• Home
  • News
  • INS વિરાટની આખરી સફર:આજે મુંબઈથી ઊપડશે અને 22મીએ ભાવનગરના અલંગ શિપબ્રેકિંગમાં અંતિમ વિદાય અપાશે
post

જહાજને 16 સપ્ટેમ્બરના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી ટોઇંગ કરી લાવવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 12:19:50

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ સંભવિત 22 સપ્ટેમ્બરે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંગરશે, જ્યાં એને સત્તાવાર વિદાય આપવામાં આવશે. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવિયા, નેવીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે એ માટેની વિચારણા ચાલી રહી છે.

વિરાટ પર કસ્ટમ્સ, જીપીસીબી, જીએમબીની તમામ પ્રક્રિયાઓ કરવામાં આવશે
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 દ્વારા ઓનલાઇન ઓક્શનમાં 38.45 કરોડ રૂપિયાની કિંમતે આઇએનએસ વિરાટ ખરીદી લીધું છે. આ અંગે અલંગ શિપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 18000 એલડીટી ધરાવતા આ જહાજને 16 સપ્ટેમ્બરના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી ટોઇંગ કરી લાવવામાં આવશે. 20મીએ રાત્રે અલંગ એન્કરેજ ખાતે ખાસ ટગ દ્વારા વિરાટને ખેંચીને લવાશે. 21ના રોજ કસ્ટમ્સ, જીપીસીબી, જીએમબીની તમામ સરકારી પ્રક્રિયાઓ કરવામાં આવશે અને 22 સપ્ટે.ના રોજ વિરાટનું બીચિંગ અલંગના પ્લોટ પર કરાવવામાં આવશે. જોકે તમામ બાબતો દરિયાઈ પરિવહન, આબોહવાને આધારિત હોવાથી મુંબઈથી નીકળી અને અલંગના પ્લોટમાં લાંગરવા સુધીમાં સમયમાં બાંધછોડ થઈ શકે છે.

હાલ વિરાટ જહાજ બંધ હાલતમાં છે
60
વર્ષ જૂનું યુદ્ધ જહાજમાંથી એન્જિન, નેવી અંગેની યુદ્ધ સામગ્રીઓ, નેવિગેશન સાધનો પાંચ વર્ષ અગાઉ કોચિન ખાતે કાઢી નાખવામાં આવ્યાં હતાં. હાલ જહાજ બંધ હાલતમાં છે અને એને ખાસ ટગ દ્વારા ટોઇંગ કરીને લાવવું પડશે. મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી બહાર લાવતી વખતે પણ નેવીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્તાવાર વિદાય આપવામાં આવશે.

INS વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું
ભારતીય નૌસેનાનું બીજું વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજું વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી અને આ પહેલાં તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. તેનું હેતુ વાક્ય જલમેવ યસ્ય, બલમેવ તસ્યહતું, જેનો મતલબ થાય છે કે જેનો સમુદ્ર પર કબજો છે એ જ સૌથી વધુ બળવાન છે

1980માં ભારતીય નૌસેનાએ સાડાછ કરોડ ડોલરમાં INS વિરાટ ખરીદ્યું હતું
એચએમએસ હર્મીસના નામથી ઓળખાતું જહાજ 1959થી બ્રિટનના રોયલ નેવીમાં સેવામાં હતું. 1980ના દાયકામાં ભારતીય નૌસેનાએ એને સાડાછ કરોડ ડોલરમાં બ્રિટન પાસેથી ખરીદ્યું હતું અને 12 મે, 1987ના રોજ તેને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું.

વિરાટનું સ્થાન ગિનીસ બુકમાં છે
આઈએનએસ વિરાટનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. એ દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતું હતું અને તેમ છતાં સારી કન્ડિશનમાં હતું. એને ગ્રેટ ઓલ્ડ લેડીનામથી પણ ઓળખવામાં આવતું હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે એ ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનારું જહાજ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post