• Home
  • News
  • કર્ણાટકમાં યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો:બંજારા અને ભોવી સમાજના લોકોનું હિંસક પ્રદર્શન; SC અનામતમાં વિભાજનનો વિરોધ
post

બંજારા અને ભોવી સમુદાયના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:53:23

કર્ણાટકમાં અનામત મુદ્દે સોમવારે પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો થયો. બંજારા અને ભોવી સમુદાયના લોકોએ શિવમોગામાં યેદિયુરપ્પાના ઘર અને ઓફિસની બહાર હિંસક પ્રદર્શન કર્યું. ત્યારબાદ આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે અનુસૂચિત જાતિ (SC)ને આપવામાં આવતી અનામતને આ વર્ગની વિવિધ જાતિઓમાં વહેંચવામાં આવશે. બંજારા અને ભોવી સમુદાય આનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી તેમના સમુદાયના લોકો સાથે અન્યાય થશે.

બંજારા સમુદાયના નેતાઓને ગેરસમજ થઈ છેઃ યેદિયુરપ્પા
બીએસ યેદિયુરપ્પાએ કહ્યું, 'બંજારા સમુદાયના નેતાઓને ગેરસમજ થઈ છે. હું એક-બે દિવસમાં તેમની સાથે વાત કરીશ અને તેમને મુખ્યમંત્રી પાસે પણ લઈ જઈશ જેથી તેમની ફરિયાદોનું નિરાકરણ થઈ શકે. બંજારા સમાજના લોકોએ મને મુખ્યમંત્રી બનવામાં સાથ આપ્યો છે. મેં એસપી અને ડીસીને કડક કાર્યવાહી ન કરવા જણાવ્યું છે. હું આ ઘટના માટે કોંગ્રેસ કે અન્ય કોઈને દોષી નહીં ઠેરવું.

રાજ્ય સરકારે કેન્દ્રને ભલામણ કરી છે
રાજ્ય સરકારે SC સમુદાયના અનામતને તેની અંદર આવતી જ્ઞાતિઓમાં વહેંચવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. જસ્ટિસ સદાશિવ કમિશનના રિપોર્ટના આધારે ભલામણ મોકલવામાં આવી છે. પ્રદર્શનકારીઓ જ આ ભલામણને પરત ખેંચવાની માગ કરી રહ્યા છે.

આ કમિશને પોતાના રિપોર્ટમાં SC સમુદાય હેઠળ આવતી જ્ઞાતિઓને પ્રપોશનલ રિઝર્વેશન (પ્રમાણસર અનામત) આપવાની સલાહ આપી હતી. બંજારા સમુદાયના લોકોનો આરોપ છે કે આ રિપોર્ટ SC સમુદાય હેઠળ આવતી જ્ઞાતિઓમાં ભાગલા પાડવાનું કામ કરશે.

પોલીસે લાઠીચાર્જ કરીને પ્રદર્શનકારીઓને ભગાડ્યા
બંજારા અને ભોવી સમુદાયના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ યેદિયુરપ્પા અને સીએમ બસવરાજ બોમાઈના પોસ્ટરો પણ સળગાવી દીધા. પોલીસે લાઠીચાર્જ કરીને પ્રદર્શનકારીઓને ભગાડ્યા અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો. આ દરમિયાન એક પોલીસકર્મીને ઈજા પહોંચી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post