• Home
  • News
  • પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકાર પડી, બહુમતી સાબિત ન કરી શકી નારાયણસામી સરકાર
post

રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે હાલ તારીખ નક્કી નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 11:58:29

પુડ્ડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ પોતાની બહુમતિ સાબિત નથી કરી શકી. સોમવારે સ્પીકરે જાહેરાત કરી છે કે સરકાર પાસે બહુમતી નથી. ત્યારપછી મુખ્યમંત્રી વી.નારાયણસામીની વિદાય નક્કી થઈ ગઈ છે. મહત્વનું છે કે વિધાનસભામાં કોંગ્રેસ પાસે તેના 9 ધારાસભ્યો સિવાય 2 DMK અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે.

મુખ્યમંત્રી વી.નારાયણસામી ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પહોંચ્યા છે. અહીં તેમણે કહ્યું હતું કે પૂર્વ LG કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે મળીને સરકારને પાડવાનો પ્રયાસ કર્યો. જો અમારા ધારાસભ્ય અમારી સાથે હોત તો સરકાર પાંચ વર્ષ ચાલત.

નારાયણસામીએ કહ્યું હતું કે અમે દ્રમુક અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. ત્યાર પછી અમે ઘણી ચૂંટણી જોઈ. તમામ પેટાચૂંટણીમાં અમે જીત નોંધાવી. એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે પુડ્ડુચેરીના લોકોને અમારી પર વિશ્વાસ છે.

મુખ્યમંત્રી વી.નારાયણસામી ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પહોંચી ગયા છે. તાજેતરમાં જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોનાં રાજીનામાં પછી સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. ત્યાર પછી ઉપ-રાજ્યપાલ તિમિલીસાઈ સુંદરરાજને સરકારને બહુમતી સાબિત કરવા માટે કહ્યું હતું.

ફ્લોર ટેસ્ટથી એક દિવસ પહેલાં જ રવિવારે કોંગ્રેસ અને ગઠબંધનમાં સામેલ DMKના એક-એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું, ત્યાર પછી નારાયણસામી સરકાર અલ્પમતમાં આવી ગઈ. ફ્લોર ટેસ્ટ પહેલાં રવિવારની સાંજે CM નારાયણસામીના આવાસ પર પાર્ટી અને સહયોગી પક્ષોના નેતાની બેઠક યોજાઈ હતી.

રાહુલની મુલાકાત પણ કામે ન લાગી
ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યના બે દિવસની મુલાકાત કરી હતી, પણ એ પાર્ટીને નુકસાન થવાથી ન બચાવી શક્યા. અહીં સરકારનો કાર્યકાળ 8 જૂને પૂરો થવાનો છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે હાલ તારીખ નક્કી નથી.

પહેલા આ 4 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં
1.
એ. જોન કુમાર, કોંગ્રેસ
2.
એ.નમસ્સિવમ, કોંગ્રેસ
3.
મલ્લાદી કૃષ્ણા રાવ, કોંગ્રેસ
4.
ઈ. થેપયન્થન, કોંગ્રેસ

રવિવારે આ 2 ધારાસભ્યેએ રાજીનામાં આપ્યાં
5.
કે.લક્ષ્મીનારાણયન, કોંગ્રેસ
6.
કે. વેન્કટેશન, DMK

3 ધારાસભ્ય પહેલાં જ ઘટી ચૂક્યા હતા
આ ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય એન. ધનવેલુને પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે અયોગ્ય જાહેર કરી દેવાયા છે. નમસ્સિવમ અને થેપયન્થન ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે, બાકીના નેતા પણ ઝડપથી ભાજપમાં જઈ શકે છે.

વિધાનસભામાં પક્ષોની સ્થિતિ
કુલ બેઠકઃ30+3(નોમિનેટેડ)
સત્તા પક્ષઃ કોંગ્રેસ-9, DMK-2, અપક્ષ-1=12
વિપક્ષઃAINRC-7,AIADMK-4, ભાજપ-3=14
(
નોંધ-રાજીનામાં પછી ખાલી બેઠકો 7 થઈ. ભાજપના ત્રણેય ધારાસભ્ય નોમિનેટેડ છે. નોમિનેટેડ ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં વોટ આપી શકે છે.)

પૂર્વ ઉપ-રાજ્યપાલ કિરણ બેદી દિલ્હી રવાનાં
કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદીને હટાવી દીધાં હતાં, તેમની જગ્યાએ તેલંગાણાના ગવર્નર ડો. તિમિલીસાઈ સુંદરરાજનને પુડ્ડુચેરીના LG બનાવવામાં આવ્યા હતા. બેદી ચાર વર્ષ રાજ્યના ઉપ-રાજ્યપાલ રહ્યાં હતાં. તેઓ રવિવારે દિલ્હી રવાના થઈ ગયાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post