• Home
  • News
  • હૈદરાબાદે રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું:IPL 2020માં હૈદરાબાદ પહેલીવાર ચેઝ કરતા મેચ જીત્યું, પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચ્યું, પાંડે અને શંકરની અણનમ ફિફટી
post

મનીષ પાંડે અને વિજય શંકરે ત્રીજી વિકેટ માટે 140* રનની ભાગીદારી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 11:00:56

IPL 2020ની 40મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 155 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.1 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. સનરાઇઝર્સ ચાલુ સીઝનમાં પહેલીવાર ચેઝ કરતા મેચ જીત્યું છે. હૈદરાબાદ માટે મનીષ પાંડેએ પોતાના IPL કરિયરની 18મી ફિફટી ફટકારતા 47 બોલમાં 4 ફોર અને 8 સિક્સની મદદથી 83* રન કર્યા. તેણે વિજય શંકર (52 રન, લીગમાં ત્રીજી ફિફટી) સાથે ત્રીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી કરી. આ મેચ જીતીને હૈદરાબાદ હવે 8 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગયું છે. જ્યારે રોયલ્સ એક સ્થાનના નુકસાન સાથે સાતમા ક્રમે જતું રહ્યું છે. 

સનરાઇઝર્સ માટે પહેલીવાર ભારતીય જોડીએ 100 રનની ભાગીદારી કરી
મનીષ પાંડે અને વિજય શંકરની જોડીએ હૈદરાબાદને મેચ જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી. 16 રનમાં જોની બેરસ્ટો અને ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવ્યા બાદ તેમણે બાજી સંભાળી હતી. હૈદરાબાદ વતી 24મી વખત કોઈ જોડીએ 100+ રનની ભાગીદારી કરી છે. અગાઉ 23એ વખત પાર્ટનરશિપમાં કોઈ એક વિદેશી ખેલાડી સામેલ જ હતો. આવું પહેલીવાર થયું છે કે, જ્યારે હૈદરાબાદ માટે બંને ભારતીય ખેલાડીઓની જોડીએ પહેલીવાર 100 રનની ભાગીદારી કરી છે.

આર્ચરે હૈદરાબાદી ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા
જોફરા આર્ચરે ઘાતક બોલિંગ કરતા હૈદરાબાદની ખતરનાક ઓપનિંગ જોડીને સસ્તામાં પેવેલિયન ભેગી કરી હતી. ડેવિડ વોર્નર આર્ચરની બોલિંગમાં સેકન્ડ સ્લીપમાં બેન સ્ટોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 3 બોલમાં 4 રન કર્યા હતા. જ્યારે જોની બેરસ્ટો 10 રને આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

રાજસ્થાને 155 રનનો ટાર્ગેટ આપ્યો, હોલ્ડરે 3 વિકેટ લીધી
રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઈ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન કર્યા છે. તેમના માટે સંજુ સેમસને સર્વાધિક 36 રન કર્યા. જ્યારે બેન સ્ટોક્સે 30, રિયાન પરાગે 20 અને સ્ટીવ સ્મિથે 19 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ માટે જેસન હોલ્ડરે 3 વિકેટ ઝડપી.

બટલર અને સ્મિથ નિષ્ફ્ળ રહ્યા
જોસ બટલર અને સ્ટીવ સ્મિથ સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. બટલર 9 રને વિજય શંકરની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર શાહબાઝ નદીમના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી સ્મિથ હોલ્ડરની બોલિંગમાં લોન્ગ-ઓન પર મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો હતો. સ્મિથે 15 બોલમાં 2 ફોરની મદદથી 19 રન કર્યા હતા.

સ્ટોક્સ અને સેમસનની 56 રનની ભાગીદારી
બેન સ્ટોક્સ અને સંજુ સેમસને બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. સેમસને 26 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 36 રન કર્યા હતા. તે હોલ્ડરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે સ્ટોક્સે ક્રિઝ પર સંઘર્ષ કરતા 32 બોલમાં 2 ફોરની મદદથી 30 રન કર્યા હતા. તે રાશિદ ખાનની બોલિંગમાં ફ્લિક કરવા જતા બોલ્ડ થયો હતો.

103 બોલ રમવા છતાં સિક્સ મારી નથી શક્યો સ્ટોક્સ
રાજસ્થાન રોયલ્સનો સ્ટોક્સ આ IPLમાં હજી સુધી 103 બોલ રમ્યો છે, તેમ છતાં હજી સુધી સિક્સ મારી શક્યો નથી. તેણે 14 ફોર મારી છે અને 22ની એવરેજથી 110 રન કર્યા છે. આ સીઝનમાં તેનો સર્વાધિક સ્કોર 41 રન કર્યા છે. હૈદરાબાદ સામે આજે 30 રને રાશિદ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ગઈ સીઝનમાં તે 9 મેચમાં માત્ર 4 સિક્સ જ મારી શક્યો હતો.

સ્ટોક્સને જીવનદાન: બેન સ્ટોક્સ 17 રને રમી રહ્યો હતો ત્યારે રાશિદ ખાનની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર વિજય શંકરે તેનો કેચ છોડ્યો હતો.

રોબિન ઉથપ્પા જેસન હોલ્ડર દ્વારા રનઆઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 19 રન કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post