• Home
  • News
  • ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી
post

રાજા ભગીરથે ગંગોત્રી મંદિર ક્ષેત્રમાં જ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 11:29:12

25 જુલાઈથી ઉત્તરાખંડના ચારધામની યાત્રા અન્ય રાજ્યો માટે પણ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદથી દેશભરથી લોકો ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ્ બોર્ડની વેબ સાઇટ પર દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. પરંતુ ગંગોત્રી મંદિરમાં સામાન્ય ભક્તો માટે મંદિરની બહારથી દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગંગોત્રી ધામ મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલના જણાવ્યાં પ્રમાણે, આ સમયે રાજ્યમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં મંદિરના પૂજારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા અમે મંદિરની અંદર ભક્તોને પ્રવેશવાની મંજૂરી આપતાં નથી. ભક્તોએ મંદિરની બહારથી જ દર્શન કરવાના રહેશે. જો ભક્ત મંદિરની અંદર જશે તો મંદિર સાથે જોડાયેલાં લોકોના સંપર્કમાં આવશે, જે પૂજારીઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય રહેશે નહીં. એટલે અમે હાલ ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાના પક્ષમાં નથી. આ અંગે મંદિર સમિતિએ અહીંના ડીએમ(જિલ્લા મેજિસ્ટ્રેટ)ના માધ્યમથી રાજ્ય સરકારને અપીલ કરી છે કે, હાલ કોરોનાને જોતા દર્શન વ્યવસ્થા શરૂ કરવી જોઇએ નહીં.

ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રમણે જણાવ્યું કે, કોઇપણ ભક્તને મંદિરની અંદર પ્રવેશ કરતા રોકવા તે વિધિ વિરૂદ્ધ છે. આ અંગે જિલ્લા પ્રશાસને આદેશ આપવામાં આવ્યો છે. જો કોઇ ભક્તને મંદિરમાં દર્શન કરવાથી રોકવામાં આવશે તો એફઆઈઆર નોંધવામાં આવશે.

બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગોડના જણાવ્યાં પ્રમાણે અન્ય પ્રદેશથી આવતાં ભક્તોએ નવા નિયમો પ્રમાણે 72 કલાક પહેલાંની કોરોના નેગેટિવ રિપોર્ટ અને દેવસ્થાનમ્ બોર્ડ દ્વારા જાહેર ઈ-પાસ લઇને આવવાનું રહેશે. ત્યારે જ અહીં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. સાથે જ, ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અને સેનેટાઇઝેશનનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે.

ગંગોત્રી ક્ષેત્રમાં ભગીરથે તપસ્યા કરી હતીઃ-
ગંગોત્રીથી ગંગા નદીની ઉત્પત્તિ થાય છે. અહીં દેવી ગંગાનું મંદિર છે. દરિયા કિનારાથી આ મંદિર 3042 મીટરની ઊંચાઈએ છે. આ સ્થાન જિલ્લા ઉત્તરકાશીથી 100 કિમી દૂર છે. દર વર્ષે ગંગોત્રી મંદિર મે મહિનાથી ઓક્ટોબર સુધી ખોલવામાં આવે છે. અન્ય સમયે અહીંના વાતાવરણના કારણે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે આ ક્ષેત્રમાં રાજા ભગીરથે શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. શિવજી અહીં પ્રકટ થયા અને તેમણે ગંગાને પોતાની જટાઓમાં ધારણ કરીને તેનો વેગ શાંત કર્યો હતો. ત્યાર બાદ આ ક્ષેત્રમાં ગંગાની પહેલી ધારા પડી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post