• Home
  • News
  • 6 બુકાનીધારીઓ IIFL ગોલ્ડ લોનના કર્મચારીઓને સેલો ટેપથી બાંધી 20 મિનિટમાં 13 કરોડનું સોનું લૂંટી ગયા
post

31 કિલો દાગીનાના કુલ 1,127 પેકેટની લૂંટ, મહારાષ્ટ્રની ગેંગ સંડોવાયેલી હોવાની શંકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 08:56:05

વાપીઃ વાપી-સેલવાસ મેઇન રોડ પર ચંદ્રલોક કૉમ્પલેક્સમાં આવેલી આઇઆઇએફએલ ગોલ્ડ લોનની ઓફિસમાં ગુરુવારે સશસ્ત્ર લૂંટારુઓએ ઑફિસના સ્ટાફને બંધક બનાવીને બજારભાવ પ્રમાણે 13 કરોડ રૂપિયાની મત્તાની લૂંટ કરી હતી. સવારે 9 વાગ્યે પહેલા માળે આવેલી ઑફિસ ખૂલ્યા બાદ 9.53 વાગ્યે 6 બુકાનીધારી લૂંટારુ તમંચા-છરા જેવાં હથિયારો સાથે ત્રાટક્યા હતા. તેમણે 3 મહિલા સહિત 8 કર્મચારીના હાથ-પગ અને મોંઢે સેલોટેપથી બાંધી માત્ર 20 મિનિટમાં રોકડા 3.12 લાખ અને દાગીનાના 1127 પેકેટ મળી કુલ 31 કિલોના દાગીના લૂંટ્યા હતા. 31 કિલો સોનાનો બજારભાવ 13 કરોડ રૂપિયા જેટલો છે. લૂંટારુઓએ એક કર્મચારી પાસે સ્ટ્રોંગરૂમનો દરવાજો ખોલાવીને થેલામાં પેકેટ ભર્યા હતા. પછી ઑફિસને બહારથી તાળું મારીને ઠંડા કલેજે પોતાની કારમાં બેસી રવાના થયા હતા. બાદમાં પોલીસે સ્ટાફની સઘન પૂછપરછ કરી હતી તથા નાકાબંધી કરીને લૂંટારુઓની પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.


કેવી રીતે થઇ લૂંટ?

·         લૂંટારુઓએ સ્ટ્રોંગ રૂમમાં રાખેલા સોનાના દાગીનાના કુલ 1127 પેકેટ પોતાના થેલામાં ભરી દીધા. જ્યારે 86 પેકેટ રહેવા દીધા.

·         6 લૂંટારુમાંથી 3 પાસે તમંચા, ચાકુ જેવા હથિયારો હતાં. તેમણે તમામ કર્મચારીઓને ખુરશી પર બેસાડી હાથ-મોંઢે સેલોટેપ બાંધીને બંધક બનાવી દીધા.


\     લૂંટારુએ તમંચો બતાવીને કર્મચારી પાસે સ્ટ્રોંગ રૂમ ખોલાવ્યો.

·         તમામ લૂંટારુ લૂંટનો માલ થેલામાં ભરીને ઑફિસમાંથી બહાર નીકળ્યા, સીડી ઉતરીને નીચે આવ્યા. તથા રસ્તા પર પાર્ક થયેલી કારની ડિકીમાં સામાન મૂકીને રફૂચક્કર થઈ ગયા.


·         માત્ર 20 મિનિટમાં આખો ખેલ પૂરો કરીને લૂંટારુઓ ભાગી ગયા

લૂંટનો ઘટનાક્રમ...
તમંચો બતાવી સ્ટાફને ધમકાવ્યા , ‘સબ લોગ કોને મેં જાઓ
લૂંટારુઓએ બ્રાંચમાં કામ કરતી 3 મહિલા સહિત 8 કર્મચારીઓને હિન્દીમાં સબ લોગ એક કોને મેં જાઓ એમ કહી ધમકાવ્યા હતા. તમંચા અને છરો બતાવીને તમામ કર્મચારીઓના મોંઢા અને હાથ-પગ ઇન્ડસ્ટ્રીયલ સેલો ટેપથી બાંધી દીધા હતા. એક કર્મચારીના માથા ઉપર તમંચો રાખીને સ્ટ્રોંગ રૂમ પાસે લઇ જઇ તિજોરી ખોલાવી હતી.


ભાગતા પહેલા ઑફિસને બહારથી તાળું માર્યું, કારમાં બેસી રફૂચક્કર
લૂંટારૂઓને ભાગવાનો પુરતો સમય મળે તે માટે લૂંટ કર્યા બાદ બ્રાંચ ઓફિસની મુખ્ય ગેટના ગ્રીલના દરવાજા ઉપર લગાવેલી જાળીને તાળંુ મારતા ગયા હતા. બ્રાંચ મેનેજરે થોડા સમય પછી ઉપલા અધિકારીને ઘટના અંગે જાણ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.


અડધા કલાકે પહોંચેલી પોલીસે સ્ટાફની મોબાઇલ ડિટેલ ચેક કરી
ગુરૂવારે સવારે બનેલી લૂંટની ઘટનાના પગલે વલસાડ જીલ્લામાં ચકચાર મચી હતી. ઘટનાના અડધા કલાકમાં જીલ્લા એસપી સુનીલ જોષી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો બનાવના સ્થળે પહોંચ્યો હતો. સ્ટાફની સઘન પૂછપરછ કરાઈ હતી. તથા તેમની મોબાઇલ ડિટેલ મેળવાઈ હતી. હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. પોલીસના સૂત્રો મુજબ મહારાષ્ટ્રની પ્રોફેશનલ ગેંગ સંડોવાયેલી હોઈ શકે છે.

નાકાબંધી કરવામાં આવી છે-પોલીસ

વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, આઈઆઈએફએલ ખાનગી ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાંથી લૂંટનો બનાવ બન્યો છે. અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહારાષ્ટ્રની બોર્ડર સહિત જિલ્લા અને રાજ્યમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે. ઓફિસની બહાર ખાનગી સિક્યુરિટી હોવા છતાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટવામાં આવ્યાં છે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post