• Home
  • News
  • સુપ્રીમ કોર્ટનો મહારાષ્ટ્ર સરકારને આંચકો, હવે આરે કૉલોનીમાં વૃક્ષો નહીં કાપી શકાય
post

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે કાપવામાં આવી રહેલા આરે કૉલોનીના વૃક્ષોનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-07 11:29:48

નવી દિલ્હી : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે કાપવામાં આવી રહેલા આરે કૉલોનીના વૃક્ષોનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આજે વૃક્ષો કાપવા વિરુદ્ધની અરજી પર સુનાવણી કરતાં મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો કે, વૃક્ષો કાપવાની કામગીરી તાત્કાલીક રોકી દેવામાં આવે.

હવે આ મામલા પર 21 ઑક્ટોબરે આગામી સુનાવણી થશે. વૃક્ષો કાપવા પર 14 ઑક્ટોબર સુધી રોક ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્ર સરકારનો પક્ષ રજૂ કરતાં તુષાર મહેતાએ કહ્યુ કે, હવે સરકાર કોઈ વૃક્ષ નહીં કાપે. જસ્ટિસ મિશ્રાએ કહ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર રિપોર્ટ આપે અને કોર્ટને જણાવે કે અત્યાર સુધી આરેમાં કેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે.

તેની સાથે જ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે આરેમાં વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહેલા જે લોકોની અટકાયત કરવામાં આવી હતી, તેમને તાત્કાલીક મુક્ત કરવામાં આવે. તેની સાથે જ કોર્ટે એમ પણ કહ્યુ કે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ આ કેસમાં એક પાર્ટી તરીકે સામેલ કરવામાં આવે.

આરે કૉલોનીમાં વૃક્ષોની નિકંદનની વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને પૂછ્યું છે કે શું તમારી પાસે એ વાતના પુરાવા છે કે આરે પહેલા જંગલ કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતું હતું અને જો એવું હતું તો સરકારે તેને બદલ્યું? કોર્ટે કાર્યકર્તાઓને કહ્યું કે તેના માટે તમે અમને એપ્રોચ ડોક્યુમેન્ટ બતાવો, મીડિયા રિપોર્ટ્સ નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતા મહારાષ્ટ્ર સરકાર તરફથી પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણની સ્પેશલ બેંચ મામલાની સુનાવણી કરી રહી છે.

કાયદાનો અભ્યાસ કરનારા તરફથી વૃક્ષોના કાપવાના વિરોધમાં લખવામાં આવેલા પત્રને સુપ્રીમ કોર્ટે જાહેરહિતની અરજી તરીકે સ્વીકારી હતી. તેની સાથે જ મામમલાની સુનાવણી માટે પણ હા પાડી. રવિવારે જ કોર્ટે સ્પેશલ બેન્ચની રચના પણ કરી દીધી હતી. મેટ્રો કાર શેડ બનાવવા માટે આરે કૉલોનીમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ બીએમસીએ વૃક્ષો કાપવાની કાર્યવાહી શરૂ કરી હતી.

કાયદાનો અભ્યાસ કરી રહેલા ઋષભ રંજન તરફથી વૃક્ષો કાપવા પર રોક માટે લખવામાં આવેલા પત્રને સુપ્રીમ કોર્ટ જાહેરહિતની અરજી (PIL) તરીકે સ્વીકાર કરી લીધો છે. અરજીકર્તાનું કહેવું છે કે સરકાર ખૂબ જ ઉતાવળમાં આ નિર્ણય લઈ રહી છે. આરેમાં કુલ 2,700 વૃક્ષો કાપવાની યોજના છે, જેમાંથી 1,500 વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post