• Home
  • News
  • કોરોનાકાળમાં બેકરી ઇન્ડસ્ટ્રીઝમાં ઉછાળો:દરેક સેક્ટરમાં મંદી છતાં કેક સેગમેન્ટ 20% વધ્યું, ગુજરાતની 20 ટકા ગૃહિણીઓએ હોમમેડ ચોકલેટ્સ, કૂકીઝથી સાઈડ ઈન્કમ વધારી
post

છેલ્લા છ મહિનાથી શરૂ કરેલા સ્ટાર્ટઅપમાં 8થી 10 ટકા ગ્રોથ જોવા મળ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 13:19:03

કોરોનાકાળ દરમિયાન બેકરી પ્રોડક્ટ્સની માગ વધી છે. એમાં હવે દરેક નાના-મોટા પ્રસંગોમાં પેકેજ્ડ કેક, હોમમેડ કેકનું ચલણ વધી રહ્યું છે, સાથે સાથે ગુજરાતની 20 ટકા ગૃહિણીઓએ હોમમેડ કેક, ચોકલેટ્સ, કૂકીઝ, બિસ્કિટ્સ જેવી બેકરી પ્રોડક્ટ્સને આવકનું સાધન અને કોરોના ક્રાઈસિસમાં આર્થિક સ્થિતિ કથળતાં સાઇડ ઇન્કમના વિકલ્પ તરીકે અપનાવી છે. આ સેક્ટરમાં ટૂંક સમયમાં જ નામ કમાનારી મહિલા સાહસિકોના મતે કોરોનાને લીધે સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતાં લોકો ઘરની જ હાઈજિન પ્રોડક્ટ્સને પ્રાથમિકતા આપી રહ્યા છે.

છેલ્લા છ મહિનાથી શરૂ કરેલા સ્ટાર્ટઅપમાં 8થી 10 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. એને ધ્યાનમાં રાખીને ગૃહિણીઓ માસિક સરેરાશ 7થી 9 હજાર સુધીની આવક ઘેરબેઠાં મેળવી શકે છે. હાલ લગ્ન-પ્રસંગની સીઝનમાં ગ્રોથ વધવાનો આશાવાદ છે.

દોઢ વર્ષથી ચોકલેટ્સ, કેક, કૂકીઝ સેગમેન્ટમાં કાર્યરત છે, પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી હોમમેડની માગ વધતાં ગ્રોથ બમણો જોવા મળ્યો હોવાનું ધ સીસીએલ બેકરીના માલિક શિવાંગી શાહ જણાવે છે. ગૃહિણીઓ એકંદરે માસિક 10 હજારથી માંડી 15000થી વધુ આવક બેકરી સેગમેન્ટમાંથી ઘેરબેઠાં મેળવી રહી છે.

કેક સેગમેન્ટમાં 2500 કરોડની રેવન્યુની ક્ષમતા
બેકરી ઈન્ડસ્ટ્રીઝના કેક સેગમેન્ટમાં વાર્ષિક 2500 કરોડની રેવન્યુ જનરેટ થવાની ક્ષમતા માર્કેટ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે, જેને ધ્યાનમાં લેતાં કેડબરી, આઈટીસી, સનફિસ્ટ જેવી મોટી મોટી એફએમસીજી કંપનીઓ પણ પેકેજ્ડ કેક સેગમેન્ટમાં પ્રવેશી રહી છે. એક કન્ઝ્યુમર એન્ડ રિટેલમાં પ્રેક્ટિસ લીડર અને એક્સપર્ટ્સ મધુર સિંઘલ અનુસાર, આ સેગમેન્ટમાં વાર્ષિક 20 ટકા ગ્રોથ જોવા મળી રહ્યો છે. પેકેજ્ડ ફૂડ બ્રાન્ડમાં હિસ્સો વધી રહ્યો છે. લેયર્ડ કેક સેગમેન્ટમાં બે વર્ષમાં જ 22 ટકા માર્કેટ ગ્રોથ જોવા મળ્યો છે.

બેકરી ઈન્ડસ્ટ્રીમાં વાર્ષિક 9.3 ટકાના દરે ગ્રોથ
ભારતમાં બેકરી ઉદ્યોગ લોકોની બદલાતી જીવનશૈલી પર નિર્ભર છે. 2024 સુધી બેકરી ઉદ્યોગ 88 હજાર કરોડે પહોંચવાનો આશાવાદ છે. ઈન્ડસ્ટ્રીમાં 2021-24 દરમિયાન વાર્ષિક 9.3 ટકાના દરે ગ્રોથ નોંધાશે.પિનાકી રંજન મિશ્રા, પાર્ટનર, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એન્ડ રિટેલ, ઈવાઈ ઈન્ડિયા

ઓનલાઈન માર્કેટિંગને લીધે માર્કેટ વધ્યું
ગૃહિણીઓ બેકરી પ્રોડક્ટ્સના માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પેજ, બ્લોગ, વેબસાઈટ્સ બિઝનેસ ગ્રુપનો ઉપયોગ કરી ઓનલાઈન માર્કેટિંગ બિઝનેસ એક જ વિસ્તાર સુધી સીમિત ન રહેતાં શહેરભરમાંથી ઓર્ડર મેળવી રહ્યા છે.રિદ્ધિ ચોક્સી, આંત્રપ્રિન્યોર

હાઈજિનને લીધે હોમમેડ પ્રોડક્ટ્સની માગ વધી
લોકો હાઈજિનને પ્રાધાન્ય આપી રહ્યા છે. પેકેજ્ડ ફૂડ ખરીદવા કરતા આસપાસના તેમજ સોશિયલ મીડિયા મારફત વિશ્વસનીય હોમમેડ પ્રોડક્ટ્સ બનાવતા સ્ટાર્ટઅપ પાસેથી ખરીદી કરવાનું પસંદ કરે છે, જેને લીધે કોઈપણ પ્રકારના મોટા રોકાણ વિના ઘેરબેઠાં જ ઓર્ડર મળી રહ્યા છે.સાયના પઠાણ, આંત્રપ્રિન્યોર, સ્વીટ એન્ડ ફ્રેશ

 

adv

Related News

post
post
post
post
post
post
post