• Home
  • News
  • સુરતની સિવિલમાં કૌભાંડ:દર્દીનાં ખોટાં નામથી 150 રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી દેવાયાં, સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ તપાસના આદેશ આપ્યા
post

કલેકટરે 3000માંથી ખાનગી હોસ્પિટલોને 1200 ફાળવ્યાં, દર્દીદીઠ એક ઈન્જેકશન અપાયું

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 11:59:40

સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ ન કરાયા તેવા દર્દીઓનાં નામે રેમડેસિવિર ઈન્જેકશન બતાવી દઈ બારોબાર સગેવગે કરી દેવાયાનું કૌભાંડ બહાર આવ્યુ છે. 150 ઈન્જેકશનનો હિસાબ ન મ‌ળતાં સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ તપાસના આદેશ આપ્યા છે. નિયમ મુજબ, વોર્ડમાં દાખલ હોય તેવા જ દર્દીઓને ઈન્જેકશન ફાળવવામાં આવે છે, પરંતુ મેડિકલ સ્ટોરના રજિસ્ટ્રેશનમાં દર્દી દાખલ ન હોય તેમના નામે ઈન્જેકશન ફાળવાયાં હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બીજી તરફ, કલેકટરે સોમવારે 3000માંથી ખાનગી હોસ્પિટલોને 1200 જેટલાં ઈન્જેકશન ફાળવ્યાં હતાં. પ્રત્યેક દર્દી માટે એક જ આપવામાં આવે છે અને સ્ટોક હશે ત્યાં સુધી જ ખાનગી હોસ્પિટલને અપાશે તેવી સ્પષ્ટતા પણ કલેકટરે કરી છે. ભાજપ કાર્યાલયેથી પણ 900 લોકોને મફત ઈન્જેકશન આપવામાં આવ્યાં હતાં.

શહેર-જિલ્લામાં નવા 1469 કેસ, 19નાં મૃત્યુ
સોમવારે શહેર જિલ્લામાં કોરોનાના નવા 1469 કેસ સામે આવ્યા હતા, જ્યારે 19 લોકોનાં સરકારી ચોપડે મોત નોંધાયાં હતાં. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ 80 અને સ્મિમેર હોસ્પિટલમાં 26 લોકોના કોરોનાને લીધે મોત થયાં હતાં. સોમવારે નવા કેસ ઉમેરાતાં શહેર જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 76,416 પર પહોંચી ગઈ છે, જયારે સરકારી ચોપડે શહેર જિલ્લામાં 1302 મોત થઇ ચૂક્યાં છે. શહેરમાં 627 અને જિલ્લામાં 161 લોકો મળી કુલ 788 લોકોને સોમવારે રજા આપી દેવામાં આવી હતી. અઠવા ઝોનમાં સૌથી વધુ 199 કેસ નોંધાયા હતા, જ્યારે રાંદેર ઝોનમાં 196 કેસ નોંધાયા હતા. સૌથી ઓછા કેસ ઉધનામાં 114 નોંધાયા હતા.

અઠવામાં સૌથી વધુ 199 કેસ

ઝોન

નવા કેસ

સેન્ટ્રલ

123

વરાછા એ

146

વરાછા બી

120

રાંદેર

196

કતારગામ

156

લીંબાયત

120

ઉધના

114

અઠવા

199

કુલ

1174

સિવિલ હોસ્પિટલમાં 877 દર્દી ઓક્સિજન પર
શહેરની સ્મિમેર અને સિવિલ હોસ્પિટલ મળી કુલ 1241 દર્દી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 877 દર્દી ઓક્સિજન પર,175 દર્દી બાયપેપ પર અને 14 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. આવી જ રીતે સ્મિમેર હોસ્પિટલમાં 191 દર્દી ઓક્સિજન પર, 72 દર્દી બાયપેપ પર અને 12 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે 18 દર્દીનાં મૃત્યુ થયાં છે, તેમાંથી મોટા ભાગના 60થી ઉપરના છે.

બેડની અછત ટાળવા હવે શહેરના તમામ ઝોનની નાની-મોટી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ કરાશે
શહેરમાં બેડની અછત ઊભી થતાં હવે પાલિકાએ તમામ ઝોનની નાની-મોટી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી દેવા કવાયત હાથ ધરી છે. સંખ્યાબંધ હોસ્પિટલો સાથે એમઓયુ કરાયા હોવાનું અધિકારીઓનું કહેવું છે. બીજી તરફ, ખાનગી હોસ્પિટલો હવે ગરીબ દર્દીઓને સિવિલ કે સ્મિમેર હોસ્પિટલમાં બારોબાર મોકલી શકશે નહીં. દર્દીને સરકારી હોસ્પિટલમાં મોકલતાં પહેલાં હવે હોસ્પિટલે જે-તે ઝોનના આસિસ્ટન્ટ કમિશનરને જાણ કરવાની રહેશે. જોકે આ નિયમ કેવી રીતે અમલી કરી શકાશે એ એક સવાલ છે.

ઈન્જેકશન લેવા ખાનગી હોસ્પિટલોએ ફોર્મ ભરવું પડશે
રાજય સરકારે કલેકટરને 3000 ઈન્જેકશન ફાળવ્યાં હતાં. સોમવારથી તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે જે ખાનગી હોસ્પિટલોએ ઈન્જેકશન લેવાનું હોય તેમણે કલેકટરે નિયત કરેલું ફોર્મ ભરીને આપવાનું રહેશે. કલેકટરે વધુ એક વખત સ્પષ્ટતા કરી હતી કે ખાનગી હોસ્પિટલો દર્દીનાં સગાંને ઈન્જેકશન લેવા મોકલી શકશે નહીં. હોસ્પિટલે જાતે જ ઈન્જેકશન લેવા નવી સિવિલ હોસ્પિટલમાં જવાનું રહેશે. સ્ટોક હશે ત્યાં સુધી જ હોસ્પિટલોને ઈન્જેકશન મળશે અને પ્રત્યેક દર્દીદીઠ એક ઈન્જેકશન આપવાામાં આવશે. દરેક દર્દીના આરટીપીસીઆર ટેસ્ટની કોપી પણ રજૂ કરવાની રહેશે.

સાત સામે FIR કરવામાં આવી
શહેરમાં કોરોનાની ખૂબ જ ગંભીર સ્થિતિ સર્જાઇ છે. આવી સ્થિતિમાં હજુય ઘણા લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા નથી. સુરત મહાનગરપાલિકાએ હવે કોવિડ ગાઇડલાઇન્સનો ભંગ કરનારા સાત લોકો સામે પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગંભીર ન હોય તેવા દર્દીઓને બિલ્ડિંગ બહાર જ તપાસવામાં આવે છે
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોવિડ કેર હોસ્પિટલમાં હવે માત્ર ગંભીર દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે, જ્યારે ગંભીર ન હોય તેવા દર્દીઓને બિલ્ડિંગ બહાર જ સ્ટ્રેચર પર તપાસવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post