• Home
  • News
  • યુદ્ધ ચાલશે ત્યાં સુધી જી-7 દેશોનું યુક્રેનને સમર્થન
post

અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઈટાલી, કેનેડાના નેતાઓએ વીડિયો કોન્ફરન્સથી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને ધરપત આપી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-28 11:44:29

એલમો : અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઈટાલી અને કેનેડાના જી-૭ સંગઠને રશિયા સામે યુક્રેનનું યુદ્ધ ચાલે ત્યાં સુધી યુક્રેનને મદદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. ૧૯ અબજ ડોલરની સહાય જાહેર કરીને જી-૭ દેશોએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને વીડિયો કોન્ફરન્સથી જોડીને ધરપત આપી હતી. જી-૭ દેશો યુક્રેનની સાથે હોવાનું જણાવ્યું હતું. અમેરિકન પ્રમુખ જો બાઈડને જી-૭ દેશો ઉપરાંત યુરોપના દેશોને પણ યુક્રેન મુદ્દે એકતા બતાવવાની અપીલ કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આમંત્રિત દેશના પ્રતિનિધિ તરીકે જી-૭ને સંબોધન કર્યું હતું.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વિશ્વના સૌથી શક્તિશાળી સાત દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઈટાલી અને કેનેડાના વડાઓની બેઠક જર્મનીમાં મળી હતી. યજમાન દેશ જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું હતું કે અમેરિકાની મદદથી યુરોપનું અર્થતંત્ર બીજા વિશ્વયુદ્ધ પછી ઝડપથી વિકસશે. એ માટેના આયોજનો થઈ રહ્યા છે. આ બેઠકમાં ક્લાઈમેટ ક્લબની ચર્ચા પણ થઈ હતી. જે દેશો પર્યાવરણ બચાવવા માટે કટિબદ્ધ છે અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માગે છે એવા દેશોની એક ક્લબ બનાવવાનો વિચાર વહેતો કરાયો હતો. બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ ઉપરાંત સૌથી વધુ ચર્ચા ક્લાઈમેટ ચેન્જ બાબતે થઈ હતી. ગ્રીન એનર્જીના મુદ્દે વિશ્વના ટોચના નેતાઓએ ચર્ચા કરી હતી.

અમેરિકાના પ્રમુખ જો બાઈડને કહ્યું હતું કે જી-૭ દેશોએ યુક્રેન મુદ્દે એકતા બતાવી છે. એવી જ એકતા યુરોપના દેશો પણ બતાવે. રશિયાને પાઠ ભણાવવા માટે બધાએ એકતા બતાવવી જરૂરી છે. બાઈડને કહ્યું હતુંઃ મને આશા છે કે મારી યુરોપયાત્રા યુરોપની એકતા માટે મહત્ત્વની સાબિત થશે. તે ઉપરાંત બાઈડને મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ધ પાર્ટનરશીપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (પીજીઆઈઆઈ)ની વાત કરીને ૬૦૦ અબજ ડોલરના આ પ્રોજેક્ટની દૂરગામી અસરો અંગે જણાવ્યું હતું. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈન્શ્યેટિવ પ્રોજેક્ટની સામે આ પ્રોજેક્ટ ગયા વર્ષે જી-૭ દેશોની બેઠકમાં ચર્ચાયો હતો. જી-૭ દેશોએ પારદર્શી ટ્રાન્સપોર્ટેશન માટે આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વનો ગણાવ્યો હતો. ૨૦૨૭ સુધીમાં પ્રોજેક્ટ આગળ વધારવાની સહમતી બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ દેશોને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં ભારતને વિશેષ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ દેશોને ગ્રીન ઉર્જાના ક્ષેત્રમાં વિશ્વ માટે પ્રેરણા બનવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ધનવાન જી-૭ દેશો ક્લાઈમેટ એનર્જીમાં રોકાણ કરશે તો દુનિયાના દેશો પણ એ દિશામાં ગંભીરતાથી વિચારશે. તેમણે ક્લાઈમેટ ચેન્જ બાબતે દુનિયાભરના દેશોએ યુદ્ધના ધોરણે એકતા બતાવીને કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. 

ઉપરાંત ભારતે એ દિશામાં છેલ્લાં વર્ષોમાં કરેલી પ્રગતિનો ચિતાર આપ્યો હતો. પરંપરાગત ઉર્જા સિવાયના ઉર્જાના વિકલ્પનો લક્ષ્યાંક ભારતે ૪૦ ટકા સુધી પાર પાડયો છે. એ પણ નિર્ધારિત સમય કરતાં નવ વર્ષ પહેલાં, એવું તેમણે કહ્યું હતું. તે ઉપરાંત ભારતમાં વિશ્વનું પ્રથમ સોલર એરપોર્ટ કાર્યરત હોવાની વાત પણ કરી હતી. તે ઉપરાંત ૧૦ ટકા ઈથોનોલ યુક્ત પેટ્રોલનો લક્ષ્યાંક નિર્ધારિત સમયમર્યાદા કરતા પાંચ મહિના વહેલો હાંસિલ થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ક્લાઈમેટ, એનર્જી અને હેલ્થ ક્ષેત્રમાં વિકાસ થાય તે માટે રોકાણ માટેનું આહ્વાહન મોદીએ આપ્યું હતું. ભારતમાં ક્લિન એનર્જી ક્ષેત્રે નવી તકો સર્જાઈ રહી છે. જી-૭ દેશો એમાં રોકાણ કરે તો ભારત જેવા વિકાસશીલ દેશો ગ્રીન એનર્જીમાં મોટું યોગદાન આપી શકે તેમ છે એવું તેમણે કહ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post