• Home
  • News
  • સ્વીટીની કડવી કહાની:ગામના જ યુવાન સાથે લવમેરેજ અને ડિવોર્સ, જેને ગાંધર્વ વિવાહ દ્વારા પતિ બનાવ્યો તેના હાથે જ મોત મળ્યું, અંતિમ સંસ્કાર પણ નસીબ ન થયા
post

સ્વીટીએ બેવાર લવમેરેજ કર્યાં, પહેલા પતિ સાથે ડિવોર્સ અને બીજાએ મોત આપ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 10:50:16

5 જૂનથી ગુમ થયેલી સ્વીટી પટેલની પોલીસ પતિ અજય દેસાઈ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સ્વીટી પટેલના જીવનમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા છે. કોલેજકાળથી લઈ પ્રેમ સંબંધો અને લગ્ન જીવનથી લઈ મૃત્યુ સુધી સ્વીટીની લાઈફ એક ફિલ્મનો સબજેક્ટ બની શકે એવી રહી છે. તો આજે વાત સ્વીટીની કડવી કહાનીની.

કોલેજકાળમાં હેતસના પ્રેમમાં પડી
37
વર્ષીય સ્વીટી મહેન્દ્ર પટેલ મૂળ ઉમરેઠના પણસોરાની વતની હતી. સ્વીટી સૌપ્રથમ તેના જ ગામના અને કોલેજમાં સાથે જ ભણતા યુવાન એવા હેતસ મહેશ પંડ્યાના પ્રેમમાં પડી હતી. હેતસ સાથે કોલેજમાં પ્રેમ પાંગર્યા બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને એક દિવસ બન્નેએ લવ મેરેજ કરી લીધા.

 

બે દીકરાની મા બની અને પતિને છૂટાછેડા આપ્યા
2001
માં લગ્ન કર્યા બાદ સ્વીટી અને હેતસ અમદાવાદ આવતા રહ્યા. સમય જતા સ્વીટીએ રિધમ નામના દીકરાને જન્મ આપ્યો. ત્યાર બાદ તેના ઘરે બીજા દીકરા પ્રનિલનું આગમન થયું. આમ સ્વીટી બે દીકરા અને પતિ સાથે સંસાર જીવન વિતાવવા લાગી. પરંતુ 2014 આવતા આવતા હેતસ અને સ્વીટી વચ્ચે અણબનાવો બનવા લાગ્યા. ત્યાર બાદ બન્નેએ પરસ્પર સહમતિથી ડિવોર્સ લઈ લીધા.

માઈન્ડ પાવર કાર્યક્રમમાં અજયને દિલ દઈ બેઠી
હેતસ સાથે ડિવોર્સ લીધા બાદ 2015માં તે એક સ્કૂલમાં યોજાયેલી માઈન્ડ પાવર નામના કાર્યક્રમમાં ગઈ. જ્યાં તેની મુલાકાત અમદાવાદ રૂરલ LIBના તત્કાલીન PSI અજય અમૃત દેસાઈ સાથે મુલાકાત થઈ. આ મુલાકાત બાદ અજય દેસાઈ અને સ્વીટી પટેલ વચ્ચે અનેક મુલાકાતો થઈ અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. જેથી સ્વીટી અને અજય દેસાઈએ 2016માં રૂપાલના એક મંદિરમાં એકબીજાને હાર પહેરાવી ગાંધર્વ વિવાહ કરી લીધા.

સ્વીટીના પતિએ બીજા લગ્ન કર્યા ને સંસાર સળગ્યો
એક લગ્ન જીવનમાં ભંગાણ આવ્યા બાદ એક વર્ષના ગાળામાં સ્વીટીના બીજા લગ્ન જીવનમાં પણ સમસ્યાઓ થવા લાગી. આ સમસ્યાઓનું મૂળ અજયના 2017માં થયેલા લગ્ન હતા. અજય દેસાઈએ સ્વીટી સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ 2017માં તેના સમાજની યુવતી સાથે લગ્ન કરી લીધા. આમ અજયની એક સામાજિક રીતે સ્વીકારાયેલી પત્ની હતી તો બીજી બાજુ સ્વીટી. અજયના બીજા લગ્ન બાદ સ્વીટી અને અજય વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા.

અણબનાવો વચ્ચે સ્વીટી પ્રેગ્નન્ટ થઈ
જો કે બન્ને વચ્ચેના અણબનાવો વચ્ચે સ્વીટી પ્રેગ્નન્ટ થઈ, પરંતુ સ્વીટીએ 5 મહિના સુધી અજયને પ્રેગ્નન્સી અંગે વાત ન કરી. આ મામલે પણ બન્ને વચ્ચે કંકાસ થવા લાગ્યો. 2019માં તેણીએ અજય દેસાઈના દીકરાને જન્મ આપ્યો.

આમ સ્વીટી ત્રીજા દીકરાની માતા બની. પહેલા બે દીકરા હેતસ થકી તો ત્રીજો દીકરો અજય દેસાઈ દ્વારા થયો. આ દરમિયાન અજય અને સ્વીટી સાથે મેસેજ અને કોલ દ્વારા વાતો થતી રહેતી હતી.

સ્વીટીના અજય સાથે ઝઘડાઓ વધવા લાગ્યા
અજય અને સ્વીટી કરજણના પ્રયોશા સોસાયટીના બંગલોમાં રહેતા હતા. જ્યારે અજયની બીજી પત્ની વડોદરામાં હતી. આ દરમિયાન એકવાર સ્વીટી પણ વડોદરા ગઈ. આમ એક સમયે સ્વીટી અને અજયની પત્ની એક જ શહેરમાં હતી. સ્વીટીના દિવસેને દિવસે અજય સાથે ઝઘડાઓ વધવા લાગ્યા. જેથી અજય માટે એક સાથે બે બે સ્ત્રીઓ સંભાળવી મુશ્કેલ બન્યું. આથી એક દિવસ અજય દેસાઈએ સામાજિક રીતે આડખીલીરૂપ બનેલી સ્વીટીનો કાયમી કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડ્યો.

4 જૂનની રાતનો જોરદાર ઝઘડો સ્વીટીનો જીવ લઈ ગયો
ત્યાર બાદ 4 જૂનની રાત્રે સ્વીટી અને અજય દેસાઇ વચ્ચે લગ્ન સંબધિત વાતને લઇ મોટો ઝઘડો થયો હતો, રાત્રે 12-30 વાગે પીઆઇ દેસાઇએ સ્વીટીનું ગળુ દબાવી હત્યા કરી. બીજા દિવસે સવારે જાણે કંઇ ના બન્યું હોય તેમ સવારે 10.45 વાગે પોતાની કાળા કલરની કંપાસ જીપને ઘરના દરવાજા સુધી લાવી લાશ મૂકી હતી. પત્નીની હત્યા બાદ પીઆઇએ કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી, સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી લઇ ગયા હતા. જ્યાં અવાવરુ હોટેલની પાછળ સ્વીટીની લાશને સળગાવી દીધી.

ઉલ્લેખનીય છે કે, 4 જૂનથી ગુમ થયા બાદ સમગ્ર ગુજરાતમાં સ્વીટીનું રહસ્ય વધુ ઘેરું બન્યું હતું અને પોલીસે તેને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા. પરંતુ 25મી જૂને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ અજય દેસાઈએ પત્ની સ્વીટીની હત્યા કરી હોવાનો સ્વીકાર કરી લીધો અને સ્વીટી ક્યાં છે તે સહિતના અનેક સવાલોના જવાબનો અંત આવ્યો.

ત્રણ દીકરાઓને છોડી અનંતની વાટ પકડી
આમ સ્વીટી પટેલે બે-બે લગ્ન કર્યા અને ત્રણ દીકરાને જન્મ આપ્યો છતાં તેની જિંદગી કડવી જ બનીને રહી, વિધિની વક્રતા તો એ છે કે મોત પણ પતિના હાથે જ મળ્યું. આ સાથે જ 2 વર્ષના અંશ સહિત ત્રણ દીકરા મા વિહોણા બન્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post