• Home
  • News
  • ખાળે ડૂચા ને દરવાજા મોકળા:હોંશભેર તૈયાર કરેલી ST બસની મોબાઇલ હોસ્પિટલ ધૂળ ખાય છે અને ગામડાં સારવાર માટે તડપે છે
post

ગત વર્ષે લોકડાઉનમાં એસ.ટી. વિભાગે તૈયાર કરેલી મોબાઇલ હોસ્પિટલ હાલમાં ધૂળ ખાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-26 11:23:07

રાજ્યમાં એક તરફ જ્યાં કોરોનાને લઇ હાહાકાર મચ્યો છે, તેવામાં રાજ્યમાં ઉપલબ્ધ સંશાધનોને યોગ્ય રીતે ઉપયોગ કરે તો કોરોનાના કપરા સમયમાં સગવડતાની અછતને દૂર કરી શકે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે તૈયાર કરેલ હરતી ફરતું દવાખાનું છે, જે બન્યા બાદ જે છે, તે જ સ્થિતિમાં છે, જેને લઇ એસ.ટી કર્મચારી મહામંડળે પણ આ હરતા-ફરતા દવાખાનાનો ઝડપથી ઉપયોગ થાય તેવી માગ સાથે રજૂઆત કરી છે.

ગત વર્ષે લોકડાઉન દરમિયાન તૈયાર થઇ મોબાઇલ વાન
ગત વર્ષે લોકડાઉન દરમિયાન અમદાવાદ સ્થિત એસ.ટી નિગમના નરોડા વર્કશોપમાં 14 મિકેનિક્સે મળીને હરતી ફરતી મેડિકલ વાન તૈયાર કરી હતી. જે કોરોના મહામારીમાં દર્દીની સારવાર માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થઇ શકે છે. મેડિકલ વાન તૈયાર થયા બાદ જાણકારોની સલાહ-સૂચના મુજબ કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા હતા અને તેને બહેતર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે રાજ્યમાં પાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સમય આવ્યો, જેથી આચારસંહિતના લીધે નિગમના અધિકારીઓ રાજ્ય સરકાર સમક્ષ તેનું પ્રેઝન્ટેશન ન કરી શક્યાં. જોકે હવે આજના સમયમાં રાજ્યને આ પ્રકારના માળખાની તાતી જરૂરિયાત છે, ત્યારે જ તે ધૂળ ખાઇ રહી છે.

'તૈયાર મેડકલ વાનનો ઝડપથી ઉપયોગ હાલની જરૂરિયાત'
ગુજરાત રાજ્ય એસ.ટી કર્મચારી મહામંડળના મંત્રી ધિકેન્દ્રસિંહ સોલંકીનું કહેવું છે કે, આ બસ તમામ પ્રકારે સજજ છે. ભૂતકાળમાં સુરતમાં ફેલાયેલ પ્લેગ, 2001નો ભૂકંપ, સુરતનું પૂર, 2020માં કોરોના લોકડાઉન વખતે શ્રમિકોને વતન પહોંચાડવા માટે નિગમ અને તેના કર્મચારીઓએ સેવા પૂરી પાડી છે, ત્યારે આ બસ તૈયાર કરવામાં પણ મિકેનિકોએ મહેનત કરી છે, જેથી જો આ બસનો ઉપયોગ વહેલી તકે કરવામાં આવે તો ગુજરાતમાં નાના ગામડાઓમાં કોરોનાની સાથે અન્ય દર્દીઓનું ભારણ પણ ઓછુ થઇ શકે છે. જેથી કર્મચારી મંડળે નિગમ સમક્ષ તેને ઉપયોગમાં લેવાય તેવી માંગ કરી છે.

મોબાઇલ મેડિકલ વાનમાં હોસ્પિટલ જેવી સુવિધા
હાલ રાજ્યમાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં છે, આ સ્થિતિમાં એમ્બ્યુલન્સની મોટી અછત વર્તાઇ રહી છે. સામાન્ય રીતે એમ્બ્યુલન્સમાં એક જ બેડ હોય છે અને ગંભીર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. જોકે નિગમની આ મલ્ટિપર્પઝ મેડિકલ વાનમાં 3 બેડ ઉભા કરવામાં આવ્યા છે. સ્થળ પર જ પેશન્ટની તબીબી ચકાસણી, નિદાન અને સારવાર કરી શકે છે. બસમાં ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે, જે હાલના સમયમાં સૌથી તાતી જરૂરિયાત છે.

મેડિકલ મોબાઈલ વાનમાં એ.સી, પંખાની પણ સુવિધા
​​​​રાજ્યમાં કેટલાક સ્થળ પર હોસ્પિટલ બહાર જ સારવારના દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે આ મેડિકલ મોબાઇલ વેનમાં પ્રાથમિક સ્તરે સારવાર દર્દીનો જવી બચાવી શકે છે. બસમાં પંખાની સાથે એ.સીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ ડોકટર, દર્દી અને ડ્રાઇવર માટે ત્રણેય અલગ પ્રવેશ માટેની વ્યવસ્થા છે. દર્દી અને ડોકટર સીધા સંપર્કમાં ન આવે. એ માટે ડોકટર અને દર્દી વચ્ચે પાર્ટિશન છે, ઉપરાંત બે બેડ વચ્ચે પણ પાર્ટિશન છે. બસ તૈયાર થયા બાદ એમ્બ્યુલન્સના તજજ્ઞો અને ડોકટરોએ પણ મેડકલ એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કરી ચૂક્યા છે અને તેમની સલાહ પ્રમાણે ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

જો સૂચના મળે તો વધુ બસ તૈયાર કરવા સક્ષમ- GSRTC
આ બાબતે GSRTCના સત્તાધિશોનું કહેવુ છે કે મૂળ તો આ બસ નિગમના કર્મચારીઓના મેડિકલ કેમ્પ માટે તૈયાર કરવામાં આવી હતી. સરકાર તરફથી કોવિડ માટે બસ તૈયાર કરવા માટે કોઇ સૂચના પણ નથી મળી. પરંતુ જો હાલની સ્થિતીને જોતા આ બસ કામ લાગી શકે છે, જેથી જો સરકારની સૂચના મળે તો નિગમ બસ તૈયાર કરવા સમક્ષ છે.

adv

Related News

post
post
post
post
post
post
post