• Home
  • News
  • ભારતના અનેક ઉદ્યોગોને બેહાલ કરે તેવો ભય, સૌથી વધુ ફટકો ઓટો, એવિએશન અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પડશે
post

અત્યાર સુધીમાં હોટેલોમાં 50%થી વધુ બુકિંગ અને વેકેશનના પ્લાન કેન્સલ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-03 12:02:09

અમદાવાદ. કોરોના મહામારીના કારણે વિશ્વભરના અર્થતંત્રને ખરાબ અસર થઇ છે. આમાંથી ભારત પણ બાકાત નથી. ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી, 2020 ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ, ટ્રેનો અને ફ્લાઇટ્સ સહિતની વિવિધ પરિવહન સુવિધાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી અને અનેક રાજ્ય સરકારોએ માર્ચના ત્રીજા અઠવાડિયાથી 31 માર્ચ, 2020 સુધી તેમના પ્રદેશોમાં લોકડાઉન લાદવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત 21 દિવસના દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, જે પછી ભારતમાં ઘરેલું કામગીરીને નુકસાન થાય તે અપેક્ષિત છે.

ક્રેડિટ રેટિંગ કરતી કંપની કેર રેટિંગ્સ લિમિટેડે કોવીડ-19ની ભારતમાં કયા ઉદ્યોગો પર કેવી અસર કરશે તેના વિષે એક રીપોર્ટ તૈયાર કર્યો છે. આ રીપોર્ટ મુજબ ભારત નિકાસ અને આયાત માટે વૈશ્વિક બજારો પર નિર્ભર છે અને વાયરસની અસરના પગલે લગભગ 3 મહિનાથી વૈશ્વિક સપ્લાય ચેન અને અર્થવ્યવસ્થાને અસર થઇ રહી છે. આનાથી ભારતીય કંપનીઓને સીધી જ અસર પડતી હોઈ વર્તમાન સંજોગોમાં દેશના અર્થતંત્રને પણ મોટો ફટકો પડે તેવી સંભાવના છે.

ઓટો અને ઓટો એન્સેલરી

કેર રેટિંગ્સના રીપોર્ટમાં જણાવાયું છે કે, ભારત 2-વ્હિલર અને પેસેન્જર વ્હિકલ માટે સ્ટિયરીંગ, બ્રેકિંગ સિસ્ટમ, એન્જીન પાર્ટ્સ, એલોય વ્હિલ્સ, લાઈટિંગ સિસ્ટમ સહિતના કોમ્પોનન્ટ માટે આયાત પર નિર્ભર છે. દેશના મોટાભાગના ઓટોમોબાઈલ OEMs ચીનની સપ્લાય ચેઈન પર નિર્ભર છે. વર્તમાન પરિસ્થિતિમાં, ભારતીય અર્થવ્યવસ્થામાં જે રીતે મંદી છે તે જોતા પુરવઠા માટે અન્ય વૈકલ્પિક દેશો જેમ કે જર્મની, જાપાન, કોરિયા તરફ જવું કરવું તે ખર્ચ અને સમય બંનેના સંદર્ભમાં શક્ય નથી. નાણાકીય વર્ષ 2019-20ના 9 મહિના દરમિયાન OEMs ના ચોખ્ખા વેચાણમાં વાર્ષિક ધોરણે 14%નો ઘટાડો જોવાયો હતો, જ્યારે અગાઉના વર્ષમાં સમાન ગાળામાં વેચાણમાં લગભગ 16%ની વૃદ્ધિ હતી. આ જ સમય દરમિયાન ઉદ્યોગના નફામાં લગભગ 27% ઘટાડો થયો છે.

હાલની મંદીને જોતા ઓટો ઉદ્યોગને આગળ જતા મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાની સંભાવના છે. ઉપરાંત, રોજગાર જોખમમાં છે કારણ કે ઓટો ઇન્ડસ્ટ્રીમાં લગભગ 50% કાર્યબળ કોન્ટ્રાક્ટ આધારિત છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, કોરોનાની વાતને અલગ કરવામાં આવે તો પણ, ગ્રાહકની સેન્ટીમેન્ટ પ્રતિકૂળ હોવાની અપેક્ષા છે અને વધઘટ અને અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિના લીધે નાણાકીય વર્ષ 2020-21ના શરૂઆતના 6 મહિનામાં માગ નબળી રહેવાની ધારણા છે.

એવિએશન ઉદ્યોગ
કોરોના વાયરસનો ફેલાવો ચાઇનાથી આગળ વધી અને વૈશ્વિક સ્તરે ફેલાયો છે. અત્યારે યુરોપ કોરોનાના કેસ માટેનું નવું કેન્દ્ર બન્યું છે. આ બધી પરિસ્થિતિમાં એરલાઇન્સ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે કારણ કે આખા દેશોમાં મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ છે. ભારતીયો પણ ગમે ત્યારે જલ્દીથી મુસાફરી કરશે નહીં કારણ કે સરકારે 21 દિવસનો લોકડાઉન લાદી દીધો છે જે કોઈ પણ મુસાફરોની અવરજવરને પ્રતિબંધિત કરશે અને હવાઈ પરિવહન સેવાઓ પણ તે સમય માટે રોકી દેવામાં આવી છે.

આગળ જતા, ભારતીય એવિએશન ઉદ્યોગ માટે મુશ્કેલીના વાદળો જણાય છે કારણ કે એરલાઇન્સ તેની ક્ષમતા કરતા ઘણું જ ઓછુ કામ કરશે જેના પરિણામ રૂપે ઓછી ટિકિટ બુકિંગ, આવકમાં ઘટાડો અને પેસેન્જર લોડ ફેક્ટર (પીએલએફ) પરિણમશે. એરલાઇન્સની પેસેન્જર ગ્રોથ ઝડપથી ઘટશે અને નાણાકીય વર્ષ 2020-21 માટે 20-25% નકારાત્મક વૃદ્ધિ દર રહી શકે છે. નાણાકીય વર્ષ 2019 દરમિયાન મુસાફરોની વૃદ્ધિ 13.7% અને નાણાકીય વર્ષ 2020 (એપ્રિલ-ફેબ્રુઆરી) દરમિયાન 3.7% રહી છે. એરલાઇન કામગીરીમાં ઘટાડો જોતાં, એરપોર્ટ્સના ઓપરેશનમાં એપ્રિલ મહિનામાં 20% અને જૂન સુધીમાં 50% કરતા પણ ઘટાડો થઇ શકે છે.

ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ
ભારતની ડ્રગ અને ફોર્મ્યુલેશન કંપનીઓ ખાસ કરીને રો-મટીરીયલ માટે ચીન ઉપર આધારિત છે. ગત વર્ષે પોલ્યુશનના નિયમો આવ્યા ત્યારથી ભારતીય દવા કંપનીઓ મોટાભાગે બફર સ્ટોક કરતી થઇ ગઈ છે અને ચીનમાં નવા વર્ષનું વેકેશન આવે તે પહેલા ડ્રગ ઉત્પાદકોએ ત્રણથી ચાર મહિનાનો સ્ટોક કરી લીધો છે. આ દરમિયાન ચીનમાં કોરોનાના પગલે ઉત્પાદનની પ્રવૃતિને ખરાબ અસર થઇ છે અને સપ્લાય ચેઈન બગડી છે. હવે ધીમે ધીમે બધું પૂર્વવત થઇ રહ્યું છે પરંતુ હજુ પણ ઉત્પાદન તેની સંભવિત ક્ષમત કરતા ઘણું જ નીચું છે. જો આ પરિસ્થિતિમાં આવતા 3થી 6 મહિનામાં સુધારો નહિ થાય તો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને મોટો ફટકો પડી શકે છે.

બીજી તરફ, ભારતમાં બનતી દવાઓનું 40% રેગ્યુલેટેડ માર્કેટમાં નિકાસ થાય છે. ખાસ કરીને અમેરિકન માર્કેટમાં નિકાસ મોટી છે. હાલમાં અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાની મહામારી ઝડપી રીતે વધી રહી છે. આ સ્થતિમાં ત્યાં નિકાસને અસર થશે. જો નજીકના સમયમાં કોઈ ઉકેલ મળશે નહિ તો ભારતીય ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓને ભારે નુકસાની વેઠવી પડી શકે છે.
હોટેલ
કોવિડ-19ના કારણે હોટેલ ઉદ્યોગને પહેલાથી જ ફટકો પડી ગયો છે. બિઝનેસ અને આનદ બંને માટેની મુસાફરી અત્યારે બંધ હોવાથી જાન્યુઆરી-માર્ચ 2020 દરમિયાન હોટેલ ઉદ્યોગમાં મોટી મંદી ચાલી રહી છે જે જોતા તેમના નફા અને લીક્વિડીટીમાં ઘટાડો થવાની સંભાવના છે. કેર રેટિંગ્સના મતે 2020-2021માં મુખ્યત્વે પહેલા 6 મહિનામાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ઓક્યુંપેન્સી રેટ 27% જેટલો ઘટીને 40% પર આવીને અટકે તેવું લાગી રહ્યું છે. આ સાથે જ માગને જોતા રૂમના સરેરાશ દરોમાં પણ 30-40%નો ઘટાડો થશે. પરિણામ સ્વરૂપ ઉપલબ્ધ રૂમ દીઠ આવકમાં 58-64%નો ઘટાડો જોવાઈ રહ્યો છે. ફોરેઇન ટુરિસ્ટ અને ફૂડ પીરસતી ઉચ્ચ કક્ષાની હોટેલોને સૌથી વધુ અસર થઇ છે અને જો સમયસર કોસ્ટ કટિંગના પગલા ભરવામાં નહિ આવે તો તેમના માટે પરિસ્થિતિ વધુ વિકટ બનશે.

પર્યટન ઉદ્યોગ
કદાચ કોવિડ -19 ની સૌથી વધુ દૃશ્યમાન અને તાત્કાલિક અસર હોટલ અને પર્યટન ક્ષેત્રે તેના બધા જ ભાગોને થઇ છે. ભારતમાં ઉનાળુ વેકેશનનું બુકિંગ 40-50% જેટલું ઘટ્યું છે. કોરોના વાયરસના ફેલાવા બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પર્યટન ઉદ્યોગને 50% જેટલો ફટકો પડ્યો છે જયારે માર્ચમાં તેની અસર વધીને 70% થઇ હોવાનું અનુમાન છે. 2019માં ભારતમાં 1.09 કરોડ વિદેશી સહેલાણીઓ આવ્યા હતા અને તેના થકી દેશને રૂ. 2.11 લાખ  કરોડની ફોરેન એક્સચેન્જની આવક થઇ હતી. વર્તમાન સંજોગોમાં 2020 પર્યટન ઉદ્યોગ માટે કપરું રહેશે. કોરોનાની સ્થિતિ નબળી પડે તો પણ રેવન્યુમાં 40% જેટલો ઘટાડો થવાનું અનુમાન છે.

ટેક્સટાઈલ
ભારતીય અર્થતંત્રમાં અને ખાસ કરીને નિકાસમાં ટેક્સટાઈલ અને એપરલ ઇન્ડસ્ટ્રીઝનો મહત્વનો ફાળો છે. ચીન પરંપરાગત રીતે ભારત પાસેથી કોટન અને યાર્નની ખરીદી કરતુ આવ્યું છે. કોરોના વાયરસના ઉદ્ભવ સ્થાન મનાતા વુહાન અને હૂબેઈ એ ચીનના ટેક્સટાઈલ હબ છે. હાલના સંજોગોએ ત્યાં કામ ઓછુ થઇ રહ્યું છે તે જોતા ચીન ભારત પાસેથી યાર્નની ખરીદી નહિ કરે તે જોતા દેશની યાર્નની નિકાસને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ ઓવરઓલ ડિમાંડ ઘટવાની પણ ધારણા છે. આ વર્ષે કોટનનું એક્સ્પોર્ટ ઘટી શકે છે અને જે રીતે કાપડ ઉત્પાદનમાં માગ ઘટી રહી છે ઘરેલું ખપત પણ ઓછી થઇ શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post