• Home
  • News
  • વુમન્સ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ-કેપ્ટન; જેમિમા રોડ્રિગ્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો
post

એશિયા કપનો ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન પ્રમાણે રમાશે. બધી જ ટીમો એકબીજા સામે રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-21 19:35:50

બાંગ્લાદેશમાં 1 ઓક્ટોબરથી યોજાનારા વુમન્સ એશિયા કપ માટે બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. BCCIએ હરમનપ્રીત કૌરને કેપ્ટન બનાવી છે. તો સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. તો જેમિમા રોડ્રિગ્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઈજામાંથી બહાર આવી ગઈ છે. તેને ઈજાના કારણે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ છોડવી પડી હતી. ટીમે ત્રણ વન-ડે મેચની સિરીઝની પહેલી વન-ડેમાં 7 વિકેટે જીતી લીધી હતી, અને 1-0થી લીડ મેળવી લીધી હતી.

એશિયા કપની ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, UAE, થાઈલેન્ડ અને મલેશિયા સામેલ છે. અફઘાનિસ્તાનની ટીમ મેદાને નહિ ઉતરે, કારણ કે ત્યાં સત્તામાં તાલિબાન આવ્યા પછી મહિલાઓને રમવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે.

એક દિવસ અગાઉ જ બહાર પાડ્યું શિડ્યૂલ
એશિયા ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે એક દિવસ પહેલા જ એશિયા કપનો શિડ્યૂલ બહાર પાડ્યો હતો. વુમન્સ ટીમ પોતાના અભિયાનની શરૂઆત 1 ઓક્ટોબરે શ્રીલંકા સામે રમીને કરશે. આ પછી ટીમ મલેશિયા 3 ઓક્ટોબરે અને UAE સામે 4 ઓક્ટોબરે, એટલે કે સતત બે દિવસમાં બે મેચ રમશે. ત્યારપછી ટીમ ઈન્ડિયા 7 ઓક્ટોબરે પાકિસ્તાન અને 8 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમશે. અને ત્યારપછી 10 ઓક્ટોબરે થાઈલેન્ડ સામે મેચ રમશે. ભારતીય ટીમ 10 દિવસની અંદર જ 6 લીગ મેચ રમશે.

રાઉન્ડ રોબિન પ્રમાણે ટુર્નામેન્ટ રમાશે
એશિયા કપનો ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન પ્રમાણે રમાશે. બધી જ ટીમો એકબીજા સામે રમશે. ટૉપ-4 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. સેમિફાઈનલ 11 અને 13 ઓક્ટોબરે રમાશે, જ્યારે ફાઈનલ 15 ઓક્ટોબરે રમાશે.

આ રહી ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, એસ. મેઘના, રિચા ઘોષ, સ્નેહ રાણા, દયાલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ અને કેપી નવગિરે.

સ્ટેન્ડ બાય પ્લેયર્સ: તાનિયા ભાટિયા, સિમરન દિલ બહાદુર.