• Home
  • News
  • ટિકિટમાં કપાય એનું બોર્ડ નિગમોમાં સેટિંગ?:અસંતોષનો ચરુ દબાવવા ભાજપે છેલ્લી ઘડીએ બોર્ડ નિગમમાં ભરતીની સ્ટ્રેટેજી ઘડી, 55 નામ ફાઇનલ, જેની માત્ર જાહેરાત બાકી!
post

રાજ્ય સરકારના કુલ 78 બોર્ડ નિગમમાં છે, જેમાંથી 40થી વધુ બોર્ડ નિગમ ચેરમેન અને વાઇસ-ચેરમેનની નિમણૂક બાકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 10:58:05

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ખાલી પડેલા બોર્ડ નિગમમાં ચેરમેન સહિતના હોદ્દેદારોની નિયુક્તિ કરવાની કવાયત હાથ ધરી છે. બોર્ડ નિગમમાં નિમણૂક માટે ચોક્કસ ધારાધોરણો નક્કી કર્યાં છે. જેમ 60થી વધુ વય હશે અથવા તો ત્રણ ટર્મ વિધાનસભાની ચૂંટણી લડ્યા હશે તો તેવા નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન નહીં મળે. ભાજપના જે નેતા વિધાનસભાની ટિકિટના ક્રાઇટેરિયામાં નથી આવતા એવાને બોર્ડ-નિગમમાં હોદ્દો આપવાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. 55 નામ પણ ફાઇનલ થઈ ગયાં છે અને માત્ર જાહેરાત બાકી છે.

નવી નિમણૂકો કરવા ભાજપે તૈયારી શરૂ કરી
થોડા સમય અગાઉ ગુજરાતનાં કેટલાંક બોર્ડ નિગમમાંથી ચેરમેન સહિતના હોદ્દેદારોનાં રાજીનામાં લઇ લેવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ હવે ફરી નવી નિમણૂકો કરવા ભાજપે તૈયારીઓ શરૂ છે. જિલ્લા-શહેર પ્રમુખો પાસેથી બોર્ડ નિગમમાં મૂકી શકાય એવી વ્યક્તિની યાદી મગાવવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપે કેટલાક ચોક્કસ આગેવાનોને ઓનલાઇન ફોર્મ મોકલી એમાં તેમના બાયોડેટા ભરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ભાજપના સાંસદો અને ધારાસભ્યો પાસેથી પણ 5-5 નામો મગાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપે બોર્ડ નિગમમાં નિમણૂકો માટે પણ ધારાધોરણો ઘડ્યા
વિધાનસભાની આગામી ચૂંટણીમાં લાભ મેળવવા માટે ભાજપે બોર્ડ નિગમમાં નિમણૂકો માટે પણ ધારાધોરણો ઘડ્યા છે, જેમ કે જ્ઞાતિ-સામાજિક પ્રભુત્વ ધરાવતા નેતાની પ્રથમ પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના સંગઠનમાં હોદ્દો ધરાવતા હશે તેને તક નહિ મળે. આમ છતાંય પસંદગી કરાશે તો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે.

નારાજગી પણ છુપાઈ જશે
ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે લાયક હતા, પણ છેલ્લી ઘડીએ પડતા મુકાયા હોય, સાથે સાથે મત વિસ્તારમાં રાજકીય પ્રભુત્વ ધરાવતા હોય તેનેય સ્થાન મળી શકે છે. સાથે સાથે આ વખતે પક્ષના સર્વેમાં વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે મજબૂત દાવેદાર હોય, પણ પક્ષ ટિકિટ આપવા ઇચ્છુક નથી તેવા દાવેદારને પણ બોર્ડ નિગમમાં ચેરમેન કે ડિરેક્ટરપદ આપીને સાચવી લેવા નક્કી કરાયું છે. બોર્ડ નિગમમાં મોટા ભાગે નવા ચહેરાઓને જ સ્થાન આપવામાં આવી શકે છે.

40થી વધુ બોર્ડ નિગમ ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક બાકી
રાજ્ય સરકારના કુલ 78 બોર્ડ નિગમમાં છે, જેમાંથી 40થી વધુ બોર્ડ નિગમ ચેરમેન અને વાઇસ-ચેરમેનની નિમણૂક બાકી છે, જેમાં અગાઉ 16 જેટલા લોકોએ રાજીનામાં આપ્યા છે, જ્યારે વધુ કેટલાક ચેરમેન-વાઇસ ચેરમેને રાજીનામાં આપ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post