અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું- હિંસાના સમયમાં શાંતિની જરૂર
વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ફાયરિંગ બાદ ગરમાગરમીનો
માહોલ છે. આ દરમિયાન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે સ્ફોટક દાવો કર્યો છે.
મસ્કે કહ્યું કે છેલ્લા 8 મહિનામાં મારી પણ બે વખત હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ તરફ
રાષ્ટ્રપતિ જો બાઇડને આજે બીજી વખત જનતાને સંબોધન કર્યું. આજે ભારતીય સમય અનુસાર
સવારે 6 વાગ્યે પોતાના સંબોધનમાં તેમણે હુમલાની નિંદા કરી હતી. બાઇડને અમેરિકન સમાજમાં
હિંસા પર કહ્યું, "આપણે આ રસ્તા પર જઈ શકીએ નહીં." આપણે આપણા ઇતિહાસમાં ઘણી હિંસા સહન કરી
છે. અમેરિકાની સ્ફોટક રાજનીતિના યુગમાં શાંત રહેવાનો સમય આવી ગયો છે. તેમણે હુમલા
દરમિયાન માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેને હીરો
ગણાવ્યો.
રવિવારે સવારે ટ્રમ્પ
પર ઘાતક હુમલો થયો હતો. તે પેન્સિલવેનિયાના બટલર શહેરમાં એક ચૂંટણી રેલીમાં થયેલા
ગોળીબારમાંથી બચી ગયા હતો. એસોલ્ટ રાઈફલમાંથી નીકળેલી ગોળી તેમના કાનને અડીને પસાર
થઈ હતી. ટ્રમ્પની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સર્વિસ સ્નાઈપર્સે તરત જ 20 વર્ષીય હુમલાખોરને ઠાર
કર્યો હતો. તેની ઓળખ થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરવામાં આવી છે. ફાયરિંગમાં એક
નાગરિકનું પણ મોત થયું છે.
બાઇડનનું પ્રથમ સંબોધન
હુમલાના 18 કલાક પછી થયું
15 જુલાઈના રોજ મોડી રાત્રે, ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાના લગભગ 18 કલાક પછી, રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રેસ કોન્ફરન્સ
દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું, 'મેં ટ્રમ્પ સાથે વાત
કરી છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. બાઇડને કહ્યું કે આ
મામલાની તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ ઘટના પાછળના હેતુ વિશે અમારી પાસે હજુ
સુધી કોઈ માહિતી નથી. તેથી, લોકોએ આ ઘટનાના ઉદ્દેશ્યને લઈને તેમની પોતાની થિયરી ન બનાવવી જોઈએ. FBI અને સિક્રેટ સર્વિસ
એજન્સીઓને તેમની નોકરી કરવા દો. અમારો પ્રયાસ આ હુમલા બાદ ટ્રમ્પને વધુ સુરક્ષા
આપવાનો છે. આ માટે સિક્રેટ સર્વિસને સૂચના આપવામાં આવી છે. બાઇડને કહ્યું કે મેં
સીક્રેટ સર્વિસના ડાયરેક્ટરને આવતીકાલથી શરૂ થઈ રહેલા રિપબ્લિક પાર્ટીના રાષ્ટ્રીય
અધિવેશનની સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવા સૂચના આપી છે.