• Home
  • News
  • બેંગલોર અને કોલકાતા વચ્ચે ખરાખરીનો જંગ, કોહલી અને મોર્ગનની અગ્નિપરીક્ષા
post

વિજેતા ટીમ ક્વોલિફાયર-1 મેચમાં પરાજિત ટીમ સામે ટકરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 10:37:36

સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે એલિમિનેટર રાઉન્ડમાં ટક્કર થશે. આ મેચમાં વિજેતા માટે આઈપીએલની ફાઇનલમાં પહોંચવાની એક તક રહેશે જ્યારે જે ટીમ પરાજિત થશે તે આઈપીએલમાંથી બહાર ફેંકાઇ જશે તેને કારણે બન્ને ટીમો આ મેચ જીતવા માટે મરણિયો જંગ ખેલશે. આ મેચમાં વિરાટ કોહલી અને મોર્ગનની કેપ્ટન્સીની પણ પરીક્ષા થશે. જે ટીમ આ મેચ જીતશે તે રવિવારની ક્વોલિફાયર-1 મેચમાં પરાજિત ટીમ સામે ક્વોલિફાયર-2માં ટકરાશે અને ત્યાંથી ફાઇનલનો માર્ગ બનશે. આ મેચમાં કોહલીની આક્રમક વ્યૂહરચના અને મોર્ગનના ધીરજની કસોટી થશે. નોંધનીય છે કે આઈપીએલ બાદ કેપ્ટન્સી છોડી દેવાની જાહેરાત કરી ચૂકેલા કોહલીની આગેવાની હેઠળ આરસીબીની ટીમ આ પહેલાં 2016માં પણ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ખિતાબ હાંસલ કરી શકી ન હતી. આ ઉપરાંત તેની આગેવાની હેઠળની આ ટીમ 2015 અને 2020માં પણ પ્લે-ઓફમાં પહોંચી ગઈ હતી. વિરાટ કોહલી પોતાની કેપ્ટન્સી ખિતાબ હાંસલ કરીને છોડવાનું પસંદ કરશે.

ભરતનો દેખાવ પણ RCB માટે ઘણો પોઝિટિવ

બન્ને ટીમના ખેલાડીઓની વાત કરીએ તો બન્ને કેપ્ટન પાસે કુશળ ખેલાડી છે. આરસીબીમાં કોહલી ઉપરાંત એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ અને દેવદત્ત પડ્ડિકલ જેવા ખતરનાક બેટ્સમેન છે. શ્રીફર ભરતનો દેખાવ પણ ટીમ માટે ઘણો પોઝિટિવ રહ્યો છે, તેમ છતાં ટીમને યોગ્ય સંયોજનની જરૂરિયાત છે. 

આંકડા પ્રમાણે જોઈએ તો કેકેઆરનું પલ્લુ ભારે

મોર્ગનની સામે કેકેઆરની ગુમાવેલી પ્રતિષ્ઠાને પુનઃ પ્રાપ્ત કરવાનો પડકાર છે. કેકેઆરએ 2012 અને 2014ની વચ્ચે ત્રણ વર્ષની અંદર ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ બે વાર ખિતાબ હાંસલ કર્યો છે. કાગળ ઉપર બન્ને ટીમની મજબૂતાઇ જોઇએ તો બન્ને ટીમ સમાન લાગે છે, પરંતુ જો આંકડા પ્રમાણે જોઇએ તો કેકેઆરનું પલ્લુ ભારે છે. આ બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 28 મેચ રમાઇ છે જેમાંથી કેકેઆરએ 15મા વિજય મેળવ્યો છે. જોકે આરસીબીની ટીમ પોતાની અંતિમ લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે છેલ્લા બોલે સિક્સર ફટકારીને વિજય મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે.

કેકેઆર તરફથી પણ બોલર્સે સારી ભૂમિકા ભજવી છે. લોકી ફર્ગ્યુસન અને શિવમ માચી યોગ્ય સમયે ફોર્મમાં આવી ગયા છે, જ્યારે સ્પિનર વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને શાકિબ અલ હસન પ્રભાવશાળી રહ્યા છે. બેટ્સમેનોમાં શુભમન ગિલ, વેંકટેશ ઐયર, રાહુલ ત્રિપાઠી અને નીતીશ રાણાનો દેખાવ સારો રહ્યો છે. શારજાહની ધીમી પિચ ઉપર પટેલ અને ચહલનો કેવી રીતે સામનો કરે છે તે જોવાનું રહેશે. કેપ્ટન મોર્ગનનું ખરાબ ફોર્મ ટીમ માટે મોટું નેગેટિવ ફેક્ટર છે.