• Home
  • News
  • ચીનની ભીંસથી વિખરાયેલું ભારત-અમેરિકા-ઓસ્ટ્રેલિયા-જાપાનનું ગ્રૂપ ચીનના જોખમથી જ ફરી એકસંપ થઇ રહ્યું છે
post

હિન્દ મહાસાગરમાં અમેરિકા અને ભારતનાં નૌકાદળોના જંગી જહાજો સાથે જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળો પણ જોડાઇ રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 15:43:35

ભારતના પૂર્વ નેવી ચીફ એડમિરલ અરુણ પ્રકાશના જણાવ્યા અનુસાર પૂર્વ લદાખમાં જ્યારે એલએસીની બંને તરફ 1 લાખ સૈનિકોનો જમાવડો થયેલો છે તો બીજી તરફ હિન્દ મહાસાગરમાં અમેરિકા અને ભારતનાં નૌકાદળોના જંગી જહાજો સાથે જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળો પણ જોડાઇ રહ્યાં છે. આ દેશોનું 4 પક્ષીય ગ્રૂપ ક્વૉડ્રિલેટરલ વ્યવસ્થા (ક્વાડ) નામથી ઓળખાય છે. આ ગહન વ્યૂહાત્મક દાવનું મહત્ત્વ સરળ ભાષામાં સમજીએ.

સવાલ: ચારેય દેશ દૂર-દૂર છે તો ગઠબંધન બન્યું કેવી રીતે?
અરુણ પ્રકાશ: 2004માં સુનામી આવી ત્યારે ભારત, અમેરિકાએ પહેલ કરતા જાપાન અને ઓસ્ટ્રેલિયાને સાથે રાખીને રાહતકાર્યો માટે એક કોર ગ્રૂપ બનાવ્યું પણ મગજમાં ચીનનો પડકાર હતો. હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં ચીનની વધતી વાયડાઇ મામલે આ ગ્રૂપ બન્યું હતું.

સવાલ: અત્યાર સુધી આ સંગઠન કેમ ચર્ચામાં નથી રહ્યું?
અરુણ પ્રકાશ: સંગઠન અંગે ચીને તેવર બતાવવાનું શરૂ કરી દીધું. રાજદ્વારી સંદેશા દ્વારા તત્કાલીન સરકારોને ડરાવી. અમેરિકા, ભારત-ઓસ્ટ્રેલિયા સાથે ચીનનો મોટો વેપાર હતો. ઓસ્ટ્રેલિયાએ 2008માં ગભરાઇને કોર ગ્રૂપમાંથી ખસી જવાની જાહેરાત કરતાં ગઠબંધન વિખેરાઇ ગયું.

સવાલ: હવે ચારેય સભ્ય દેશ કેવી રીતે સક્રિય થયા?
અરુણ પ્રકાશ: 10 વર્ષ સુધી ક્વાડનો સળવળાટ ન થયો. 2017ની આસિયન સમિટ વખતે ફરી એક વાર ક્વાડની વાત આગળ વધી. ત્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં ચીનનો હસ્તક્ષેપ એ હદે વધી ગયો હતો કે ત્યાં રાજકીય જૂથો પૈસાથી ખરીદાવા લાગ્યાં. ઓસ્ટ્રેલિયાએ વ્યાપારના ભોગે દેશની વ્યૂહાત્મક સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું.

સવાલ: તો શું હવે ક્વાડની રચના થઇ ચૂકી છે?
અરુણ પ્રકાશ: સાચી વાત તો એ છે કે હાલ આ ગ્રૂપનો એજન્ડા અને સેક્રેટરિએટ જ નક્કી નથી. આ મુદ્દે વાતચીત શરૂ થઇ ગઇ છે તે સારી વાત છે. સૈન્ય ગઠબંધન અંગે હાલ કોઇ દેશ તૈયાર નથી. ભારતે રશિયા સાથે પણ સંતુલન જાળવી રાખવાનું છે. ક્વાડને સૈન્ય ગઠબંધન બનાવાય તો તે ચીન સાથે દુશ્મનીનું ખુલ્લું એલાન હશે.

સવાલ: નૌકાદળોની કવાયતનું શું મહત્ત્વ છે?
અરુણ પ્રકાશ: આ દેશો ક્વાડની વ્યવસ્થા હેઠળ અભ્યાસ નથી કરી રહ્યા. ભારત-અમેરિકા વચ્ચે 1992થી માલાબાર નામથી નૌકાદળોની કવાયત ચાલી આવે છે. તેમાં 25 વર્ષ બાદ જાપાન, ઓસ્ટ્રેલિયાને પણ બોલાવવાનું શરૂ થયું. આ વખતે ઓસ્ટ્રેલિયન નેવી પણ ભાગ લેવાની હોવાની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે. પરિણામ સામે છે.

સવાલ: ચીન સાથે ઘર્ષણની સ્થિતિમાં ક્વાડની શું ભૂમિકા હશે?
અરુણ પ્રકાશ: એક વાત સંપૂર્ણપણે સમજી લેવી જોઇએ કે કોઇ પણ ઘર્ષણની સ્થિતિમાં કોઇ પણ દેશ મદદ માટે પ્રત્યક્ષ રીતે આગળ નહીં આવે. આપણે કોઇ ગેરસમજ ન રાખવી જોઇએ. એટલું તો જરૂર છે કે ક્વાડ એક સંદેશ છે કે હવે બહુ થયું. એ પણ જોવું પડશે કે જાપાન, ઓસ્ટ્રેલિયા આપણાથી ઘણા દૂર છે. તેથી આનો સૈન્ય ગઠબંધન તરીકે ઉપયોગ ન કરી શકાય. આ દેશો સાથે આવવાથી દક્ષિણ ચીન સમુદ્રમાં વિયેતનામ, થાઇલેન્ડ જેવા નાના દેશોનું મનોબળ જરૂર વધશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post