• Home
  • News
  • કોરોના દર્દીઓના ફેફસાં મજબૂત કરવા સુરત સિવિલના તબીબોએ અપનાવી 'સ્પાઈરોમેટ્રી કસરત’
post

એક માસ સુધી સ્પાઈરોમેટ્રી કસરત કરવાથી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે: ડો. અજય પરમાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 12:12:40

નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાંને મજબૂત કરવા સ્પાઈરોમેટ્રીની કસરતની પદ્ધતી અપનાવી છે. સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે. તબીબી વિશ્વમાં બ્રિધીંગ એક્સરસાઈઝ તરીકે પ્રચલિત આ પ્રકારની કસરતને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓના ફેફસાં મજબુત કરવા માટે અપનાવવામાં આવી છે.

સ્પાઈરોમેટ્રીની કસરત ફેફસા માટે ઉત્તમ-ડોક્ટર
સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો. અજય પરમારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ ફેફસાંને અસર કરે છે, અને શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે વાયુકોષોની વાયુની આપ-લે કરવાની ક્ષમતા રહેતી નથી. જેને તબીબી ભાષામાં 'પલ્મોનરી ફાઈબ્રોસિસ' થયું તેમ કહેવાય છે. ફેફસાનાં જેટલા ભાગનાં વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાનું મુખ્ય કાર્ય શ્વસનનું છે. જેના દ્વારા ઓક્સિજન મેળવી લોહી દ્વારા સંપૂર્ણ શરીરનાં કોષોને પહોંચાડે છે. કોરોનાથી ફેફસા નબળા થયાં હોય અને ફ્રાઈબ્રોસિસની અસર થઈ હોય તેવા દર્દી માટે સ્પાઈરોમેટ્રીની કસરતસંજીવની સમાન સાબિત થાય છે. જે દર્દીઓને ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેમણે એક મહિના સુધી સ્પાઈરોમેટ્રી કસરત ચાલુ રાખવાથી નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

માંડવીના માર્ગ અને મકાન વિભાગના કર્મચારી આ કસરતથી સાજા થયા
માંડવીના રહેવાસી અને માંડવીના માર્ગ અને મકાન વિભાગમાં પ્યુન તરીકે ફરજ નિભાવતા 56 વર્ષીય નટવરભાઈ મોરેને આ કસરત નિયમિતપણે કરાવવાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. અને ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. કોરોનાની 24 દિવસની સારવાર બાદ તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી છે. આ પ્રકારના ઘણાં દર્દીઓને આ કસરત કરાવવામાં આવે છે. જેના સારા પરિણામો મળ્યા છે.

શું છે સ્પાઈરોમીટર?
કોરોનાના ગંભીર કેસોમાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં રૂકાવટ થતાં શરીરને મળતો ઓક્સિજન પુરવઠો અટકવાથી જીવિત રહેવું શક્ય બનતું નથી. એટલે દર્દીને શ્વસન ક્રિયા સુગમ બને તે માટે સ્પાઈરોમીટર ઉપયોગી બને છે. આ એક ખાસ બનાવટનું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ફેફસાં દ્વારા વેન્ટિલેશન, શ્વાસ અને ઉચ્છવાસમાં લેવાયેલી હવાની ગતિને માપે છે અને ધીમા અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post