• Home
  • News
  • અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ કૉંગ્રેસને ન આપવું પડે તે માટે BJPએ ઘડ્યો માસ્ટર પ્લાન
post

આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ST ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે, શાહપુર અનામત બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારની જીત થતાં તેમને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 12:30:57

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પંચાયત (Ahmedabad district panchayat)ની 34માંથી 30 બેઠક મેળવ્યા બાદ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસના પ્રમુખ ન બને તે મામલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવી રણનીતિ ઘડી છે. અનામત રોટેશન પ્રમાણે અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આદિવાસી માટે અનામત છે. ચૂંટણીમાં કૉંગ્રેસના મહિલા ઉમેદવાર પારૂબેન પઢાર શાહપુર આદિવાસી અનામત બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીત્યા (Election) છે. એસટી બેઠક પર પારુબેન એકમાત્ર ચૂંટણી જીત્યા હોવાથી તેમને પ્રમુખ (President) બનાવવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ આ માટે નવો પ્લાન ઘડી કાઢ્યો છે. જે પ્રમાણે હવે ભાજપ પોતાની સુરક્ષિત સીટ પર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા એક સદસ્યને રાજીનામું (Resignation) અપાવશે. જે બાદમાં ખાલી પડેલી બેઠક પર ભાજપ આદિવાસી ઉમેદવારને ચૂંટણી લડાવશે. આ રીતે આદિવાસી ઉમેદવારને જીતાડીને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવાશે.

ઉલ્લેખનીય છે કે છ મહાનગરપાલિકા બાદ પંચાયત ચૂંટણી પરિણામમાં કૉંગ્રેસનો સફાયો થયો છે. ચૂંટણી પરિણામોમાં કૉંગ્રેસ જોજનો દૂર પણ દેખાતી નથી. છ મહાનગર પાલિકામા કૉંગ્રેસના સૂપડા સાફ થયા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે, આ દરમિયાન અમદાવાદ જિલ્લા પંચાયતનું પરિણામ રસપ્રદ આવ્યું છે. આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ST બેઠક માટે અનામત છે. અમદાવાદ જિલ્લામાં એક માત્ર શાહપુર બેઠક ST માટે મહિલા અનામત સાથે અનામત રખાઇ હતી. જેમા કૉંગ્રેસ મહિલા ઉમેદવાર પારૂબહેન પઢાર ભાજપના ઉમેદવાર હરાવી ચૂંટણી જીત્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને 34માંથી 30 બેઠક મળી છે.

30માંથી ત્રણ બેઠક પણ ભાજપના ઉમેદવાર બિન હરિફ જાહેર થયા હતા. કૉંગ્રેસે અમદાવાદ જિલ્લા પંચાયતમાં માત્ર ચાર બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો છે. જોકે, અનામત બેઠક પર કૉંગ્રેસના મહિલા ઉમેદવાર ચૂંટણી જીતી જતા એવી સ્થિતિ ઊભી થશે કે પ્રમુખ પદ પર પણ કૉંગ્રેસ હશે અને વિપક્ષ પર પણ કૉંગ્રેસ હશે. ભાજપ પાસે બહુમત હોવા છતાં કૉંગ્રેસી ઉમેદવાર પારૂબેન પઢાર અઢી વર્ષ માટે જિલ્લા પંચાયત પ્રમુખ રહેશે. આવું ન કરવું પડે તે માટે ભારતીય જતના પાર્ટીએ પ્લાન બી તૈયાર કર્યો છે.

ભાજપ પાસે બીજો શું વિકલ્પ હતો?
અમદવાદ જિલ્લા સંગઠન તરફથી પ્રદેશ અધ્યક્ષ સામે એવો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો કે કૉંગ્રેસના વિજેતા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીમાં લઈ લેવામાં આવે અને તેમને પ્રમુખ બનાવવામાં આવે. જોકે, કૉંગ્રેસમાંથી આવેલા લોકોને હોદ્દો ન આપવાની નીતિને પગલે પ્રદેશ અધ્યક્ષે આ પ્લાન પડતો મૂકીને સુરક્ષિત બેઠક પર આદિવાસી ઉમેદવારને ચૂંટણી જીતાડી તેને પ્રમુખ બનાવવામાં આવે તેવી સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપને અપેક્ષા કરતા વધારે શાનદાર પ્રદર્શન કર્યું છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. કૉંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે.

રાજ્યમાં યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે 80 ટકા કરતાં વધુ જીત મેળવી છે. BJPએ આ ચૂંટણીમાં તમામ 31 જિલ્લા પંચાયતો જીતી છે, જ્યારે 81 નગરપાલિકામાંથી 75 BJPએ અને ત્રણ કૉંગ્રેસ તેમજ ત્રણમાં અન્યએ જીત મેળવી છે. રાજ્યની 321 તાલુકા પંચાયતમાં 196 BJP, 33 કૉંગ્રેસે અને અન્યએ 0 પર જીત મેળવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post