• Home
  • News
  • રાયબકિના ઓસ્ટ્રેલિયન ઓપનના અંતિમ-4માં પહેલીવાર પહોંચી:રાયબકિનાએ લાટવિયાની જેલેના ઓસ્ટાપેન્કોને સીધા સેટમાં હરાવી
post

સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં 22મી ક્રમાંકિત રાયબાકિનાએ 17મી ક્રમાંકિત લાટવિયાની જેલેના ઓસ્ટાપેન્કોને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-25 18:34:03

વિમ્બલડન ચેમ્પિયન એલિના રાયબકિનાએ ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 23 વર્ષની રાયબકિના ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં પહેલીવાર પહોંચી ગઈ છે. ગત વર્ષે તે બીજા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. વુમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં 22મી ક્રમાંકિત રાયબાકિનાએ 17મી ક્રમાંકિત લાટવિયાની જેલેના ઓસ્ટાપેન્કોને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી હતી. ઓસ્ટાપેન્કોએ 2017માં ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ કબજે કર્યું હતું. બન્ને ખેલાડીઓ ત્રીજી વખત સામસામે ટકરાયા હતા. ઓસ્ટાપેન્કો સામે રાયબકીનાની આ પ્રથમ જીત છે. રાયબકિના હવે સેમિફાઈનલમાં 24મી ક્રમાંકિત વિક્ટોરિયા અઝારેન્કા સામે ટકરાશે. તો, ત્રીજી ક્રમાંકિત જેસિકા પેગુલા પણ ટોપ ક્રમાંકિત એગા સ્વેટેક અને બીજી ક્રમાંકિત ઓન્સ ઝુબેર પછી બહાર થઈ ગઈ હતી. ક્વાર્ટર ફાઈનલ મેચમાં પેગુલાને વિક્ટોરિયા અઝારેન્કાએ સતત સેટમાં 6-4, 6-1થી હાર આપી હતી. પેગુલા સતત ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં બહાર થઈ ગઈ હતી. મિક્સ ડબલ્સમાં ભારતીય જોડી રોહન બોપન્ન-સાનિયા મિર્ઝાને ક્વાર્ટર ફાઈનલમાં વોકઓવર મળ્યો હતો. ભારતીય જોડી સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.

સિત્સિપાસ સતત ત્રીજી વખત સેમિફાઈનલમાં
ફ્રેન્ચ ઓપનનો ફાઈનલિસ્ટ સ્ટેફાનોસ સિત્સિપાસ સતત ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં પહોંચી ગયો છે. તે રોજર ફેડરર (2004 થી 2006) પછી ઓસ્ટ્રેલિયન ઓપનમાં સતત ત્રણ સેમીફાઈનલમાં પહોંચનાર સૌથી યુવા પુરુષ ખેલાડી પણ બન્યો હતો. મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ત્રીજા ક્રમાંકિત સિત્સિપાસે ચેક રિપબ્લિકના જિરી લેહકાને સીધા ત્રણ સેટમાં 6-3, 7-6, 6-4થી હરાવ્યો હતો. સિત્સિપાસ હવે સેમિફાઈનલમાં કેરેન ખાચાનોવ સામે ટકરાશે. કેરેને સેબેસ્ટિયન કોર્ડાને 7-6, 6-3, 3-0 (રિટાયર્ડ હર્ટ)થી હરાવ્યો હતો.