• Home
  • News
  • ટ્રમ્પના કાર્યક્રમમાં સચિન, ગાવસ્કર સહિતના ક્રિકેટરો, ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ પણ સામેલ થશે
post

ક્રિકેટરો અને કલાકારો લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેતા હોવાથી તેમને ક્રાઉડ પુલર તરીકે બોલાવાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 10:55:47

ગાંધીનગરઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે ત્યારે બીસીસીઆઈના તમામ હોદ્દેદારો, સચિન-ગવાસ્કર સહિતના દિગ્ગજ ક્રિકેટરો પણ હાજર રહેશે. બીજીબાજુ અમદાવાદમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ અને રોડ-શોના કાર્યક્રમોમાં બને એટલા વધુ લોકોને આવે તેવો આગ્રહ રાખ્યો છે. અમેરિકામાં આ વર્ષના નવેમ્બરમાં આવી રહેલી ચૂંટણીને કારણે ટ્રમ્પ પોતે જનસામાન્યના નેતા હોય તેવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને વીવીઆઇપી લોકોનો કાર્યક્રમ બનાવવાને બદલે મહત્તમ લોકો એકત્રિત થાય તેમ ટ્રમ્પનું કાર્યાલય ઇચ્છે છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ મોટાભાગે સામાન્ય નાગરિકોથી જ ભરેલો રહેશે. રોડ-શો હોય કે મોટેરા સ્ટેડિયમનો સંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, વધુમાં વધુ સંખ્યામાં સામાન્ય લોકો આવે તેવું અમેરિકા ઇચ્છે છે. ટ્રમ્પના અભિવાદન માટે બહોળી સંખ્યામાં ભારતીય સમુદાય ઉપસ્થિત છે તેવી છબિથી અમેરિકાના રાજકીય સમીકરણોમાં તેમને ફાયદો થાય તેમ હોવાથી આ આયોજન કરાયું છે.

ક્રિકેટ અને ગ્લેમર સિવાય અન્ય કોઇ મહાનુભાવ નહીં
સરકારે આ કાર્યક્રમ માટે આમંત્રણ તો આપ્યાં છે, પરંતુ ક્રિકેટ અને ફિલ્મી હસ્તીઓના ગ્લેમર સિવાય બીજા કોઇ મહાનુભાવો અહીં હાજર નહીં રહે. ક્રિકેટરો અને કલાકારો લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેતા હોવાથી જ તેમને ક્રાઉડ પુલર તરીકે બોલાવાયા છે. જ્યારે જાણીતા ઉદ્યોગપતિઓ કે સામાજિક ક્ષેત્રે સંકળાયેલી હસ્તિઓ અહીં હાજર નહીં રહે. અન્ય એક ખૂબ ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં માત્ર બે જ વ્યક્તિ વીવીઆઇપી હશે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી હશે. આ કાર્યક્રમમાં શ્રોતાઓની ઉપસ્થિતિ વધુ હોવાથી અમદાવાદ અને તેની આસપાસના આઠ જિલ્લામાંથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ-વ્યાપાર એસોસિએશનના પ્રતિનિધીઓને હાજર રાખવામાં આવશે અને તેની જવાબદારી જે-તે જિલ્લાના કલેક્ટરની રહેશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post