• Home
  • News
  • રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટાં વચ્ચે ભારે પવન ફૂંકાતાં અનેક મકાનોનાં પતરાં ઊડ્યાં, પાટણમાં ખુરસીઓ ઊડી, ચોટીલા ડુંગરનો અદભુત નજારો
post

પાટણ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને પગલે મંગળવારે સવાર 10 વાગ્યાથી જોરદાર પવન ફૂંકાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-30 18:29:33

પાટણ: હવામાન વિભાગની અગાહીને લઈ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ બેટિંગ કરી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લા સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં પવનની તોફાની બેટિંગ સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનને લઇને વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઊડી રહી છે. તો પાટણમાં ઘરનાં પતરાં અને બેસવા માટેની ખુરસી ઊડતી જોવા મળી હતી. ભારે પવન અને ધૂંધળા વાતાવરણમાં ચોટીલા ડુંગરનાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં. તો આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં અદભુત નજારો જોવા મળ્યો હતો.

રાજ્યની ફરતે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ રાજ્યને ધમરોળી રહ્યો છે. રવિવારે સાંજે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સોમવારે પણ કમોસમી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. આજે વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા, નડિયાદ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે સવારના 10 વાગ્યા પછી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

પાટણમાં પતરાં અને ખુરસીઓ ઊડી
પાટણ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને પગલે મંગળવારે સવાર 10 વાગ્યાથી જોરદાર પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક મકાનોનાં પતરાં ઊડ્યાં હતાં અને ચાની કીટલી અને હોટલની ખુરસીઓ ઊડી હતી. તો ધારપુર મેડિકલ કોલેજના શેડનાં પતરાં ઊડતાં ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ, ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે આ અણધારી આફતને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોચ્યું છે.


ધ્રાંગધ્રાના રણમાં પવન સાથે વાવાઝોડું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં પવનના સુસવાટા વચ્ચે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રણમાં મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સીઝનમાં જોરદાર વાવાઝોડાથી અગરિયા સમુદાય મુસીબતમાં મુકાયો છે. પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ સુસવાટા મારતા પવન સાથે જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં રણમાંથી મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સીઝનમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ દયનીય હાલતમાં મુકાયા હતા.

રણમાં મીઠું ખેંચતા ડમ્પર અને ટ્રકચાલકો મુશ્કેલીમાં મુકાયા
બીજી બાજુ, રણમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે રસ્તા દેખાવાનું પણ બિલકુલ બંધ થઇ જતાં રણમાં મીઠું ખેંચતા ડમ્પર અને ટ્રકચાલકો પણ કફોડી હાલતમાં મુકાયા હતા. તેઓ રસ્તામાં સાઇડમાં વાહનો ઊભાં રાખીને તોફાન શાંત થવાની પ્રતીક્ષામાં લાગ્યા હતા. જ્યારે રણકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડાના કારણે વીજ થાંભલાઓ અને વૃક્ષો ધરાશાયી થવાની સાથે કેટલીક જગ્યાએ પતરાં ઊખડી જવાના બનાવો પણ સામે આવ્યા છે.

ખેડૂતોને ભારે નુકસાન, હાથમાં આવેલો કોળિયો છીનવાયો
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચરોતરની વાત કરીએ તો ચરોતરમાં ખેડૂતો ખાસ કરીને હાલમાં બાજરીનો પાક થયો છે. ઘણા ખેડૂતોની બાજરી કાપીને હાલમાં ખેતરમાં પડી છે. ત્યારે સવા ઈંચ વરસાદ પડતાં આ બાજરીના પાકને નુકસાન થયું છે. જોકે જેમની બાજરી ઊભી છે તેવા ખેડૂતોને નુકસાન નથી, પરંતુ કાપેલી બાજરીને નુકસાન છે તો બીજી બાજુ આંબાની કેરીઓ પડી ગઈ છે.

કંડલા પોર્ટ પર પવનના જોરથી ક્રેઈન ખસકી
મંગળવારે કચ્છ અને ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો કંડલા પોર્ટ પર પવનના જોરથી ક્રેન આપોઆપ ખસકી ગયાં હતાં અને ચાર ક્રેઈન એકબીજા સાથે ટકરાયાં હતાં. જોકે કાર્ગો હેલિંગ ન હોવાના લીધે મોટી નુકસાની ટળી હતી. કચ્છના ગાંધીધામ, આદિપુર, અંજાર અને કંડલામાં બપોર બાદ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

જેતપુરમાં પતરાં ઊડતાં એક વ્યક્તિનું મોત
બપોર બાદ રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી અને જેતપુર પંથકમાં કરાં સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. જેતપુરમાં ભારે પવનને કારણે પતરાં ઊડતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 2 લોકો ઇજાગ્રસ્ત​ થયા હતા.​​​​​​ બીજી બાજુ અંજાર શહેરમાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના સામે આવી હતી. અંજારના મોડસર ગામે વીજળી પડતાં 28 જેટલાં પશુઓનાં મોત થયાં હતાં. તો બીજી ઘટનામાં બંધ મકાનમાં વીજળી પડતાં અંદર રહેલી ઘરવખરી અને એક વાહન બળીને ખાખ થઈ ગયાં હતાં.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post