• Home
  • News
  • ખાદ્યતેલોમાં તેજી સાથે સિઝન શરૂ સિંગતેલ ડબો વધી રૂ.2200 ક્રોસ
post

ગુજરાતમાં સિંગતેલનું વાર્ષિક 5.5-6 લાખ ટન ઉત્પાદન

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 10:56:54

તેલીબિયા પાકોના રેકોર્ડ વાવેતર પરંતુ વધુ પડતા વરસાદના કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં કાપ જણાતા અને નવા માલોની ગુણવત્તા નબળી હોવાથી ખાદ્યતેલોમાં તેજીનો ટ્રેન્ડ શરૂ થયો છે. દસ દિવસમાં ખાદ્યતેલોમાં ડબ્બા દીઠ સરેરાશ 75-100નો વધારો થયો છે. સિંગતેલ ડબ્બો ઉઘડતી સિઝન છતાં આજે વધુ 30-40 વધી રૂ.2200ની સપાટી કુદાવી 2230 બોલાઇ ગયો છે. સાઇડ તેલોમાં પણ તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. ખાદ્યતેલોમાં તેજી-મંદી માટે સિંગતેલને બેઝ ગણવામાં આવી રહ્યો છે ત્યારે નવી સિઝનમાં સિંગતેલ ડબ્બો 2000થી નીચે પહોંચવો મુશ્કેલ હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે.

સિંગતેલની સાથે કપાસિયા, પામતેલ, સોયાતેલમાં પણ ભાવ મજબૂત રહ્યાં છે. કપાસિયા તેલનો ડબ્બો પણ વધી 1700 નજીક 1680 બોલાવા લાગ્યો છે. સરકારે ટેકાના ભાવ વધારી ક્વિન્ટલ દીઠ રૂ.5275 કર્યા છે. ખરીદીનો ટાર્ગેટ પણ ઉંચો છે જેના કારણે મિલોને સિંગતેલની પેરીટી ઉંચી આવશે. ટેકાના ભાવથી ખરીદી માટે ગુજરાતમાંથી 4.30 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 21 ઓક્ટોબરથી નાફેડ ખરીદી કરશે.

મિલરોને પેરિટી ન હોવાથી 50% જ મિલો શરૂ
સોમાના પ્રમુખ કિશોર વિરડીયાએ જણાવ્યું હતું કે, મગફળીના ઉંચા ભાવ સાથે ઓઇલ ટકાવારી પૂરતી ન મળતા ડબ્બા દીઠ સરેરાશ 150-200ની ડિસ્પેરીટી છે. સારા માલની અછત અને બીજી તરફ નુકસાનીના કારણે ગુજરાતની 750-800 ઓઇલ મિલમાંથી 50 ટકા મીલોમાં જ પીલાણ કામગીરી શરૂ થઇ છે. જે મીલોમાં પીલાણ થઇ રહ્યું છે તેમાં પણ સપ્તાહમાં 3 દિવસ જ ચાલી રહી છે.

ગુજરાતમાં સિંગતેલનું વાર્ષિક 5.5-6 લાખ ટન ઉત્પાદન
ગુુજરાતમાં મગફળીનો પાક અંદાજ કરતા ઘટી 35.45 લાખ ટન ઉત્પાદન સાથે દેશમાં 55-58 લાખ ટનનો પાક રહેશે. રવીનો 15 લાખ ટન નો અંદાજ મુકવામાં આવે તો કુલ મગફળીની ઉપલબ્ધિ દેશમાં 72 લાખ ટન આસપાસ રહી શકે જેમાંથી સિંગતેલનું 7-7.25 લાખ ટન ઉત્પાદન થઇ શકે જેમાં ગુજરાતમાં 5.5-6 લાખ ટનનું ઉત્પાદન થાય તેવો અંદાજ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post