• Home
  • News
  • રોનાલ્ડોએ આ વર્ષે ચાર મેચમાં સાત ગોલ કર્યા, યુવેન્ટ્સની રોમા પર જીત; ગ્રિઝમેને ઇન્જરી ટાઈમમાં ગોલ કરતા બાર્સેલોના જીત્યું
post

સિરીએમાં યુવેન્ટ્સે રોમાને 3-1 અને લા લિગામાં બાર્સેલોનાએ આઈબીઆને 2-1થી હરાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 11:33:47

ઇટાલીના ફૂટબોલ લીગ સિરી એમાં યુવેન્ટ્સે ગુરુવારે રોમાને 3-1થી હરાવ્યું હતું. તુરિનમાં રમાયેલી મેચમાં પહેલો ગોલ યુવેન્ટ્સના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 26મી મિનિટમાં કર્યો હતો. સાથે તેના 4 મેચમાં 7 ગોલ થઇ ગયા છે. જ્યારે સ્પેનિશ લીગ 'લા લિગા'માં બુધવારે એંટોઇન ગ્રિઝમેને ઇન્જરી ટાઈમમાં નિર્ણાયક ગોલ કરીને બાર્સેલોનાને આઇબીઆ સામે 2-1થી જીતાડ્યુ હતું.

 

યુવેન્ટ્સ માટે રોનાલ્ડો ઉપરાંત રોડ્રિગો બેટાંકુરે 38મી અને લિયોનાર્ડો બોનુકીએ 45+2મી મિનિટે ગોલ કર્યો હતો. રોમાનો એકમાત્ર સ્કોર યુવેન્ટ્સના ગોલકીપર જિયાનલુગી બફનના આત્મઘાતી ગોલ (50મી મિનિટ)થી થયો હતો. બીજી તરફ આઇબીઆમાં બાર્સેલોના માટે ગ્રિઝમેને 72મી અને 90+4મી મિનિટે બે ગોલ કર્યા હતા. જ્યારે આઇબીઆના જોસેપ કાબાલી માર્ટિને 9મી મિનિટમાં ગોલ કર્યો હતો.

 

બાર્સેલોના અને યુવેન્ટ્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર
યુવેન્ટ્સે છેલ્લી પાંચ મેચમાં જીત મેળવી હતી. તે સિરી એના પોઈન્ટ્સ ટેબલમાં 51 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. ટીમે 20માંથી 16 મેચ જીતી છે, 1 હારી છે અને 3 મેચ ડ્રો રહી હતી. રોમા 38 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. તેણે 20માંથી 11 મુકાબલા જીત્યા, 4 હાર્યા અને 5 ડ્રો રહી હતી. લા લિગાના પોઈન્ટ્સ ટેબલમાં બાર્સેલોના 43 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. તેણે 20માંથી 13 મેચ જીતી, 3 હારી અને 4 મેચ ડ્રો રહી હતી.

રોનાલ્ડોએ છેલ્લી 8 મેચમાં 12 ગોલ કર્યા
રોનાલ્ડોએ છેલ્લી આઠ મેચમાં 12 ગોલ કર્યો છે. તે લીગમાં 17 ગોલ સાથે પ્રથમ સ્થાને છે. તાજેતરમાં રોનાલ્ડોને યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિયેશનની ચેમ્પિયન્સ લીગ 'ટીમ ઓફ યર'માં સ્થાન મળ્યું હતું. તેને 14મી વખત ટીમમાં જગ્યા મળી હતી.