• Home
  • News
  • જ્યાં મહેંદીની લાશ મૂકી હતી એ રસોડાના પ્લેટફોર્મ પર બેસાડી પોલીસે ત્રણ કલાક સુધી પૂછપરછ કરતાં સચિન ભાંગી પડ્યો
post

વતનમાં જવા મુદ્દે સચિન અને મહેંદી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 11:29:36

પોલીસ આરોપી સચિનને સાથે રાખીને વડોદરાના ખોડિયારનગરમાં દર્શનમ ઓફિસમાં આવેલા સચિનના ભાડાના ફ્લેટ ખાતે આવી હતી, જ્યાં તેણે તેની પ્રેમિકા મહેંદીની લાશ રાખી હતી. પોલીસની ટીમ બપોરે 3 વાગ્યાના અરસામાં સચિનને લઇને વડોદરા આવી હતી અને વડોદરા પોલીસને પણ આ મામલે જાણ કરાતાં બાપોદરા પોલીસ પણ ફ્લેટ પર પહોંચી હતી. પોલીસ સચિનને લઇને ફ્લેટ પર આવ્યા બાદ તેને રસોડાના પ્લેટફોર્મ પર બેસાડયો હતો અને તેની ત્રણ કલાક સુધી ઝીણવટભરી તપાસ કરી હતી.

FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
સચિને તેની અને મહેંદી વચ્ચે કયારે ઝઘડો થયો અને ત્યાર બાદ તેણે કઇ રીતે મહેંદીની હત્યા કરી લાશને બેગમાં પેક કરી હતી એ સહિતના મુદ્દા પર સચિને જવાબ આપ્યા હતા. ત્યાર બાદ એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો મેળવી કઇ રીતે હત્યા કરાઇ હતી એનું નિરીક્ષણ કરી જરૂરી સેમ્પલ એકત્ર કર્યાં હતાં. બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી એ મુદ્દે પણ તપાસ કરાઇ હતી. 3 કલાક બાદ આરોપી સચિનને લઇને પોલીસ ગાંધીનગર જવા રવાના થઇ હતી.

મહેંદી અને સચિન લિવ ઇનમાં રહેતાં હતાં
પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે છેલ્લા 2 મહિનાથી સચિન મહેંદીને લઇને વડોદરા રહેવા આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપની પોલારમાં સચિન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી, જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને સચિન અને મહેંદી લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. 10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસિસ નામના બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં. ત્યાર બાદ છેલ્લા સપ્તાહમાં સચિનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે એ મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં મહેંદીએ સચિનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી અને તું જતો રહીશ તો મારું શું થશે એમ કહી તેણે વિરોધ કર્યો હતો.

બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી
મહેંદીએ સચિનને કહ્યું હતું કે મને સાથે રાખો અથવા બાળકની જવાબદારી મારી એકલાની નથી તે મુદ્દે ઝઘડો થયો હતો. ગત 8 તારીખે પણ બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી હતી. તે પછી મહેંદીની લાશને સૂટકેસમાં પેક કરીને રસોડામાં સિલિન્ડર મૂકવાના ભાગે બેગ મૂકી દીધી હતી. ત્યારબાદ બાળક શિવાંશને લઇને તેનાં માતા-પિતા પાસે ગાંધીનગર આવવા નીકળી ગયો હતો અને રાતના સુમારે પેથાપુર ગૌશાળા પાસે બાળકને મૂકી દઇ પોતાના ઘેર જતો રહ્યો હતો અને સવારે તે પરિવાર સાથે યુપી જવા રવાના થયો હતો.

1 મહિના પહેલાં રૂા.7500ના ભાડા પર મકાન લીધું હતું
સચિન જે ફ્લેટમાં રહેતો હતો તેના મકાન માલિક રજની પટેલે જણાવ્યું હતું કે, 1 મહિના પહેલા ફ્લેટના ચોકીદારે મને સંપર્ક કરીને મારો ફ્લેટ ભાડે આપવા માટે પુછ્યું હતું. આ ફ્લેટ ચોકીદાર થકી મે સચિન દિક્ષીતને આપવાનું નક્કી કર્યું હતું.ફ્લેટનો ભાડા કરાર સચિન દિક્ષીતના નામનો હતો અને તેને પોતાનું સરનામું સેક્ટર 26,ગ્રીન સીટી,ગાંધીનગર લખાવ્યું હતું. રૂા.7500 પેટે મે સપ્ટેમ્બરમાં સચિનને ભાડેથી મારો ફ્લેટ આપ્યો હતો. જ્યારે સચિને મને જે એડવાન્સ આપ્યું હતું તે પણ ઓનલાઈન ચૂકવ્યું હતું. વાતચીતમાં પણ સચિન સામાન્ય વ્યક્તિ જેવો જ લાગ્યો હતો.

દુર્ગંધથી પોલીસ અધિકારીઓ પણ ઊલટીઓ કરવા લાગ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબરના રોજ મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં લાશ ડિકમ્પોઝ થઈ ચુકી હતી. જેથી એફએસએલ દ્વારા લાશને બેગમાંથી કાઢવામાં આવતા ફ્લેટની અંદર તેમજ સોસાયટીમાં અતિશય દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. આ જ સમયે એસીપી કક્ષાના અધિકારી ફ્લેટની અંદર પહોચતા તેઓ તુરંત બહાર આવી ગયા હતા,અને તેમને ઊલટીઓ થઈ હતી. આ ઉપરાંત ડિસીપી કક્ષાના અધિકારી માત્ર 1 મિનિટમાં જ ફ્લેટનું નિરીક્ષણ કરીને નીચે ઉતરી આવ્યાં હતાં. બાદમાં પોલીસે મહેંદીનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મહેંદીની હત્યા સાંજે 4 વાગે કરી હોવાની આશંકા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 8 તારીખે સાંજે 4 વાગ્યાના અરસામાં દર્શનમ ઓએસીસના ભાડાના ફ્લેટમાં સચિન અને મહેંદી વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સચિને તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને તે વખતે તેમનું બાળક પણ સાથે જ હતું. હત્યા કર્યા બાદ સચિને મહેંદીની લાશ બેગમાં પેક કરી રસોડા નીચે મૂકી દીધી હતી અને બાળક શિવાંશને લઇને ગાંધીનગર જવા નીકળી ગયો હતો. પેથાપુર પાસે તે ગૌશાળામાં અવારનવાર જતો હોવાથી તેને આ સ્થળની જાણકારી હતી, જેથી રાતના સમયે તે સીધો બાળકને લઇને ત્યાં પહોંચ્યો હતો અને બાળકને તરછોડી દીધું હતું.

ફ્લેટમાં સચિન રહેતો હોવા અંગે રહીશોને કોઇ જાણ હતી નહીં
ફ્લેટના રહીશોએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા ફ્લેટમાં મેઈનટેનન્સ ન ભરતા પાણીના કનેક્શન બંધ થવાનો ઈશ્યું થયો હતો. ત્યારે જી 102માં ભાડે રહેતા સચિન દિક્ષીતે મેઈનટેનન્સ ન ચુકવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સ્થાનિક રહીશોએ સચિનને બોલાવ્યો હતો. રહીશોએ જણાવ્યું હતું કે, તે 1 મહિનાથી ફ્લેટમાં રહેતો હતો. પરંતું મેઈનટેનન્સનો ઈશ્યું થયો ત્યારે જ તેને લોકો એ જોયો હતો. આ સિવાય સચિન દિક્ષીત અંગે લોકોને કોઈ જાણકારી નહતી, પરંતુ અચાનક પોલીસ કાફલો ફ્લેટમાં ધસી આવીને તપાસ કરતા આસપાસના રહીશો પણ સ્તબ્ધ બની ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post