• Home
  • News
  • પાકિસ્તાનના કરાચીમાં નાસભાગ, 12નાં મોત:ગરીબોને ફ્રી રાશનનું વિતરણ કરતી વખતે દુર્ઘટના ઘટી; મૃતકોમાં 8 મહિલા અને 3 બાળકો
post

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જ મફતમાં લોટ મેળવવાના સંઘર્ષમાં મહિલાઓ સહિત 11 લોકોના મોત થયાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 11:57:09

કરાચી: પાકિસ્તાનના કરાચી શહેરમાં શુક્રવારે નાસભાગમાં 12 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના એક ફેક્ટરીના પરિસરમાં બની હતી. અહીં રમજાન દરમિયાન ગરીબોને ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. મૃતકોમાં 8 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ નાસભાગ થતાં જ તેઓ ભાગી ગયા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગયા અઠવાડિયે સરકાર દ્વારા ફ્રી લોટની સેવા લેવા માટે ભાગદોડની થોડી ઘટનાઓ બની હતી. તેમાં પણ 12 લોકો મૃત્યુ પામ્યાં હતાં. જેમાં 3 મહિલાઓ સામેલ હતી

વીજળીના તાર લોકો ઉપર પડ્યા
'
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના જણાવ્યા પ્રમાણે, સાક્ષીઓએ જણાવ્યું છે કે વિશાળ સંખ્યામાં લોકો મફત રાશન લેવા માટે એકઠા થયા હતા. રાશન ઓછું હતું અને ભીડ વધારે હતી. જેથી લોકો વહેલી તકે સામાન મેળવવા માગતા હતા. આ દરમિયાન નાસભાગ થઈ અને ઝપાઝપી દરમિયાન વીજળીના તાર તૂટીને લોકો પર પડ્યા હતા. વીજળીના તાર પડવાથી કેટલાક લોકોનાં મોત થયાં હતાં. કરાચીની અબ્બાસી હોસ્પિટલમાં નવ મૃતદેહોને લાવવામાં આવ્યા છે. જ્યારે 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

રમજાન મહિનામાં દુર્ઘટનાઓ
હાલ પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. વિશ્વના તમામ દેશોમાં મુસ્લિમો નમાજની સાથે ઉપવાસ પણ કરે છે. આ દિવસોમાં મફતમાં લોટ મેળવવા માટે પાકિસ્તાનમાં નાસભાગ વધી રહી છે અને અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જ મફતમાં લોટ મેળવવાના સંઘર્ષમાં મહિલાઓ સહિત 11 લોકોના મોત થયાં છે.

ન્યૂઝ એજન્સી 'PTI'ના જણાવ્યા પ્રમાણે, રમજાન શરૂ થયા પછી મફતમાં લોટ મેળવવાની કોશિશમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ આંકડો પંજાબ પ્રાંતના માત્ર ચાર જિલ્લાઓનો છે. આ જિલ્લાઓ સાહિવાલ, બહાવલપુર, મુઝફ્ફરગઢ અને ઓકારા છે. ચારેય જિલ્લા દક્ષિણ પંજાબમાં આવે છે. આ જિલ્લાઓમાં 60 લોકો ઘાયલ પણ થયા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે નાસભાગને કારણે લોકોનાં મોત થયાં છે.

185 રૂપિયામાં એક કિલો લોટ વેચાઈ રહ્યો છે

·         'દુનિયા ન્યૂઝ' ટીવી ચેનલના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં એક કિલો લોટ હાલ 185 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. દેશમાં મોટાભાગના લોકો તંદૂરની દુકાનો પરથી રોટીલીઓ ખરીદે છે. લાહોરમાં એક રોટલી અંદાજે 40 રૂપિયાની મળી રહી છે. તંદૂર ચલાવતા દુકાનદારોનું કહેવું છે કે, મોંઘી વીજળી અને મેન્ટેનન્સના કારણે તેઓને રોટલી મોંઘી વેચવી પડી રહી છે.

·         સ્થિતિ બગડતી જોઈ સરકારે ગરીબો માટે મફત લોટ આપવાની સ્કીમ શરૂ કરી છે, પરંતુ તેનો કોઈ ફાયદો નથી થઈ રહ્યો. તેની પાછળનું કારણ સરકારી ઓફિસર આ ખરાબ ગુણવત્તાનો લોટ પણ બ્લેક માર્કેટમાં વેચી રહ્યા છે.

·         જેવી જ કોઈ વિસ્તારમાં મફત લોટ માટે ટ્રક પહોંચે છે, તો નાસભાગ મચી જાય છે. તેના કારણે જ 11 લોકોનાં મોત થયાં અને 60 લોકોને ઈજા થઈ. મંગળવારે બે મહિલાઓ અને એક પુરુષનું મોત થયું છે. તેના પછી પોલીસે ભૂખ્યા લોકો પર લાકડીઓ વરસાવી હતી.

મોંઘવારી દર 47%

·         ગયા અઠવાડિયે પાકિસ્તાનમાં મોંઘવારી દર 47% હતો. જાન્યુઆરીમાં આ 27.6% હતો. 1975 પછી આ સૌથી વધુ છે. 31 જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશન મોનેટરી ફંડ એટલે કે IMFની એક ટીમ પાકિસ્તાન પહોંચી હતી. 10 દિવસ ચાલેલી વાતચીત પછી પણ કોઈ કરાર ના થઈ શક્યો અને ટીમ લોનનો હપ્તો મંજૂર કર્યા વગર જ પરત ફરી હતી. આ ટીમ 6 અબજ ડોલર લોનનો આગામી હપ્તો (1.2 અબજ ડોલર) આપવાની શરતો પર વાટાઘાટો કરી રહી હતી.

·         IMFએ ખૂબ જ કડક શરતો રાખી છે. આટલું જ નહીં તેમણે આ તમામ શરતોને પૂર્ણ કરવા માટે પોલિટિકલ ગેરેન્ટી પણ માગી છે. IMF ઈચ્છે છે કે, પાકિસ્તાન સરકાર ઈલેક્ટ્રિસિટી અને ફ્યૂલને 60% ટકા મોંઘું કરે. ટેક્સ કલેક્શન બમણું કરવા જણાવ્યું છે.

·         મામલો ત્યારે ગંભીર થઈ ગયો જ્યારે શાહબાઝ સરકારે ફ્યૂલ ફક્ત 35% મોંઘું કરી ગરીબોને સબસિડી આપી દીધી. IMFએ તેના પછી જણાવ્યું કે, હવે કોઈપણ પ્રકારના કરારનો અવકાશ નથી બચ્યો.

·         સરકાર માટે એક મોટી સમસ્યા એ છે અથવા શરમજનક બાબત એ છે કે, અત્યારે કરાચી પોર્ટ પર અંદાજે 9 હજાર કન્ટેનર્સ ઊભાં છે. તેને અનલોડ ફક્ત એટલા માટે જ નથી કરી શકાતા, કારણ કે બેંકો પાસે ડોલર નથી અને તેના લીધે જ ચુકવણી નથી થઈ રહી.

પૂર્વ નાણાપ્રધાનનો દાવો
બે મહિના પહેલાં સુધી પાકિસ્તાનના નાણાપ્રધાન રહેલા મિફ્તાહ ઈસ્માઈલે જણાવ્યું હતું કે, પાકિસ્તાન હવે કોઈપણ સમયે ડિફોલ્ટર જાહેર થઈ શકે છે. એક ટીવી શો દરમિયાન તેમણે જણાવ્યું કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF અમને નવી લોનનો હપ્તો આપવા તૈયાર નથી. ઈમરાન ખાનના સમયમાં અમારી અર્થવ્યસ્થામાં જે તબાહી શરૂ થઈ, તેનાથી અમે બહાર નથી આવી શક્યા.

શાહબાઝ શરીફ સરકારના પ્રથમ નાણાપ્રધાન ઈસ્માઈલને સત્ય બોલનારા નેતા માનવામાં આવે છે. આ જ કારણ છે કે, તેમની જગ્યાએ ઈશહાક દારને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા છે. તેઓ અનેક પ્રકારના દાવાઓ કરી રહ્યા છે. IMFને ધમકી આપી રહ્યા છે. દારને અપેક્ષા છે કે, ચીન અને સાઉદી આરબ મળીને પાકિસ્તાનને નાદારીથી બચાવી લેશે.

મુશ્કેલીના સમયમાં મિત્રો દૂર થયા

·         પાકિસ્તાન પાસે હાલ ફક્ત 2.6 અબજ ડોલર ફોરેન રિઝર્વ છે. તેનાથી જૂની લોનના હપ્તાઓ પણ નથી ભરી શકાતા. નાણાપ્રધાન ઈશહાક દારે જણાવ્યું હતું કે, ચીન અને સાઉદી અરબ પાકિસ્તાનને ટૂંક સમયમાં 13 અબજ ડોલરની નવી લોન આપશે. પરંતુ અત્યાર સુધી આ મળી નથી અને બંને દેશોએ મૌન સેવ્યું છે.

·         બીજી તરફ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFએ પણ લોનનો ત્રીજો હપ્તો અટકાવી દીધો છે. આવી સ્થિતિમાં હવે જાન્યુઆરીથી માર્ચના પહેલા ક્વાર્ટરમાં વિદેશી દેવું ચૂકવવા અને ઈમ્પોર્ટ માટે ફંડ્સ ક્યાંથી આવશે, તેના પર એક મોટો પ્રશ્ન છે.

·         પાકિસ્તાનના સમાચાર પત્ર 'એક્સપ્રેસ ટ્રિબ્યૂન'ના એક અહેવાલ મુજબ, નાણાપ્રધાન ભલે સાઉદી આરબ અને ચીન પાસેથી 13 અબજ ડોલરની નવી લોન મળવાનો દાવો કરી રહ્યા હોય, પરંતુ સત્ય બીજું જ છે. નવેમ્બરની શરૂઆતમાં બંને દેશો સાથે વાટાઘાટો થઈ હતી અને અત્યાર સુધી તેમણે વાયદો પણ નથી કર્યો, રૂપિયા આપવાની વાત તો દૂરની છે.

·         રિપોર્ટ મુજબ, ચીન તો એક ડગલું આગળ નીકળી ગયું. તેણે પાકિસ્તાન પાસેથી 1.3 અબજ ડોલરનો હપ્તો માંગી લીધો. પાકિસ્તાન સરકારે ચીનની આ હરકત પર અત્યાર સુધી કોઈ જવાબ નથી આપ્યો. દાર હવે દાવો કરી રહ્યા છે કે, સાઉદી અરબ સાથે વાતચીત ચાલુ છે અને અપેક્ષા છે કે ટૂંક સમયમાં જ ત્યાંથી 3 અબજ ડોલર મળી જશે. બીજી તરફ, સાઉદી આરબે આ સમગ્ર મામલે મૌન સેવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post