોર્મ્સનો નફો ધાર્યા કરતા વધુ સારા રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post