• Home
  • News
  • SP યુનિવર્સિટીમાં કૌભાંડ:હિસાબી ગોટાળા 29.22થી લઈ 37 કરોડે પહોંચ્યા, ત્રણ દિવસમાં કમિટી રિપોર્ટ સોંપશે
post

આગામી 17મી સપ્ટેમ્બરના રોજ મળનારી કમિટીની મીટિંગમાં આનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:46:03

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ત્રણ મહિના અગાઉ નિમાયેલી તપાસ કમિટીનો રિપોર્ટ આગામી ત્રણ દિવસ બાદ યુનિવર્સિટીને સોંપવામાં આવશે. ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ સામે આવી છે કે યુનિવર્સિટીના હિસાબી ગોટાળામાં વધુ આઠ કરોડનો વધારો થયો છે. આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2015માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે. જી. પટેલ અને રશ્મિકા ગણાત્રાના સમય દરમિયાન યુનિવર્સિટીમાં રૂપિયા 4 કરોડનું ડિફોલ્ટર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

એ પછી પહેલી એપ્રિલ, 2015ના રોજ કે. જી. પટેલ દ્વારા યુનિવર્સિટી ઓઉન ફંડ નામે નવું ફંડ બનાવવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 29.22 કરોડ બાકી બતાવ્યા હતા. એ સમયથી લઈને આજ દિન સુધી આ બાકી જ છે. જેનો કોઈ હિસાબ મળતો નથી. દરમિયાન, ગત 31મી મેના રોજ મળેલી સિન્ડીકેટમાં આ મુદ્દો ઉછળ્યો હતો અને તેમાં એક પ્રોફેસર, એક સીએ, એક સિન્ડીકેટ અને ચીફ એકાઉન્ટ ઓફિસરને રાખી તપાસ કમિટીની નિમણુંક કરાઈ હતી. દરમિયાન, રિપોર્ટ ત્રણ માસમાં યુનિવર્સિટીમાં સોંપવાનું ઠરાવવામાં આવ્યું હતું.

હવે સમગ્ર મામલે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 17મી સપ્ટેમ્બરના રોજ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જોકે, સમગ્ર બનાવમાં જ્યારે તપાસ સોંપવામાં આવી ત્યારે કૌભાંડ રૂપિયા 29.22 કરોડ પર હતું. જોકે, હવે તેમાં રૂપિયા આઠ કરોડનો વધારો થઈને કૌભાંડ રૂપિયા 37 કરોડ પર પહોંચ્યું છે. આમ, હવે સમિતિ દ્વારા રિપોર્ટ રજૂ કરાશે ત્યારે સમગ્ર હકીકત ખબર પડશે કે સમગ્ર કૌભાંડમાં કોની-કોની સંડોવણી છે.

રિપોર્ટ રજૂ કર્યા બાદ તેને સિન્ડીકેટમાં લાવવામાં આવશે
17
મી તારીખે રિપોર્ટ રજૂ કર્યા બાદ તેને સિન્ડીકેટ બેઠકમાં લાવવામાં આવશે. સિન્ડીકેટ બેઠક રિપોર્ટ રજૂ કર્યા બાદ નક્કી કરવામાં આવશે કે કઈ તારીખે યોજાશે. જોકે, સમગ્ર બનાવમાં કૌભાંડમાં જે તે વ્યક્તિની સંડોવણી પ્રસ્થાપિત થશે તો આગામી સમયમાં આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ કરાશે. - શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી.

સ્નાતક કોર્સમાં ત્રીસ ટકા બેઠક વધારી, પ્રવેશ તારીખ પણ 18 સપ્ટેમ્બર કરાઈ
સ. પ. યુનિ.માં અનુસ્નાતક અભ્યાસક્રમના પ્રવેશમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં બી.એ., બી.કોમમાં ત્રીસ ટકા બેઠક વધારવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે, વધારો માત્ર ગ્રાન્ટેડ કોલેજોને જ લાગુ પડશે. આ ઉપરાંત રીપીટર્સ તથા એસીપીસીમાંથી આવતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે બાકી રહ્યા હોય અનુકુળતા માટે આગામી 18મી તારીખ સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post