• Home
  • News
  • આઈએએસ કેડરના નિયમોમાં ફેરફારનો સાંસદો-પૂર્વ અમલદારોએ વિરોધ કર્યો
post

પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ પર રાજ્ય સરકારને સતત બદનામ કરવા અને અમલદારોના કામમાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:21:51

નવી દિલ્હી:  પાંચ રાજ્યોમાં ચૂંટણીના વાતાવરણ વચ્ચે બીન ભાજપ શાસિત રાજ્યોના કેટલાક સાંસદોએ રાજ્યપાલોના 'હસ્તક્ષેપ' અને આઈએએસ નિયમોમાં ફેરફાર અંગે આકરો વિરોધ નોંધાવ્યો છે. વિરોધ પક્ષના ૨૧ સાંસદો અને ૩૮ પૂર્વ અધિકારીઓએ આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સંયુક્ત મેમોરેન્ડમ આપ્યું છે. તેમણે વડાપ્રધાનને આઈએએસ કેડરના નિયમોમાં ફેરફાર નહીં કરવા વિનંતી કરી છે.


વિપક્ષના સાંસદોએ અખિલ બારતીય સેવા કેડર નિયમોને બદલવાની કેન્દ્રની દરખાસ્ત અને વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલો દ્વારા કથિત હસ્તક્ષેપનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકારની કાર્યવાહીને લોકતંત્ર અને સંઘીય શાસનની વિરુદ્ધ ગણાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને તેનાથી અનિચ્છનીય સંકટ પેદા થઈ શકે છે.


સંયુક્ત મેમોરેન્ડમમાં સાંસદો અને ભૂતપૂર્વ અમલદારોએ કહ્યું કે, આ સુધારા રાજ્યોને કેન્દ્ર હેઠળ લાવવા માટે તૈયાર કરાયા છે અને અમે સામૂહિકરૂપે કેન્દ્રીય પદસ્થાપના અને બદલીઓના માધ્યમથી ભારતીય વહીવટી સેવા (આઈએએસ) પર સંપૂર્ણ નિયંત્રણના કેન્દ્રના પગલાંનો વિરોધ કરીએ છીએ. અમે કેન્દ્રને કોઈપણ એક તરફી પગલાં વિરુદ્ધ ચેતવણી આપીએ છીએ અને સ્પષ્ટ કરીએ છીએ કે આ સુધારા મુખ્યમંત્રીઓ અને રાજ્યોના કાયદેસરના વિરોધ છતાં થોપવામાં આવશે તો પણ રાજ્યો આ ગેરબંધારણીય શક્તિઓને હડપવા દેવા માટે સંમત નહીં થાય.


વિશેષરૂપે બીન ભાજપી શાસિત કેટલાક રાજ્યો આઈએએસ નિયમોમાં ફેરફારનો આકરો વિરોધ કરી રહ્યા છે. અનેક મુખ્યમંત્રીઓએ અગાઉ પણ આ સંદર્ભમાં વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. સાંસદોનો બીજો મુદ્દો 'વિપક્ષ શાસિત રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોના કામકાજમાં રાજ્યપાલોના સતત હસ્તક્ષેપ' સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે તેઓ પોતાની સહમતી વ્યક્ત કરવા માટે એક સાથે આવ્યા છે અને રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં કેન્દ્રની દખલને તુરંત રોકવા માગણી કરે છે.


સાંસદો અને ભૂતપૂર્વ અમલદારોએ પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ ચૂંટાયેલી સરકારોને બદનામ કરવાનો સતત પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યપાલ ઘનખડ દરરોજ સોશિયલ મીડિયા પર મમતા સરકાર અને અધિકારીઓની ટીકા કરે છે તેમજ અમલદારોના કામમાં 'હસ્તક્ષેપ' કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post