• Home
  • News
  • અયોધ્યાનો નવો અધ્યાય : સંત સમાજે મંદિરનિર્માણ માટે બે તારીખ સૂચવી, આરએસએસ પણ સંમત; હવે આખરી નિર્ણય ટ્રસ્ટ લેશે
post

રામ મંદિરનું નિર્માણ હિન્દુ નવા વર્ષ કે રામનવમીથી શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-11 12:06:07

નવી દિલ્હી: અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે રામમંદિર નિર્માણ અંગે સંત સમાજે બે તારીખ સૂચવી છે. અખિલ ભારતીય સંત સમિતિએ સર્વસંમતિથી કહ્યું છે કે મંદિરનું નિર્માણ હિન્દુ નવા વર્ષ અથવા તો ભગવાન રામના જન્મદિન - રામનવમીથી શરૂ કરાય. પંચાંગ અનુસાર હિન્દુ નવ વર્ષ ચૈત્ર માસના શુક્લ પક્ષના પડવાથી શરૂ થાય છે. એ 25 માર્ચ 2020થી શરૂ થશે. રામનવમી 2 એપ્રિલે છે. આ બે તારીખો અંગે સંઘ પણ સંમત છે. સંઘના સૂત્રોના જણાવ્યા અનુસાર સંત સમાજની સંમતિથી જ આગળની રૂપરેખા નક્કી કરાશે.


સંત સમાજ અને સંઘની ભૂમિકા મહત્વની થઈ :
પહેલાં મંદિર નિર્માણની જવાબદારી વીએચપી પાસે હતી પણ હવે સુપ્રીમ કોર્ટે સરકારને મંદિર નિર્માણ માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવા કહ્યું છે. આથી સંત સમાજ અને સંઘની ભૂમિકા મહત્વની થઈ ગઈ છે. જોકે વીએચપી નેતાઓનું કહેવું છે કે રામમંદિર નિર્માણની શરૂઆત કરવા સંતો દ્વારા સુચવેલી બે તારીખથી સારી કોઈ તારીખ હોઈ શકે નહીં. હવે સરકાર પર પણ દબાણ આવશે કે તે જલદી ટ્રસ્ટ બનાવે અને તેમાં સંતોના અગ્રણી જૂથોને સામેલ કરે.


ડોભાલે ધર્મગુરુઓ સાથે બેઠક કરી, તમામે શાંતિની પ્રતિબદ્ધતા દોહરાવી :
એનએસએ અજિત ડોભાલે રવિવારે તેના નિવાસસ્થાને હિન્દુ-મુસ્લિમ ધર્મગુરુ સાથે 4 કલાક બેઠક કરી હતી. બેઠકમાં તમામ ધર્મગુરુઓએ શાંતિ જાળવવાની વચનબદ્ધતા દોહરાવી હતી. બેઠકમાં બાબા રામદેવ, સ્વામી પરમાત્માનંદ, મૌલાના કલબે જવાદ, સ્વામી ચિદાનંદ સરસ્વતી, સ્વામી અવધેશાનંદગિરિ વગેરે સામેલ થયા હતા.

 

કાશી વિશ્વનાથ અને મથુરાના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પર અસર નહીં :
દેશના સૌથી જૂના વિવાદનો ઉકેલ આવી ગયો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં રવિવારે સવાર સૌહાર્દના દૃશ્યો સાથે પડી. અહીં સરયૂ તટ પર પરોઢિયે રોજની જેમ પર અનેક લોકો સ્નાન કરવા પહોંચ્યા હતા. મંદિરો અને મઠોમાં સવાર-સાંજ હંમેશાની જેમ પૂજાઅર્ચના થઈ. શહેરમાં સુરક્ષા બંદોબસ્ત છે, પરંતુ રસ્તા પરની અવરજવર પણ સામાન્ય છે. જોકે, કેટલાક રસ્તા પર વાહનોની આવનજાવન હજુ પ્રતિબંધિત છે. શ્રદ્ધાળુઓની સૌથી વધુ ભીડ હનુમાનગઢીમાં રહી. રામલલ્લા વિરાજમાનમાં પણ સામાન્ય દિવસો કરતા વધુ લોકો આવ્યા. રજાનો દિવસ હોવાથી સવારથી જ અયોધ્યામાં લોકો ટહેલવા નીકળ્યા. આમ, સમગ્ર યુપીમાં શાંતિ જળવાઈ રહી. રાજ્ય સરકાર પણ ઈદ મિલાદુન્નબી બારાવફાત સકુશળ સંપન્ન થઈ જાય એ માટે પ્રયત્નશીલ છે. બારાવફાતના જુલુસનું સ્વાગત કરવામાં હિંદુઓએ પણ ઉત્સાહ દાખવ્યો. જે 34 જિલ્લાને સંવેદનશીલ શ્રેણીમાં રખાયા છે, ત્યાં સંપૂર્ણ શાંતિ છે. પોલીસ વડા મથકે યુપીમાં નજર રાખવા ડીજીપી ઓપી સિંહની આગેવાનીમાં બનેલી ઈગલ ડેસ્ક 24 કલાક કામ કરી રહી છે.

 

મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું- નવું મંદિર ટ્રસ્ટ જન ભાગીદારથી ભંડોળ ભેગું કરે :
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યા હવે મેકઓવર માટે તૈયાર છે. 67 એકર જમીન પર રામ મંદિરનીસાથે શું બનશે, 10 કિ.મી.ના દાયરામાં અયોધ્યા કેવી રીતે બદલાશે, તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંતો-મહંતોએ અયોધ્યાને દુનિયાના સૌથી ઉત્તમ ધાર્મિક સ્થળના રૂપમાં વિકસિત કરવા અને સૌથી ભવ્ય રામ મંદિર બનાવવાની માંગ કરી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, હવે અહીં કંબોડિયામાં આવેલા વિશ્વના સૌથી મોટા વિષ્ણુ મંદિરની તર્જ પર રામમંદિર બનવું જોઈએ. જેથી દુનિયા ભારતના સ્થાપત્ય અને સમૃદ્ધ વારસાને નવા રૂપમાં જુએ. મંદિર માટે પ્રસ્તાવિત ટ્રસ્ટે જનભાગીદારીથી ભંડોળ ભેગું કરવું જોઈએ. સોમનાથ ટ્રસ્ટની તર્જ પર તે અસ્તિત્વમાં આવ્યા પછી ઓનલાઈન એકાઉન્ટ બનાવીને ભંડોળ ભેગું કરે. દિગંબર અખાડાના મહંત સુરેશ દાસે કહ્યું કે, રામજન્મભૂમિ પર દુનિયાનું સૌથી મોટું મંદિર બનાવવું જોઈએ. સુરેશ દાસ, રામચંદ્ર પરમહંસના ઉત્તરાધિકારી છે. મહંત અવધેશ દાસ કહે છે કે, પ્રસ્તાવિત ટ્રસ્ટને વિશાળ રામમંદિરની સાથે સમગ્ર અયોધ્યાનું નિર્માણ કરવું જોઈએ.

 

યોગીએ અયોધ્યા માટે રૂ. 226 કરોડની યોજનાઓ આપી, ફાઈવ સ્ટાર હોટલ પણ બનશે :
અયોધ્યાથી ભાજપ ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તે કહ્યું કે, યોગીએ પહેલેથી જ અયોધ્યાના વિકાસ માટે વિચારી રાખ્યું હતું. 26 ઓક્ટોબરે અયોધ્યા માટે રૂ. 226 કરોડની યોજનાઓ જાહેર કરાઈ હતી. અહીં ઝડપથી ખાનગી કંપનીઓ થ્રી અને ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવતી દસેક હોટલ બનાવશે. રામ કી પૈડીના વિકાસ માટે રૂ. 33 કરોડ અપાયા છે. અહીં 70 હેક્ટરમાં રામની 251 મીટર ઊંચી પ્રતિમા પણ બનશે.

 

69 વર્ષ જૂના રિપોર્ટને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાનો હિસ્સો બનાવ્યો :
પવન કુમાર, નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અયોધ્યા ચુકાદામાં કમિશનરના એ રિપોર્ટને સ્થાન આપ્યું, જેના કારણે હિંદુઓને બીજી વાર મૂળ સ્થાને પૂજાપાઠની મંજૂરી મળી છે. હકીકતમાં 1949માં મુસલમાનોને નમાજ પઢતા જ નહોતા રોકાયા, પરંતુ હિંદુઓના પૂજાપાઠ પણ બંધ કરાયા હતા. જ્યારે ગોપાલ સિંહ વિશારદે 1950માં વિવાદિત સ્થળે પૂજાપાઠ માટે મૂર્તિઓ નહીં હટાવવાની માંગ કરી હતી. એટલે ફૈઝાબાદ કોર્ટે એક કમિશનર નિયુક્ત કર્યો. એ વખતે કોર્ટ કમિશનરે હિંદુ મુસ્લિમ બંને પક્ષની હાજરીમાં વિવાદિત સ્થળનો એક રિપોર્ટ બનાવ્યો હતો. તેના આધારે કોર્ટને આ વિવાદ સમજવામાં મદદ મળી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post