• Home
  • News
  • સુશાંતના પિતાના રિયા ઉપર 7 આરોપ / પુત્રને કોઈ માનસિક બીમારી ન હતી, રિયાના સંપર્કમાં આવવાથી અચાનક શું થયું? જે ડોક્ટરોએ સારવાર કરી તે પણ રિયાના ષડયંત્રમાં સામેલ
post

સુશાંત સિહના પિતા કેકે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી, તેની માતા, પિતા, ભાઈ અને બે મેનેજર સામે FIR નોંધાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 08:59:24

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં હવે જબરદસ્ત વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કે.કે. સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કે.કે. સિંહે અમુક ફિલ્મી હસ્તીઓ પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જોકે એમણે કોઈની સામે નામજોગ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ કે.કે. સિંહે નોંધાવેલી ફરિયાદમાં સુશાંતના એકાઉન્ટમાંથી 17 કરોડ રૂપિયા ઉપાડી લેવાયા હોવાની વાત છે. સાથોસાથ નોંધવાલાયક વાત એ છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ પર આ પૈસા ઉપાડી લેવાનો આરોપ છે. કેકે સિંહે કહ્યું છે કે 2019 સુધી પુત્રને કોઈ માનસિક બીમારી ન હતી. રિયાના સંપર્કમાં આવતા જ અચાનક શું થઈ ગયું? તેમણે કહ્યું જે ડોક્ટરોએ સુશાંતની સારવાર કરી તે પણ રિયા સાથે ષડયંત્રમાં સામેલ હતા. આ વાતની તપાસ થવી જોઈએ.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુશાંતના પિતાએ પોલીસને ઘણી મહત્ત્વની બાતમી પણ આપી છે. તે પ્રમાણે પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ ફરિયાદ નોંધી છે. SSP ઉપેન્દ્ર શર્માએ તપાસ માટે ચાર પોલીસ અધિકારીઓની એક ટીમ પણ મુંબઈ મોકલી છે. ચારેય પોલીસ અધિકારીઓ મુંબઈ પહોંચી ગયા છે. હવે મુંબઈ પોલીસની મદદ લઈને આ કેસની તપાસ આગળ વધારવામાં આવશે.

સુશાંતના પિતાના 7 આરોપ

1.  2019 પહેલા મારા પુત્ર સુશાંતને કોઈ માનસિક બીમારી ન હતો તો રિયાના સંપર્કમાં આવવાથી અચાનક શું થઈ ગયું? સુશાંત સિહને માનસિક રીતે શું મુશ્કેલી આવી ગઈ તેની તપાસ થવી જોઈએ.

2.  જો માનસિક સારવાર ચાલી રહી હતી તો આ સંબંધમાં અમારી પાસેથી લેખિત કે મૌખિક પરવાનગી કેમ લેવામાં ન આવી? કારણ કે જ્યારે કોઈ માનસિક રીતે બીમાર થઈ જાય તો તેના તમામ અધિકાર તેના પરીવાર પાસે હોય છે, આ પણ તપાસ થવી જોઈએ.

3.  આ દરમિયાન જે જે ડોક્ટરોએ રિયાના કહેવાથી મારા પુત્ર સુશાંત સિંહની સારવાર કરી છે, મને લાગે છે તે ડોક્ટર પણ રિયા સાથે ષડયંત્રમાં સામેલ હતા. એ વાતની પણ તપાસ થવી જોઈએ કે તેઓએ શું શું સારવાર કરી હતી? મારા પુત્રને કઈ કઈ દવા આપી હતી?

4.  રિયાને જ્યારે ખ્યાલ આવ્યો કે મારા પુત્રની માનસિક સ્થિતિ નાજુક ચાલી રહી હોય તો તે સ્થિતિમાં તેની યોગ્ય રીતે સારવાર ન કરાવવી અને સારવારના તમામ કાગળો પાતની સાથે લઈ જવા તેમજ મારા પુત્રને નાજુક સ્થિતિમાં એકલો છોડી તેની સાથેના તમામ સંપર્કો તોડી નાખવાના કારણે મારા પુત્રએ આત્મહત્યા કરી છે.

5.  સુશાંત સિંહ ફિલ્મ લઈનને છોડીને, કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છતો હતો.જ્યારે તેનો મિત્ર તેની સાથે કેરળ જવા માટે ત્યાર હતો ત્યારે રિયાએ આ વાતનો વિરોધ કર્યો હતો કે તું ક્યાય નહીં જાય. જો મારી વાત નહીં માન તો મીડિયામાં તારા મેડીકલ રિપોર્ટ આપી દઈશ કે તુ પાગલ થઈ ગયો છે. જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત સિંહ તેની વાત માની રહ્યો નથી અને તેનું બેન્ક બેલેન્સ પણ ઓછું થઈ ગયું છે. ત્યારે રિયાએ વિચાર્યું કે હવે સુશાંતનું ઘર તેના માટે કોઈ કામનું નથી. તો રિયાએ સુશાંતના ઘરેથી લેપટોપ, કેશ, ઘરેણાં, ક્રેડિટ કાર્ડ, સારવારના દસ્તાવેજો, પિન નંબર, પાસવર્ડ સાથે લઈને જતી રહી હતી. આ બાબતની પણ તપાસ થવી જોઈએ.

6.  આ પ્રકરણ અગાઉ જ સુશાંતનું ફિલ્મ જગતમાં નામ હતું તો એવું કયું કારણ હતું કે રિયાના આગમન બાદ સુશાંત સિંહને ફિલ્મો મળવાનું એકદમ ઓછું થઈ ગયું, આ અંગે તપાસ થવી જોઈએ.

7.  મારા દિકરાના બેન્ક ખાતાના સ્ટેટમેન્ટથી જાણ થઈ છે કે આશરે 17 કરોડ રૂપિયા મારા દિકરાના બેન્ક ખાતામાં હતા, છેલ્લા 1 વર્ષમાં 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા છે. જે જગ્યાએ આ નાણાં ટ્રાન્સફર થયા છે તેની સાથે મારા દિકરાને કોઈ જ લેવા-દેવા ન હતું. મારા દિકરાના તમામ ખાતાની તપાસ કરવામાં આવે. આ બેન્ક ખાતા/ક્રેડિટ કાર્ડથી કેટલા નાણાં રિયાએ તેના પરિવાર તથા સંબંધિઓ સાથે છેતરપિંડી અને ષડયંત્રથી ઠગ્યા છે?

સુશાંતની ત્રણ કંપનીઓમાંથી બેમાં રિયા ડાયરેક્ટર હતી
સુશાંતે શરૂ કરેલી ત્રણ કંપનીઓમાંથી બેમાં એની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડાયરેક્ટર હતી. એક કંપનીમાં રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી એડિશનલ ડાયરેક્ટર હતો. પહેલી પૂછપરછમાં રિયાએ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની માહિતી પોલીસને નહોતી આપી. ત્રણેય કંપનીઓમાં સુશાંતે પોતાની કમાણીનો મોટો હિસ્સો ઈન્વેસ્ટ કર્યો હતો. સુશાંતની આત્મહત્યાના કેસમાં પોલીસે રિયા સાથે સતત 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. જ્યારે સામે પક્ષે રિયાએ જ સામે ચાલીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આ કેસમાં CBI તપાસની માગ કરી હતી.

કંગનાનો આરોપ- રિયા અને મહેશ ભટ્ટ ભેદી રીતે ગાયબ થઈ ગયેલાં
સુશાંતના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાયાના સમાચાર આવતાં જ કંગના રણૌત તરફથી પણ ચોંકાવનારી માહિતી આવી છે. એણે ટ્વિટર પર લખ્યું છે કે, ‘રિયા છેલ્લા છ મહિનાથી સુશાંતની સાથે હતી. એણે મહેશ ભટ્ટને પોતાના મનોચિકિત્સક તરીકે રાખ્યા હતા, અને સુશાંતના મોતના માત્ર બે જ દિવસ પહેલાં બંને રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલાં. આનંદ એ વાતનો છે કે હવે આ સમગ્ર વાતની તપાસ થશે.

બિહાર પોલીસ મુંબઈ પહોંચી
મુંબઈ પહોંચેલી ચાર પોલીસ અધિકારીઓની ટીમે મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારી સાથે વાત પણ કરી છે અને સુશાંતની કેસ ડાયરીની કોપી પણ માગી છે.

મુંબઈ પોલીસની પણ તપાસ ચાલુ
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ વીજળી વેગે તપાસ કરી રહી છે. આ મુદ્દે મંગળવારે ધર્મા પ્રોડક્શન્સના CEO અપૂર્વ મહેતાની પણ પોલીસે પૂછપરછ કરી હતી. તેના એક દિવસ અગાઉ સોમવારે મહેશ ભટ્ટ સાથે પણ મુંબઈ પોલીસે સાંતાકૃઝ પોલીસ સ્ટેશનમાં લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી.

NCPના નેતા અજિત પવારના દીકરા પાર્થ પવારે પણ સુશાંતના કેસમાં CBI તપાસની માગ કરી છે. એણે આ બાબતનો એક પત્ર પણ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને સોંપ્યો હતો.

કંગનાએ વ્યાવસાયિક કિન્નાખોરીના ગંભીર આરોપો લગાવ્યા છે
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં થઈ રહેલી પોલીસ તપાસ હવે સંપૂર્ણપણે વ્યાવસાયિક કિન્નાખોરીના એન્ગલ પર થઈ રહી છે. અભિનેત્રી કંગના રણૌતે પણ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં બોલિવૂડમાં વાડાબંધીના આરોપ લગાવ્યા હતા. એણે કહેલું કે બોલિવૂડમાં ઘણા કેમ્પ બહારના લોકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા દેતા નથી. કંગનાના આક્ષેપો પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહેલું કે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે અને જેમની પણ જરૂર જણાશે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

અત્યાર સુધીમાં 39 લોકોની જુબાની લેવાઈ ચૂકી છે
અનિલ દેશમુખના જણાવ્યા પ્રમાણે આ કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 39 લોકોની જુબાની નોંધી છે.

14 જૂને સુશાંતે આત્મહત્યા કરેલી
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રાસ્થિત પોતાના ફ્લેટમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આવું આત્યંતિક પગલું ભરવા પાછળ ડિપ્રેશનનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુશાંતના પરિવારે પોલીસને જે માહિતી આપી છે તે પ્રમાણે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. તેમની સુશાંત સાથે દરરોજ વાત થતી હતી. સુશાંતના હાવભાવ પરથી એ સહેજ પણ ડિપ્રેશનમાં હોય તેવું લાગતું નહોતું. સુશાંતના અકાળે મૃત્યુ પછી સતત આ કેસની CBI તપાસની માગ થઈ રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post