• Home
  • News
  • અનુરાગ કશ્યપ સહિતની ફિલ્મ હસ્તીઓની તપાસમાં ઘટસ્ફોટ, 300 કરોડ બેહિસાબી; તાપસી વિરુદ્ધ પાંચ કરોડ રોકડ લીધાના પુરાવા - આઈટી
post

તાપસી-અનુરાગની સતત બીજા દિવસે પૂછપરછ ચાલુ

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 10:05:27

આવકવેરા વિભાગે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ અને ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલી એજન્સીઓ વિરુદ્ધ અત્યાર સુધી કરેલી તપાસમાં આશરે રૂ. 300 કરોડની હેરાફેરીના પુરાવા મળ્યા છે. આ દરમિયાન આઈટી વિભાગ તરફથી હેરાફેરીના પ્રાથમિક આંકડા જાહેર કરાયા છે. આ તપાસમાં ફિલ્મ ડિરેક્ટરો અને શેરધારકો વચ્ચે વિતરિત શેરોની વાસ્તવિક કિંમત ઓછી દર્શાવવા અને હેરાફેરીના પણ પુરાવા મળ્યા છે. તેમાં આશરે રૂ. 350 કરોડની કરચોરીનું અનુમાન છે.

તાપસીના 20 કરોડના ગોટાળાનું અનુમાન
આ દરમિયાન અભિનેત્રી તાપસી પન્નુએ રૂ. પાંચ કરોડ રોકડ લીધા હોવાની પણ સાબિતી મળી છે. આ ઉપરાંત જાણીતા ફિલ્મ ડિરેક્ટરો, નિર્માતાઓ દ્વારા નકલી ખર્ચ દર્શાવીને ગોટાળા કર્યાના પણ પ્રમાણ મળ્યા છે, જેમાં આશરે રૂ. 20 કરોડના ગોટાળાનું અનુમાન છે. એક પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડક્શન હાઉસે જંગી આવક છુપાવ્યાના પણ પુરાવા મળ્યા છે. તેઓ બોક્સ ઓફિસ પર વાસ્તવિક કલેક્શનની તુલનામાં ઘણાં ઓછો આંકડા દર્શાવતા. આ કંપનીના અધિકારીઓ આશરે રૂ. 300 કરોડના હિસાબ અંગે સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી.

બુધવારે બંનેની 6 કલાક પૂછપરછ થઈ
આ દરોડા અને તપાસ અભિયાનમાં સાત બેંક લૉકર પણ મળ્યા છે. હજુ વિવિધ પરિસરોમાં તપાસ અભિયાન ચાલુ છે. આઈટી વિભાગે ત્રીજી માર્ચે અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ અને ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલી ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ, એક્સિડ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, ફેન્ટમ ફિલ્મ્સ, મોશન પિક્ચર્સના ઠેકાણે દરોડા પાડ્યા હતા. તેમના મુંબઈ, પૂણે, દિલ્હી, હૈદરાબાદમાં કુલ 28 સ્થળે તપાસ કરાઈ હતી. બાદમાં અનુરાગ અને તાપસીની બુધવારે છ કલાક પૂછપરછ પણ કરાઈ હતી. હાલ તેમના ઈ-મેઈલ, વૉટ્સએપ ચેટ અને હાર્ડડિસ્કની પણ તપાસ ચાલુ છે.

બોલિવૂડમાં IT દરોડામાં 4 મોટા ખુલાસા
1.
દરોડા વિશે CBDT એ ગુરુવારે જાણકારી આપી. તેમના જણાવ્યા મુજબ લીડિંગ પ્રોડક્શન હાઉસે પોતાની વાસ્તવિક બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક ઓછી બતાવી. આ ગોટાળો 300 કરોડનો છે. તેનો હિસાબ પ્રોડક્શન હાઉસ આપી શક્યું નથી.
2.
પ્રોડક્શન હાઉસે શેર ટ્રાંજેક્શનમાં શેરની કિંમત ઓછી બતાવી અને વ્યવહારમાં ગણ ગોટાળો કર્યો. આ સમગ્ર મામલો 350 કરોડની ટેક્સ ચોરીનો છે.
3.
તાપસી પન્નુના ઠેકાણા પર જે દરોડા પડ્યા તેમાં પાંચ કરોડના વ્યવહારના સબૂત મળ્યા નથી.
4.
અનુરાગના ઠેકાણા પર દરોડા દરમિયાન ખર્ચના બનાવટી સબૂત મળ્યા છે. તેમાં 20 કરોડની ટેક્સ ચોરી સામે આવી છે.

દરોડા ત્રણ દિવસ ચાલી શકે છે
એક્ટ્રેસ તાપસી પન્નુ, પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને તથા મધુ મન્ટેનાના ઠેકણાં પર ઈન્કમ ટેક્સ (IT) ડિપાર્ટમેન્ટની રેડ આજે એટલે કે 4 માર્ચના રોજ પણ ચાલુ છે. આ ઉપરાંત ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, Kwan ટેલેન્ટ હંટ કંપની તથા એક્સીડ કંપનીના ઠેકાણાં પર દરોડા પડ્યા છે. સૂત્રોના મતે, દરોડા આગામી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.

અનુરાગ કશ્યપ તથા તાપસી પન્નુની મોડી રાત સુધી પૂછપરછ
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, આવકવેરા વિભાગની ટીમે અનુરાગ કશ્યપ તથા તાપસી પન્નુની મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તેમના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા છે. ડિવાઈસને ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યા છે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજા દિવસે પણ બંનેની પુનામાં પૂછપરછ ચાલુ છે. માનવામાં આવે છે કે બંનેને પુનાની કોઈ હોટલના રૂમમાં રાખવામાં આવ્યા છે. જોકે, હજી સુધી આની પુષ્ટિ થઈ શકી નથી.

ક્વાન કંપનીના 4 અકાઉન્ટ્સ ફ્રીઝ
પ્રોડ્યૂસર મધુ મન્ટેનાની મુંબઈ સ્થિત ક્વીનબીચ બિલ્ડિંગમાં પણ આવકવેરાના છ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત અંધેરી વેસ્ટના સેન્ટર પર પણ 8 અધિકારીઓએ છાપો માર્યો છે. ચાર અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલાં આવકવેરા વિભાગે 30 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મુંબઈના લોખંડવાલા, અંધેરી, બાંદ્રા તથા પુનામાં સવારે 8થી 9 વાગ્યા દરમિયાન રેડ શરૂ થઈ હતી. અંદાજે 30 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અનુરાગ-તાપસીનું મુંબઈ સ્થિત ઘર પણ સામેલ છે. આ લોકેશન પર મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દરોડાનું કારણ શું?
હજુ સુધી IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યા, પરંતુ ડિપાર્ટમેન્ટને ફેન્ટમ ફિલ્મ્સ કંપનીના કામકાજ અને લેવડદેવડમાં ગરબડીની શંકા છે. દરોડામાં મળેલા દસ્તાવેજ અને પુરાવાઓને આધારે તપાસનો વ્યાપ વધી શકે છે.

શું તમામ દરોડા એક-બીજા સાથે જોડાયેલા છે?
ફેન્ટમ ફિલ્મ્સ કંપનીને 2010માં અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના તથા વિકાસ બહલે લૉન્ચ કરી હતી. 2018માં વિકાસ બહલ પર યૌન શોષણનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને પછી આ કંપની બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ ચારેય પાર્ટનર અલગ થઈ ગયા છે. આ ચારેય પર આક્ષેપ છે કે તેમણે ફેન્ટમ ફિલ્મમાંથી થયેલી કમાણીની યોગ્ય માહિતી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપી નથી અને કમાણી ઓછી બતાવી છે.

બીજી શક્યતા એવી છે કે મંટેનાએ એક મહિના પહેલાં જ ફેન્ટમ ફિલ્મ્સમાં અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને વિક્રમાદિત્ય મોટવાણીની કુલ 37.5% હિસ્સો ખરીદી લીધો છે. 12.5% હિસ્સો તેમની પાસે પહેલેથી જ હતો. આ પ્રોડક્શન હાઉસમાં બાકી 50%ની ભાગીદારી અનિલ અંબાણી ગ્રુપના રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટની પાસે છે. એટલે કે દરોડા કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે.

રાહુલ-જાવડેકર વચ્ચે કહેવત યુદ્ધ

·         અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ વિરુદ્ધ આઈટી વિભાગે પાડેલા દરોડા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર વ્યંગ કરતા લખ્યું કે, ‘ઉંગલી પર નચાના- એટલે કેન્દ્ર સરકાર આઈટી, ઈડી, સીબીઆઈ સાથે આવું જ કરે છે. ભીગી બિલ્લી બનના- એટલે કેન્દ્ર સરકાર સામે મિત્ર મીડિયા. ખિસિયાની બિલ્લી ખંબા નોચે- એટલે કેન્દ્ર સરકાર ખેડૂત સમર્થકો પર દરોડા પડાવે છે.

·         આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે પણ તેમની જ શૈલીમાં જવાબ આપતા લખ્યું કે, ‘સો ચૂહે ખાકર બિલ્લી ચલી હજ કો- એટલે કટોકટીમાં મીડિયાની આઝાદી પર અંકુશ મૂકનારી કોંગ્રેસનું મીડિયા ફ્રીડમ પર જ્ઞાન આપવું. ઉંગલી પે ગિને જા સકના- એટલે કોંગ્રેસની હાલની સ્થિતિ અને ચૂંટણી પરિણામો. રંગા સિયાર- સૌથી કોમવાદી પાર્ટી સેક્યુલરિઝમનો ઢોંગ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post