• Home
  • News
  • ગુજરાતમાં હૃદયનું દાન કરાવવામાં સુરત અવ્વલ, છેલ્લાં 7 વર્ષમાં 14 મહિનાના બાળકના હૃદય સહિત 36 હૃદયનાં દાન થયાં
post

દેશમાં સૌથી નાની ઉંમરના 14 મહિનાના બાળકનું હૃદયદાન સુરતમાંથી થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-29 10:42:08

હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગ્રત કરવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ પ્રત્યે જાગ્રત કરવાનો છે. ગુજરાતમાં હૃદયદાન કરાવવામાં સુરત અવ્વલ છે. છેલ્લાં સાત વર્ષમાં સુરતમાંથી 36 જેટલાં હૃદયનાં દાન કરવામાં આવ્યાં છે, જ્યારે ગુજરાતભરમાં કુલ 47 હૃદયનાં દાન થયાં છે.

સુરતમાંથી દાન થયેલાં સૌથી વધુ 22 હૃદય મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ
પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ વખત આંતરરાજ્ય હૃદયદાન કરાવવાનું શ્રેય ગુજરાત, સુરતને ફાળે જાય છે. ગુજરાતમાં સૌથી વધુ હૃદયનાં દાન કરાવવામાં સુરત શહેર મોખરે છે. ગુજરાતમાંથી અત્યારસુધી 47 હૃદયના દાન થયા છે. સુરતમાંથી 36 હૃદય દાન કરાવવામાં આવ્યા છે. જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી નાની ઉંમરના 14 મહિનાના બાળકનું હૃદયદાન કરાવવાનું શ્રેય પણ સુરતને જાય છે.

યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં સુરતીઓના હૃદય ધબકી રહ્યા છે
સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હૃદયદાનમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત હૃદયદાનમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

છેલ્લા 5 વર્ષમાં હૃદયની સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો
આજના સમયમાં ઇનએક્ટીવ લાઇફસ્ટાઇલ અને ભોજનની ખરાબ આદતોને કારણે નાની ઉંમરથી લઇને વૃદ્ધો સુધી ઘણાબધા લોકો હૃદય રોગથી પીડાતા હોય છે. ભારતમાં છેલ્લા 5 વર્ષમાં હૃદયની સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખવું જોઈએ, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વોકિંગ, સાઇકલિંગ કે યોગા કરવા જોઈએ, મીઠુ, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો ખાવો જોઈએ. ભોજનમાં ફળ અને સલાડનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.

હૃદય નિષ્ફળતાના દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ જ એક ઈલાજ
આપણા શરીરમાં હૃદય એક એવું અવયવ છે જે ખરાબ થઇ ગયા પછી વ્યક્તિનું જીવન જોખમમાં મુકાય છે. કોઈ વ્યક્તિને હૃદયની બીમારીને કારણે તેના હૃદયનું પમ્પીંગ 10 કે 15 ટકા જેટલું થઇ જતા, પાંચ ડગલા ચાલતા તેનો શ્વાસ ફૂલવા માંડે છે, ખાવા-પીવામાં મર્યાદા આવે છે, પોતાનું જીવન પથારી ઉપર જ વ્યતીત કરવું પડે છે. આવા હૃદય નિષ્ફળતાના દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ જ એક ઈલાજ છે. આવા દર્દીઓને ત્યારે જ નવું જીવન મળે કે જ્યારે કોઈ બ્રેનડેડ વ્યક્તિના હૃદયનું દાન કરાવવામાં આવે.

adv

Related News

post
post
post
post
post
post
post